દેવેન્દ્ર ફડણવીસે ૩ વર્ષમાં બધા પ્રોજેક્ટ પૂરા કરવાનો આદેશ આપ્યો
પ્રતીકાત્મક તસવીર
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને રાજ્યમાં ચાલી રહેલા બધા જ મેટ્રો રેલ પ્રોજેક્ટ ત્રણ વર્ષની અંદર પૂરા કરવાનો આદેશ આપ્યો છે.
હાલ મહારાષ્ટ્રમાં કુલ ૧૭૪ કિલોમીટરનો મેટ્રો કૉરિડોર છે જ્યારે બાકી ૨૯૧ કિલોમીટર કૉરિડોરની મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત વધુ ૧૩૦ કિલોમીટરમાં મેટ્રો પ્રોજેક્ટ તૈયાર કરવા માટેનો પ્રસ્તાવ પણ છે જેને મંજૂરી મળે એની રાહ જોવામાં આવી રહી છે. રાજ્ય સરકારની યોજના ૨૦૨૯-૩૦ સુધી ૩૦૦ કિલોમીટરની નવો મેટ્રો લાઇન શરૂ કરવાની છે.
૨.૮૧ લાખ રૂપિયાનો છે પ્રોજેક્ટ
રાજ્ય સરકારની યોજના અનુસાર તમામ પ્રોજેક્ટ પૂરા થતાં રાજ્યભરમાં કુલ ૬૮૩.૫૩ કિલોમીટરની મેટ્રો લાઇન ઑપરેશનલ હશે. એમાં પણ ૪૨૮.૮૯ કિલોમીટરની મેટ્રો મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં જ ઑપરૅટ કરશે. આખા પ્રોજેક્ટ પાછળ થનારા ખર્ચ માટે કેન્દ્ર સરકાર ૨૭,૨૧૬ કરોડ રૂપિયા આપશે જ્યારે ૫૦,૨૫૦ કરોડ રૂપિયા મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) બાકીના ૭૫,૭૨૫.૬૨ કરોડ રૂપિયા આપશે.
