બૅન્કમાં પૈસા જમા કરાવવા આવતા લોકોને વાતોમાં ફસાવીને છેતરવા બદલ સુરતના રહેવાસીની ધરપકડ: તેની સામે મુંબઈ, થાણે અને ગુજરાતનાં પોલીસ સ્ટેશનોમાં ૨૩થી પણ વધુ છેતરપિંડીના કેસ નોંધાયા છે

પોલીસે તપાસ કરીને ચોરને પકડી પાડ્યો હતો અને બૅન્કના સીસીટીવી કૅમેરામાં કેદ થયેલો આરોપી
ગ્રાહક બનીને બૅન્કમાં જઈ ત્યાં રહેલા લોકોને પોતાની વાતોમાં ફસાવનાર સુરતમાં રહેતા આરોપીની મલાડ પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી બૅન્કમાં પૈસા જમા કરાવવા આવતા લોકોને વાતોમાં ફસાવીને પૈસા આપવાની લાલચ આપતો હતો અને તેમના જ પૈસા લઈને ફરાર થઈ જતો હતો. સુરતમાં રહેતા આ આરોપીનું નામ અબ્બાસ ઉકણી છે. તેની સામે મુંબઈ, થાણે અને ગુજરાતનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ૨૩થી પણ વધુ છેતરપિંડીના કેસ નોંધાયેલા છે.
મલાડ પોલીસે આ વિશે જણાવ્યું હતું કે ‘આ કેસનો ફરિયાદી વાઇન શૉપમાં મૅનેજર છે અને તે દરરોજ બીજા દિવસે બૅન્કમાં કલેક્શન જમા કરાવવા જતો હતો. મલાડના માર્વે રોડ પર આવેલી એચડીએફસી બૅન્કમાં ૧૮ મેએ તે પૈસા જમા કરાવવા ગયો ત્યારે ત્યાં આરોપી તેને મળ્યો હતો. ફરિયાદીએ તેને ઓળખ્યો નહોતો. આમ છતાં આરોપી ફરિયાદીને તેની વાઇન શૉપમાં કામ કરતા ચારથી પાંચ જણનું નામ કહીને તેનું નામ અને ઓળખ આપવા લાગ્યો હતો. ત્યાર બાદ આરોપીએ તેને કહ્યું કે આ લોકોમાંથી તમે કોને ઓળખો છો? ત્યારે ફરિયાદીએ કહ્યું કે હું યાદવને ઓળખું છું.’
મલાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શરદ જાધવે જણાવ્યું હતું કે ‘યાદવને ઓળખે છે એમ કહ્યા બાદ આરોપીએ કહ્યું હતું કે યાદવે અમારા સાહેબને એટલે કે તેમને પૈસા આપવાનું કહ્યું હતું. આટલું કહીને આરોપી ફરિયાદીને બૅન્કની બહાર લઈ ગયો હતો અને સામે આવેલું એક બિલ્ડિંગ બતાવીને આ બિલ્ડિંગના છઠ્ઠા માળે મારા સાહેબ રહે છે અને તેઓ નીચે આવશે ત્યારે આ વાત કરશે અને નીચે આવીને તમને અઢી લાખ રૂપિયા આપશે. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદીને પોતાની વાતોની જાળમાં ફસાવવા માટે પહેલાં પચાસ હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યાર બાદ આરોપીએ પચાસ હજાર રૂપિયા પાછા લઈ લીધા હતા અને કહ્યું હતું કે અમે તમને અઢી લાખ રૂપિયા એકસાથે આપીશું, તમે પહેલાં તમારા પૈસા બૅન્કમાં જમા કરી દો. ફરિયાદી પોતાના પૈસા બૅન્કમાં જમા કરાવવા ગયો ત્યારે ફરી આરોપી તેની પાસે આવ્યો હતો અને કહ્યું કે તમારા અઢી લાખ રૂપિયા અમારા શેઠ લઈને બહાર ઊભા છે એટલે પહેલાં તમે ત્યાં જઈને પૈસા લઈ આવો. ફરિયાદી બહાર ગયો એટલે આરોપી તેની ૯૮,૦૦૦ રૂપિયા ભરેલી બૅગ લઈને ભાગી ગયો હતો. ત્યાર બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં ફરિયાદીએ મલાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યા બાદ અમે બૅન્કના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અને કેટલાક પુરાવાઓની મદદથી આરોપીની શોધ શરૂ કરી હતી. માહિતીના આધારે અમને ખબર પડી કે આરોપી દહિસરમાં આવી રહ્યો છે. આરોપી ત્યાં પહોંચ્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી વિરુદ્ધ મુંબઈ, થાણે અને ગુજરાતનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ૨૩થી વધુ છેતરપિંડીના કેસ નોંધાયેલા છે.’