દરેક વાહનમાં પાવડો અને રેતી સહિતની વસ્તુઓ રાખવામાં આવી
ટ્રૅફિક વાહનમાં ટ્રૅફિક અધિકારીઓ ખાડા ભરવાની વસ્તુઓ સાથે.
થાણે સહિત કલ્યાણ-ડોમ્બિવલીમાં ચોમાસામાં રસ્તા પર પડતા ખાડાને કારણે ટ્રૅફિકમાં જનતા સહિત વિદ્યાર્થીઓએ તકલીફ વેઠવી પડતી હોય છે એ જોતાં મંગળવારે થાણેના ટ્રૅફિક વિભાગ અંતર્ગત આવતાં ૧૭ ટ્રૅફિક ડિવિઝનનાં વાહનોમાં ખાડા ભરવા માટે પાવડો અને રેતી સહિતની તમામ વસ્તુઓ રાખવામાં આવી છે. આ ઉપરાંત દરેક અધિકારીને કટોકટીના સમયે આ વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવો એની તાલીમ આપવામાં આવી છે. ચોમાસામાં બંધ પડતાં વાહનોને કારણે થતો ટ્રૅફિક રોકવા માટે આ વખતે મુખ્ય હાઇવે તેમ જ આંતરિક રસ્તાઓ પર સ્ટૅન્ડબાય ક્રેન પણ રાખવામાં આવી છે.
થાણેના ટ્રૅફિક વિભાગના ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP) પંકજ શિરસાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોમાસા વખતે થાણે ઉપરાંત કલ્યાણ, ડોમ્બિવલીના આંતરિક રસ્તાઓ તેમ જ મુખ્ય હાઇવે પર ખાડાની સમસ્યા સર્જાતી હોય છે જેને પરિણામે ટ્રૅફિક થતો જોવા મળે છે. ગયા વર્ષે કેટલાક રસ્તા પર એવું જોવા મળ્યું હતું કે ખાડા ભરવા માટે સંબંધિત અધિકારીનો સંપર્ક કરવામાં આવતાં કલાકો સુધી તેમણે ખાડા ભર્યા નહોતા જેને કારણે કલાકોનો ટ્રૅફિક ઘોડબંદર, માનપાડા અને ભિવંડી હાઇવે પર થયો હતો. આ વર્ષ સાવચેતીરૂપે મેં થાણે ટ્રૅફિક અંતર્ગત આવતાં ૧૭ ટ્રૅફિક ડિવિઝનના દરેક વાહનમાં એક પાવડો, રેતી ભરવાની બે બાસ્કેટ, ૧૦થી ૧૫ કિલો રેતી સહિતની જરૂરી સામગ્રી રાખવાની સૂચના આપી હતી. એ અનુસાર મંગળવારથી તમામ વાહનોમાં આ વસ્તુઓ ગોઠવી દેવામાં આવી છે. એ સાથે જ અધિકારીઓને સ્ટ્રિક્ટ સૂચના આપવામાં આવી છે કે જો ખાડાને કારણે ટ્રૅફિક જોવા મળે તો કોઈ પણ વિભાગની રાહ જોયા વગર તાત્કાલિક ખાડા ભરી દેવામાં આવે. આ માટે અમે અધિકારીઓને જોઈતી તાલીમ પણ આપી છે.’


