મનોચિકિત્સા હૉસ્પિટલનો ઉપચાર વિભાગ દરદીઓને આત્મનિર્ભર બનાવવા અને તેમને સમાજમાં ફરીથી ઊભા રહેવા માટે સક્ષમ બનાવવા સતત પ્રયાસ કરી રહ્યો છે
થાણેની મનોચિકિત્સા હૉસ્પિટલના દરદીઓએ તૈયાર કરેલી રાખડીઓ.
થાણે-વેસ્ટના ધરમવીરનગરમાં આવેલી થાણે મનોચિકિત્સા હૉસ્પિટલમાં ઇલાજ લઈ રહેલી ૬૦ મહિલા દરદીઓએ ૧૨૦૦ રાખડી પોતાના હાથે તૈયાર કરી છે. રક્ષાબંધન નિમિત્તે એમાંથી ૫૦૦ રાખડી સરહદ પર લડતા સૈનિકો માટે ગઈ કાલે મોકલવામાં આવી હતી. મનોચિકિત્સા હૉસ્પિટલમાં ઇલાજ લેતા દરદીઓને આત્મનિર્ભર બનાવવા સાથે તેઓ સમાજમાં ફરી સ્થાન મેળવી શકે એવા પ્રયાસથી મહિલા દરદીઓને રાખડી બનાવવા માટેની તાલીમ તેમ જ સામગ્રી આપવામાં આવી હતી. આમાંની કેટલીક રાખડીઓ હૉસ્પિટલમાં વેચવા માટે પણ રાખવામાં આવી છે.
મનોચિકિત્સા હૉસ્પિટલનો ઉપચાર વિભાગ દરદીઓને આત્મનિર્ભર બનાવવા અને તેમને સમાજમાં ફરીથી ઊભા રહેવા માટે સક્ષમ બનાવવા સતત પ્રયાસ કરી રહ્યો છે. માનસિક રીતે બીમાર દરદીઓની સુષુપ્ત પ્રતિભાઓને ઓળખીને તેમને અલગ-અલગ વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન પ્રસંગે તેમને રાખડી બનાવવા માટેની તાલીમ આપવામાં આવી હતી એમ જણાવતાં મનોચિકિત્સા હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર નેતાજી મુલિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જુલાઈ મહિનાની શરૂઆતમાં હૉસ્પિટલની ૬૦ મહિલા દરદીઓએ આ તાલીમમાં ભાગ લીધો હતો. તેમને દોરી, માળા, કાપડ અને રંગબેરંગી સામગ્રીથી શણગારેલી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવાનું શીખવવામાં આવ્યું હતું. રાખડીઓ બનાવવા માટે જરૂરી કાચો માલ બહારથી મગાવવામાં આવ્યો હતો. દરમ્યાન દરેક મહિલા દરદીની કલા, કલ્પનાશક્તિ અને અદૃશ્ય હૂંફથી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર પહેલ પાછળ હૉસ્પિટલના ઑક્યુપેશનલ થેરપી વિભાગનાં નિષ્ણાતો ડૉ. હેમાંગિની દેશપાંડે, ડૉ. આશ્લેષા કોળી, ડૉ. પ્રાજક્તા મોરે અને ડૉ. જાહનવી કેરજકરનો ખાસ ફાળો છે. તહેવારો દરમ્યાન હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દરદીઓ તેમના ઘરથી દૂર હોય છે. આ કારણે તેઓ તેમના પરિવારના લોકોને ખૂબ યાદ કરતા હોય છે. આ ખાલી જગ્યા ભરવા અને તેમના ચહેરા પર આનંદ લાવવા માટે આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે મહિલા દરદીઓ દ્વારા હૉસ્પિટલમાં પુરુષ દરદીઓને આ રાખડીઓ બાંધીને આ તહેવાર ઊજવવામાં આવશે. એમાં એક ભાઈ અને બહેન લોહીની નહીં પણ સમજણ, આત્મીયતા અને ઉપચારપ્રક્રિયાનો એક ભાગ સાબિત થશે. આ ઉપરાંત ગઈ કાલે સવારે મહિલા દરદીઓએ
બનાવેલી ૫૦૦ રાખડીઓ દેશની સરહદો પર લડતા સૈનિકોને મોકલવામાં આવી છે.’


