થાણેમાં સ્કૂટર પર ઊભો રહીને બીજા બાઇકરને લાત મારતા યુવક પાસે પોલીસે ઑન કૅમેરા માફી મગાવી
એક પગ પર ઊભા રહીને ટુ-વ્હીલર ચલાવતાં-ચલાવતાં બીજા બાઇકરને લાત મારતો યુવક.
થાણેમાં રોડ પર હીરોગીરી કરતા એક બાઇકરનો વિડિયો સામે આવ્યો હતો. એ સમયે પોલીસ પણ ત્યાં હાજર હોવાથી ઑફિસરોએ થોડી જ મિનિટોમાં બાઇકરની બધી હીરોગીરી ઉતારી દીધી હતી. સ્કૂટર પર જઈ રહેલી એક વ્યક્તિએ બીજા એક ટૂ-વ્હીલર ડ્રાઇવરને ડ્રાઇવિંગ કરતાં-કરતાં લાત મારી હતી. આ આખી ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો હતો અને પૅટ્રોલિંગ પર રહેલા પોલીસ-અધિકારીઓએ આ ઘટના જોઈ હતી એટલે પોલીસે ત્યાં જ આરોપીને પકડી લીધો હતો.
પોલીસ દ્વારા બાઇકરને તેની ભૂલ સ્વીકારવા અને અન્ય લોકોને મેસેજ આપવા માટે કહેવામાં આવ્યું હતું. રેકૉર્ડેડ વિડિયોમાં આરોપી હાથ જોડીને પોતાનો પરિચય આપે છે અને સ્વીકારે છે કે તે સ્ટન્ટ કરી રહ્યો હતો એ તેની ભૂલ હતી. તેણે પછી બીજા લોકોને ધીમેથી વાહન ચલાવવાની વિનંતી કરી હતી.
ADVERTISEMENT
શું છે વિડિયોમાં?
વાઇરલ વિડિયોમાં બાઇક અને સ્કૂટર ચલાવી રહેલા યુવકો દેખાય છે. સ્કૂટર ડ્રાઇવ કરી રહેલો એક યુવક સ્કૂટર પર પર ઊભો થઈ જાય છે અને તેની નજીક ડ્રાઇવ કરી રહેલા બે બાઇકરને લાત મારવાનો પ્રયાસ કરે છે. આ પછીના બીજા પ્રયાસમાં આરોપી યુવક એક પગ બીજું સ્કૂટર ચલાવી રહેલા યુવક પર રાખીને ડ્રાઇવ કરે છે. આરોપીને જાણ નહોતી કે સ્થાનિક પોલીસ-અધિકારીઓ તેની પાછળ જ પૅટ્રોલિંગ કરી રહ્યા હતા.


