છેતરપિંડીની ફરિયાદ કાસરવડવલી પોલીસમાં દાખલ કરી છે
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં રહેતા ૯૦ વર્ષના બિલ્ડર-ડેવલપરે તેમની દીકરી, જમાઈ અને બે દોહિત્રો સામે ૯.૭ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કાસરવડવલી પોલીસમાં દાખલ કરી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર દીકરી અને તેનો પરિવાર વૃદ્ધ માતા-પિતાને પોતાની સાથે રહેવા લઈ ગયાં હતાં. તેમણે પિતાના નામ પરના ૫.૮૮ કરોડની કિંમતના ૧૩ જેટલા ફ્લૅટ પોતાના નામ પર ટ્રાન્સફર કરાવી લીધા હતા અથવા સેલ કરી દીધા હતા. એટલું જ નહીં, તેમના બૅન્ક-અકાઉન્ટમાંથી ત્રણ કરોડ રૂપિયા પણ કઢાવી લીધા હતા અને તેની માતાના ૪૯ લાખ રૂપિયાના દાગીના પણ પડાવી લીધા હતા. વૃદ્ધ દંપતીને આ વિશે જાણ થઈ ત્યારે તેમણે એ વિશે પૂછતાં આરોપી દીકરી અને તેના પરિવારે તેમને ધમકાવ્યા હતા એટલું જ નહીં, મારી નાખવાની પણ ધમકી આપી હતી. એથી આ સંદર્ભે તેમણે કાસરવડવલી પોલીસ-સ્ટેશનમાં દીકરી અને તેના પરિવાર સામે ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદના આધારે હાલ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી છે.

