Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૮ વર્ષ પછી હવે ૪ મહિનામાં થશે BMCની ચૂંટણી

૮ વર્ષ પછી હવે ૪ મહિનામાં થશે BMCની ચૂંટણી

Published : 07 May, 2025 11:11 AM | Modified : 07 May, 2025 11:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે લાંબા સમયથી અટવાઈ પડેલી મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રસ્તો થયો સાફ: સર્વોચ્ચ અદાલતે ૪ અઠવાડિયાંમાં નોટિફિકેશન બહાર પાડવાનો અને ૪ મહિનામાં ઇલેક્શન-પ્રોસેસ પૂરી કરવાનો નિર્દેશ આપ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ગ્રામપંચાયત, જિલ્લાપંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ બાબતે ગઈ કાલે મહત્ત્વનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે ગઈ કાલે મહારાષ્ટ્રના ઇલેક્શન કમિશનને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટેનું નોટિફિકેશન ચાર અઠવાડિયાંની અંદર જાહેર કરવાનું કહ્યું હતું એટલું જ નહીં, ચૂંટણીની પ્રક્રિયા આજથી ચાર મહિનામાં આટોપી લેવાનો નિર્દેશ પણ કોર્ટે આપ્યો હતો. આથી લાંબા સમયથી અટવાયેલી મુંબઈ સહિતની રાજ્યભરની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામપંચાયત અને જિલ્લાપંચાયતની ચૂંટણીઓ ઑગસ્ટના અંત અથવા તો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં યોજાવાની શક્યતા છે.


સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હવે મહારાષ્ટ્ર ઇલેક્શન કમિશને આજથી ચાર અઠવાડિયાંની અંદર ચૂંટણી જાહેર કરવી પડશે અને ચાર મહિનામાં મતદાનથી લઈને મતગણતરીની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.



OBC આરક્ષણ વિશે શું કહ્યું સુપ્રીમ કોર્ટે?


મહારાષ્ટ્રમાં પંચાયતની ચૂંટણીમાં અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ના આરક્ષણ બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીની ગઈ કાલે જસ્ટિસ‌ સૂર્યકાંત શર્મા અને જસ્ટિસ કોટિશ્વર સિંહની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ સૂર્યકાંત શર્માએ કહ્યું હતું કે ‘આપણા દેશમાં આરક્ષણ રેલવેના ડબા જેવું થઈ ગયું છે. જે લોકો ટ્રેનના ડબામાં ચડી ગયા છે તેઓ બીજાઓને અંદર લેવા તૈયાર નથી. માત્ર કેટલાક વિશેષ વર્ગને જ આરક્ષણ કેમ મળવું જોઈએ? સામાજિક, આર્થિક અને રાજકીય દૃષ્ટિએ પાછળ રહી ગયેલા લોકોને આરક્ષણ કેમ ન મળવું જોઈએ? આ વિશે વિચાર કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. ચૂંટણી અટકાવીને રાખવા માટે કોઈ કારણ અમને દેખાતું નથી. OBC આરક્ષણની ૨૦૨૨ની સ્થિતિ કાયમ રાખીને મહારાષ્ટ્રનું ઇલેક્શન કમિશન ચાર અઠવાડિયાંમાં ચૂંટણી સંબંધી નોટિફિકેશન જાહેર કરે અને ચાર મહિનામાં ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરે. ચૂંટણી નવા પ્રભાગ કે જૂના પ્રભાગને આધારે થશે એ બાબતે સુનાવણી થતી રહેશે.’

૨૧ ફેબ્રુઆરી ૨૦૧૭ BMCની છેલ્લી ચૂંટણી આ તારીખે થઈ હતી


રાજ્યની તમામ ચૂંટણીઓ મહાયુતિ સાથે લડશે : દેવેન્દ્ર ફડણવીસ

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે મહારાષ્ટ્રના ઇલેક્શન કમિશનને નિર્દેશ આપ્યો હતો કે એ ચાર મહિનાની અંદર લાંબા સમયથી અટવાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરાવે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ નિર્દેશનું સ્વાગત કરતાં કહ્યું હતું કે ‘ચાર મહિનામાં ચૂંટણી યોજવા વિશેના સુપ્રીમ કોર્ટના નિર્દેશનું અમે સ્વાગત કરીએ છીએ. અમે રાજ્યના ઇલેક્શન કમિશનને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટેની તૈયારીઓ શરૂ કરવાની વિનંતી કરીશું. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની જેમ અમે અમુક સ્થળોને બાદ કરતાં મુખ્યત્વે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક યુનિટ તરીકે લડીશું. ૨૦૨૨માં OBCને રિઝર્વેશન આપ્યું હતું એ મુજબ કોર્ટના નિર્દેશને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે મુંબઈ સહિત રાજ્યભરની ૨૯ મહાનગરપાલિકા, ૨૫૭ નગરપાલિકા, ૨૬ જિલ્લા પરિષદ અને ૨૮૯ ગ્રામપંચાયતમાં કોરોનાની મહામારી બાદ કોઈ ચૂંટણી નથી યોજાઈ એટલે અહીં ઍડ્‍મિનિસ્ટ્રેટર નિયુક્ત કરવામાં આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2025 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK