ઉચ્ચ શિક્ષિત પરિવારે શા માટે સામૂહિક રીતે આત્મહત્યા કરી હશે એવો સવાલ બધાને થઈ રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે પરભણીમાં શિક્ષક પતિ-પત્ની અને પુત્રીએ ટ્રેનની નીચે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી અને આઘાતજનક ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પરભણી પોલીસના જણાવ્યા મુજબ પરભણી શહેરના મમતા વિદ્યાલયમાં સેકન્ડરી વિભાગમાં અહમપુર નજીકના ગામમાં રહેતા ૪૫ વર્ષના મસનાજી તુડમે શિક્ષક હતા. તેઓ ગઈ કાલે બપોરના ૪૦ વર્ષની પત્ની રંજના અને ૨૧ વર્ષની પુત્રી અંજલિ સાથે પરભણીના ધારખેડ વિસ્તારમાં આવેલી રેલવે લાઇન પર ગયા હતા. પરભણીથી પરલી તરફ જવા માલગાડી આવી રહી હોવાનું જોયા બાદ ત્રણેય પાટા પર સૂઈ ગયાં હતાં. ઝડપથી આવી રહેલી માલગાડીની નીચે આવી જતાં ત્રણેયના શરીરના ફુરચેફુરચા ઊડી જતાં તેમનાં મૃત્યુ થયાં હતાં. આ ભયંકર ઘટનાની જાણ થતાં આસપાસના લોકો જમા થઈ ગયા હતા. ઉચ્ચ શિક્ષિત પરિવારે શા માટે સામૂહિક રીતે આત્મહત્યા કરી હશે એવો સવાલ બધાને થઈ રહ્યો છે.