MBAના ઇન્ટરવ્યુ માટે માસીના ઘરે આવેલી હિમાની તાપરિયા સાથે આ બનાવ બનતાં આઘાતમાં
ગોરેગામ-વેસ્ટના અણમોલ ટાવરની લિફ્ટમાં નાઇટ્રોજન બલૂનનો બ્લાસ્ટ થતાં ૨૧ વર્ષની યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી
ગોરેગામ-વેસ્ટના અણમોલ ટાવરની લિફ્ટમાં નાઇટ્રોજન બલૂનનો બ્લાસ્ટ થતાં ૨૧ વર્ષની યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી. સુરતની હિમાની તાપરિયા MBA એન્ટ્રન્સના ઇન્ટરવ્યુ માટે તેની માસીના ઘરે આવી હતી. તે માસીના ઘરે જઈ રહી હતી ત્યારે તેની સાથે આ બનાવ બન્યો હતો.
બીજી ફેબ્રુઆરીએ એક માણસ ઘણાબધા નાઇટ્રોજન બલૂન લઈને લિફ્ટમાં જઈ રહ્યો હતો ત્યારે બલૂનમાં બ્લાસ્ટ થયો હતો. એને કારણે લિફ્ટમાં હાજર હિમાનીનું શરીર પંદરથી ૨૦ ટકા જેટલું દાઝી ગયું હતું. હાથ, ગળું અને પેટના ભાગમાં દાઝી જવાને કારણે ઊંડા ઘા થયા છે જેને પગલે ઇન્ફેક્શનનું રિસ્ક વધી ગયું છે. ઘા રુઝાતાં છ મહિનાનો સમય લાગશે એમ ડૉક્ટરોએ કહ્યું છે. ઇન્ટરવ્યુ આપતાં પહેલાં જ હિમાની સાથે આ બનાવ બનતાં તે આઘાતમાં સરી પડી હતી.
ADVERTISEMENT
હિમાનીના ભાઈએ કહ્યું હતું કે ઇન્ટરવ્યુના એક દિવસ પહેલાં આ બનાવ બનતાં ઇન્સ્ટિટ્યૂટે ઇન્ટરવ્યુની નવી તારીખ આપવાની પરવાનગી આપી છે. ફુગ્ગા લઈને આવનાર ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીના માણસની બેકાળજીને કારણે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


