કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ હાઈ સ્કૂલનો નવો વિવાદ : વાલીઓએ કહ્યું કે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાની ઍસેમ્બલી વખતે એ ટીચરને પાછાં લેવા પ્રે કરવા કહ્યું : દસમા ધોરણના વિદ્યાર્થીઓની માગણી હોવાનું કહેવાયું
કપોળ વિદ્યાનિધિમાં અઝાન વગાડનાર સસ્પેન્ડેડ ટીચરને પાછાં લેવાની છે હિલચાલ?
મુંબઈ ઃ સતત વિવાદોમાં રહેતી કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ હાઈ સ્કૂલે ફરી એક વાર વિવાદ ઊભો થાય એવું કાર્ય કર્યું હોવાનું વાલીઓનું કહેવું છે. થોડા દિવસ પહેલાં સ્કૂલમાં પ્રાર્થના દરમ્યાન વિદ્યાર્થીઓને અઝાન બોલાવવામાં આવતાં જોરદાર બબાલ થઈ હતી અને જે ટીચરે આ અઝાન પ્રાર્થનામાં ઉમેરી હતી તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી. જોકે એનું ભૂત ફરી એક વાર ધૂણ્યું છે અને સ્કૂલનાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાની ઍસેમ્બલી વખતે આ સસ્પેન્ડેડ ટીચરને પાછાં લેવા કહ્યું હોવાનું વાલીઓનું કહેવું છે. બીજી બાજુ પ્રિન્સિપાલ ડૉ. રેશમા હેગડેનું કહેવું છે કે ખુદ દસમા ધોરણના વિદ્યાર્થીઓએ તેમને સસ્પેન્ડેડ ટીચરને પાછાં લેવા માટે કહ્યું છે.
ગુરુપૂર્ણિમા નિમિત્તે ઍસેમ્બલી વખતે પ્રિન્સિપાલે જાતે સ્પીચ આપી હતી અને ચોથા ધોરણથી લઈને દસમા ધોરણ સુધીના સ્ટુડન્ટ્સના ક્લાસમાં એ સ્પીકર પર બ્રૉડકાસ્ટ થઈ હતી. એ સ્પીચમાં તેમણે બાળકોને એક નાની કવિતા પણ સંભળાવી હતી અને ત્યાર બાદ તેમને સંબોધતાં અઝાનના ઇશ્યુને કારણે જે ટીચરને સસ્પેન્ડ કરાયાં છે એ મુદ્દે બાળકોને શું કહ્યું હતું એ વિશે માહિતી આપતાં એક પેરન્ટ્સે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રિન્સિપાલ મૅડમે કોને-કોને સસ્પેન્ડ કરેલાં મિસ પાછાં જોઈએ છે એવું પૂછ્યું હતું. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જે ઘટના બની હતી એના વિશે મીડિયામાં પણ આવી ગયું છે જે આઉટ ઑફ પ્રપોર્શન હતું. મીડિયાએ એ મુદ્દાને બહુ ઉછાળ્યો. આપણા મિસ ઘરે છે. આપણે એવું ન કરવું જોઈએ. આપણે એવી પ્રે કરીએ કે તે પાછાં આવી જાય. હું પણ કૉન્વેન્ટમાં ભણી છું. મને પણ બાઇબલ ભણાવવામાં આવ્યું હતું. હું થોડી એનાથી ક્રિશ્ચિયન બની ગઈ? આપણે આટલા બધા રિજિડ ન બનવું જોઈએ. આપણી ડેમોક્રેટિક કન્ટ્રી છે. આપણે સેક્યુલર બનવું જોઈએ. તમારા બધાની શું ઇચ્છા છે. આપણે તેમને પાછાં બોલાવી લઈએ. તેમણે આખી વાત એ રીતે મૂકી હતી કે જાણે કેટલાંક બાળકો અને વાલીઓને કારણે તે ટીચરની જૉબ ગઈ અને તેમણે ઘરે બેસી જવું પડ્યું.’
બીજા એક વાલીએ કહ્યું હતું કે ‘આ ઇશ્યુ પર તેમણે અમને પૂછવું જોઈએ, નહીં કે બાળકોને. ટીચરને રાખવા કે નહીં એ નિર્ણય છોકરાઓ તો ન જ લઈ શકેને? આ તો સેક્યુલરિઝમના નામે બાળકોનું બ્રેઇન વૉશ કરવાની કોશિશ કરાઈ રહી છે.’
બૉક્સ:
આ બાબતે સ્કૂલનું શું કહેવું છે?
ADVERTISEMENT
આ મુદ્દા પર સ્કૂલનાં પ્રિન્સિપાલ ડૉ. રેશમા હેગડેએ પોતાની બાજુ રજૂ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સસ્પેન્ડ કરાયેલાં ટીચર જે ક્લાસનાં ક્લાસ-ટીચર હતા ત્યાં તેમની જગ્યાએ નવા ટીચર મુકાયા છે, પણ બાળકોએ નવા ટીચર બરાબર ભણાવતા નથી એથી તેમણે જૂનાં ટીચર જ પાછાં જોઈએ છે એવી વાત અમારી સામે મૂકી હતી. ગઈ કાલે બાળકો મારી પાસે આવ્યાં હતાં અને તેમણે મને કહ્યું હતું કે તે મિસ (સસ્પેન્ડ કરાયેલાં) બહુ જ સારાં છે અને અમને એ જ મિસ જોઈએ છે. ગુરુપૂર્ણિમાના દિવસે ઍસેમ્બલીમાં મેં આ મુદ્દો સ્ટુડન્ટ્સની સામે મૂક્યો હતો.’
બાળકોએ તેમને એ અરજી લેખિતમાં આપી છે? એમ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હા પાડી હતી. ત્યાર બાદ તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ દસમા ધોરણનાં બાળકો છે અને તેમને બધી સમજ પડે છે.
તેમને પૂછવામાં આવ્યું કે તમે હવે આ બાબતે શું નિર્ણય લીધો છે? એના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમે કોઈ નિર્ણય લીધો નથી. ત્યાર બાદ ‘મિડ-ડે’એ બાળકોએ લખેલી અરજીની કૉપી માગી તો પ્રિન્સિપાલે કહ્યું કે અમે તમને એ કૉપી કઈ રીતે આપી શકીએ?


