આ ઉપરાંત મુસાફરોના પ્રતિનિધિમંડળે પશ્ચિમ રેલવેના મૅનેજરને મળીને મહિલાઓ માટે વધુ લોકલ ટ્રેન દોડાવવા, વિરાર પર એસી ટ્રેન માટે પ્લૅટફૉર્મ તૈયાર કરવા, ચર્ચગેટ-વિરાર વચ્ચે ટ્રેનોની ફ્રીક્વન્સી ૨૦ મિનિટની કરવા તથા સવારે ૩.૩૦એ ટ્રેન શરૂ કરવા જેવાં ૨૫ સૂચનો

ફાઇલ તસવીર
વસઈ તથા એની આગળના મુસાફરોનું એક પ્રતિનિધિમંડળ ગઈ કાલે પશ્ચિમ રેલવેના મૅનેજરને મળ્યું હતું તથા હાલની ૧૨ ડબ્બાની ટ્રેનમાં ત્રણ એસી કોચ જોડવા ઉપરાંત વધુ ૨૫ સૂચનો તેમની સમક્ષ રજૂ કર્યાં હતાં.
હાલની સ્થિતિને જોતાં ચર્ચગેટ-વિરાર ટ્રેન ૧૫ ડબ્બાની કરવી જોઈએ તથા રેલવેએ ટાઇમટેબલ સાથે ચેડાં કરવાથી તેમ જ રેગ્યુલર ટ્રેનના સ્થાને એસી લોકલ દોડાવવાથી દૂર રહેવું જોઈએ એમ જણાવતાં વિરાર-સાવંતવાડી કેઆર (કોંકણ રેલવે) પૅસેન્જર અસોસિએશનના યશવંત જાડ્યારે ઉમેર્યું હતું કે ‘પ્રત્યેક એસી ટ્રેન પછી સ્ટેશન પર મુસાફરોની ભીડ વધી જતી હોય છે. રેલવેમાં પ્રવાસ કરતા મુસાફરોમાંથી માત્ર ૩૦ ટકા મુસાફરો એસી ટ્રેનમાં પ્રવાસ કરતા હોય છે એ જોતાં રેલવેએ આ સમસ્યાનો કોઈ મધ્યવર્તી ઉકેલ શોધવો જોઈએ તેમ જ જો શક્ય હોય તો હાલની ૧૨ ડબ્બાની ટ્રેનમાં ત્રણ એસી કોચ જોડીને તમામ ટ્રેનોને ૧૫ ડબ્બાની કરી દેવી જોઈએ.’
તમામ વર્ગના મુસાફરો એનો ઉપયોગ કરી શકે એ માટે સંપૂર્ણ ૧૨ ડબ્બાની ટ્રેન ચલાવવાને બદલે ઍર-કન્ડિશન્ડ ટ્રેનોને વિભાજિત કરવી જોઈએ એવા મુંબઈ રેલવે ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆરવીસી)ના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. પી. સી. સેહગલે કરેલા સૂચનના આધારે પૅસેન્જર અસોસિએશને પોતાનું સૂચન રજૂ કર્યું હતું. સેહગલે પશ્ચિમ રેલવેના જનરલ મૅનેજરને મળીને સૂચવ્યું હતું કે આખી એસી ટ્રેન દોડાવીને મુસાફરોની તકલીફો અણદેખી રાખવાને બદલે રેલવેએ કોઈ મધ્યવર્તી ઉપાય વિચારવો જોઈએ. છેલ્લા કેટલાક વખતથી રેલવે સેમી એસી લોકલ દોડાવવા વિશે વિચારી રહી હતી, પરંતુ પછી ટેક્નિકલ કારણો આગળ ધરીને વિચાર પડતો મૂક્યો હતો.
વિરાર-સાવંતવાડી કેઆર પૅસેન્જર અસોસિએશને રજૂ કરેલાં અન્ય સૂચનોમાં મહિલાઓ માટે વધુ લોકલ ટ્રેન દોડાવવા, વિરાર પર એસી ટ્રેન માટે પ્લૅટફૉર્મ તૈયાર કરવા, ચર્ચગેટ-વિરાર વચ્ચે ટ્રેનોની ફ્રીક્વન્સી ૨૦ મિનિટની કરવા તથા સવારે ૩.૩૦ વાગ્યે ટ્રેન શરૂ કરવા જેવાં સૂચનોનો સમાવેશ થાય છે.
પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને પૅસેન્જર્સ અસોસિએશન પાસેથી આવેદનપત્ર મળ્યું છે અને એને કઈ રીતે અમલમાં મૂકવું એના પર તેઓ વિચારણા કરી રહ્યા છે.
મુંબઈની આસપાસના હાલના રેલ કૉરિડોર વધુ પડતા વ્યસ્ત છે અને રેલવે વિરાર અને દહાણુ જેવાં સ્ટેશનો વચ્ચે એની ક્ષમતા વધારવા પર કામ કરી રહી છે. હાલનો ડબલ લાઇન કૉરિડોર વધુ પડતો વ્યસ્ત હોવાથી આ સેક્શનમાં પરાંની ટ્રેનોની સંખ્યામાં વધારો કરવો સંભવ નથી. હાલની રેલવેલાઇનને સમાંતર ૬૩ કિલોમીટરની ત્રીજી અને ચોથી લાઇનનો નવો કૉરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. વધુમાં પશ્ચિમ રેલવે બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે છઠ્ઠી લાઇન નાખી રહી છે, જે આગામી કેટલાંક વર્ષોમાં ખુલ્લી મુકાશે. સાંતાક્રુઝ-ગોરેગામ વચ્ચેનો પહેલો પટ્ટો ૨૦૨૩ સુધીમાં પૂરો થવાનો હતો તથા રેલવેને મંજૂર કરાયેલી જમીન પરના અતિક્રમણની જગ્યા મળવાના આધારે સંપૂર્ણ કૉરિડોર ૨૦૨૫ સુધીમાં ખુલ્લો મુકાવાનો હતો એમ રેલવેના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું.
હાલમાં બોરીવલીથી સાંતાક્રુઝ અને માહિમથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે પાંચમી લાઇન ઉપલબ્ધ છે. વચ્ચેનો માહિમ અને ખારનો પટ્ટો જગ્યાના અભાવે અપૂર્ણ છે. રેલવેએ હવે પાંચમી અને છઠ્ઠી લાઇન માટે જગ્યા બનાવવા આ ભાગમાં હાર્બર લાઇન માટેની ગોઠવણી ફરીથી ડિઝાઇન કરવાનો નિર્ણય કર્યો છે.