થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની ચૂંટણી માટે ગઈ કાલે એકનાથ શિંદેની શિવસેનાએ બીજી યાદી જાહેર કરી હતી
નિખિલ બુડજડે
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની ચૂંટણી માટે ગઈ કાલે એકનાથ શિંદેની શિવસેનાએ બીજી યાદી જાહેર કરી હતી જેમાં કેટલાક ઇચ્છુક ઉમેદવારોનાં નામ ન હોવાથી પાર્ટીના કાર્યકરોમાં અસંતોષ જાગ્યો હતો. એ સમયે થાણેના ટેમ્ભી નાકા જેને આનંદ આશ્રમ પણ કહેવામાં આવે છે ત્યાંના શાખાપ્રમુખ નિખિલ બુડજડેને ગઈ કાલે પાર્ટીની ટિકિટ ન મળતાં તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. થાણેના આનંદ આશ્રમમાં આનંદ દિઘે રહેતા હતા અને અહીંથી જ એકનાથ શિંદેએ રાજકારણની શરૂઆત કરી હતી. થાણેની અન્ય શાખાઓ કરતાં આનંદ આશ્રમની શાખાનું મહત્ત્વ અલગ છે. દરેક મોટા કાર્યક્રમો તેમ જ મોટા કાર્યની શરૂઆત એકનાથ શિંદે આનંદ આશ્રમથી જ કરે છે.
નિખિલ બુડજડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાર્ટીએ છેલ્લાં પચીસ વર્ષથી નગરસેવક રહેલા સભ્યને પાછી ટિકિટ આપી છે એને કારણે ટેમ્ભી નાકા પરિસરમાં રહેતા લોકો તેમ જ શિવસેનાને પ્રેમ કરતા લોકો એક રીતે નારાજ છે. ગઈ કાલે અહીં ઉમેદવારનું નામ જાહેર થતાં મોટી સંખ્યામાં લોકો શાખામાં ભેગા થયા હતા અને તેમણે મને અહીંથી ચૂંટણી લડવા માટે જોર કરતાં મેં TMCના વૉર્ડ-નંબર બાવીસમાંથી મારી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.’


