Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મારું મગજ ગરમ કરશો નહીં : રાજ

મારું મગજ ગરમ કરશો નહીં : રાજ

03 September, 2012 03:06 AM IST |

મારું મગજ ગરમ કરશો નહીં : રાજ

મારું મગજ ગરમ કરશો નહીં : રાજ


raj-challengહિન્દી ચૅનલોએ મારું નિવેદન તોડી-મરોડીને રજૂ કર્યું છે એવો આરોપ મૂકીને એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગઈ કાલે બાંદરાના રંગશારદા ઑડિટોરિયમમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતી વખતે કેરળ સરકારનાં વખાણ કર્યા હતાં અને બિહારી નેતાઓ તથા કૉન્ગ્રેસના વિવાદાસ્પદ સેક્રેટરી દિગ્વિજય સિંહને આડે હાથે લઈને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે હિન્દી ચૅનલોને પણ ચેતવણી આપી હતી કે ‘મારું નિવેદન સમજ્યા વગર બ્રૉડકાસ્ટ કરશો નહીં. પહેલાં ઇશ્યુ શું છે એ સમજો, પછી એનું પ્રસારણ કરો; નહીંતર એ કેવી રીતે રોકી દેવું એ અમને આવડે છે.’

મહારાષ્ટ્ર સરકારને લલકારતાં તેમણે કહ્યું હતું કે ‘કેરળ સરકારનો લેબર ડિપાર્ટમેન્ટ તેમના રાજ્યમાં આવતા તમામ માઇગ્રન્ટ કારીગરોની વિગતો રાખે છે. જો એ લોકો આવી વિગતો રાખી શકતા હોય તો આપણે શા માટે બીજાં રાજ્યોમાંથી આવતા કામદારોનો રેકૉર્ડ રાખી શકીએ? ઇન્ટરસ્ટેટ માઇગ્રેશન ઍક્ટ હેઠળ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાજ્યમાં જઈને ત્યાં રહીને કામ કરી શકે છે, પણ કાયદામાં એવી એક જોગવાઈ છે કે જે લોકો બીજા રાજ્યમાં જાય તેમણે એ રાજ્યના લેબર ડિપાર્ટમેન્ટમાં તેમની નોંધ કરાવવી જોઈએ. હું મહારાષ્ટ્ર સરકારને એ પૂછવા માગું છું કે આવા કેટલા કામદારોની નોંધ રાખવામાં આવી છે? કેરળ સરકાર તેમના રાજ્યમાં આવતા કામદારોનાં નામ રજિસ્ટર કરી રહી છે. મહારાષ્ટ્રમાં કોઈ ગુનો થાય તો આરોપીને પકડવા માટે પોલીસને બિહાર, ઉત્તર પ્રદેશ કે ઝારખંડ કેમ જવું પડે છે? એનો અર્થ એ થયો કે રાજ્યમાં સૌથી વધુ ગુના પરપ્રાંતીયો દ્વારા કરવામાં આવે છે.’



મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર આર. આર. પાટીલનું રાજ ઠાકરેએ ફરી રાજીનામું માગ્યું હતું અને કહ્યું હતું કે તેમને આ ડિપાર્ટમેન્ટ કેવી રીતે ચલાવવો એ આવડતું નથી એટલે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.


આશા ભોસલેના મુદ્દે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘મારું સ્ટૅન્ડ આજે પણ એ જ છે. જોકે મિડિયાના કેટલાક લોકો મારા સ્ટેટમેન્ટને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. તેઓ જો એમ જ કરશે તો તેમને એમએનએસ સ્ટાઇલથી જવાબ આપવામાં આવશે.’

દિગ્વિજય સિંહ વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘એ તો કૉન્ગ્રેસે લોકોની ગાળો ખાવા રાખેલી વ્યક્તિ છે. ઠાકરે કુટુંબ બિહારનું છે તો શું દિગ્વિજય સિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવે છે? અમે બિહારથી મધ્ય પ્રદેશના ધારમાં આવ્યા અને ત્યાંથી મહારાષ્ટ્રમાં આવીને અહીંના થઈ ગયા એવી તેમણે શોધ લગાવી છે. સૌપ્રથમ તેમણે તેમના કુળની શોધ ચલાવવી જોઈએ.’


રાજ ઠાકરે શું બોલ્યા?

હું કંઈ ખોટું બોલ્યો હતો? જો બિહાર સરકારે મુંબઈપોલીસ પર અપહરણના કેસ નાખ્યા તો અમે બિહારીઓને અહીંથી ભગાડી દઈશું એમ જ બોલ્યો હતોને? પણ હિન્દી ચૅનલવાળાઓને ‘જો’ સાંભળવું નથી, એમને ફક્ત ‘તો’ સાંભળીને વાત વધારવી છે. તેમને ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ) વધારવી છે, દેશનું વાતાવરણ તપાવવું છે. જો તમને મરાઠી ન સમજાતું હોય તો તમે બીજાને પૂછી જુઓ. તમારો આવો ખેલ અટકાવો અન્યથા મહારાષ્ટ્ર તમારો ખેલ અટકાવી દેશે.

આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિ ક્યાંય રહી શકે છે, કેવી પણ રીતે રહી શકે છે. દેશભરમાંથી કુલ ૪૮ ટ્રેન મહારાષ્ટ્રમાં આવે છે. એમાં બેસીને કોણ અહીં આવે છે અને અહીં શું કરે છે એની કોઈને જાણ નથી. પછી કોઈ ઘટના બને તો પોલીસને દોષ આપવાનો કોઈ મતલબ નથી.

મારું દિમાગ ગરમ કરશો નહીં. હું જે બોલું છું એ બરાબર સમજી લો. સમજણ ન પડે તો પૂછી લો અને એ પણ તમારાથી સમજાતું ન હોય તો હું શું કરી શકું છું એની તમને ખબર છે. મરાઠીવાળાને બધું સમજાય છે. હિન્દી ચૅનલવાળાને કંઈ સમજાતું નથી અને અંગ્રેજી ચૅનલવાળા તો જાણે ચંદ્રના રહેવાસી છે. અહીં દેશ સળગી રહ્યો છે ત્યારે તેમને અમેરિકામાં ઓબામાની ચૂંટણીની પડી છે. હિન્દી ચૅનલવાળા, તમારા તમાશા હવે પૂરા થઈ ગયા.

રાજ વિરુદ્ધ બિહારમાં અરજી

બિહારના નાગરિકો વિરુદ્ધ વિવાદાસ્પદ વક્તવ્ય આપનારા એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરે વિરુદ્ધ મુઝફ્ફરપુર ડિસ્ટ્રિક્ટ ર્કોટમાં અરજી દાખલ કરવામાં આવી છે. રાજ ઠાકરેએ શુક્રવારે મુંબઈમાં એમએનએસના પદાધિકારીઓની એક સભામાં બિહારી નાગરિકોને હાંકી કાઢવાની વાત કરી હતી. ત્યાર પછી રાજ ઠાકરના આ વક્તવ્યની ટીકા ઘણા નેતાઓએ કરી હતી તેમ જ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માગણી કરવામાં આવી હતી. ર્કોટમાં કરવામાં આવેલી આ અરજીની સુનાવણી ક્યારે થશે એ વિશે હજી કંઈ સ્પષ્ટતા થઈ નથી.

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2012 03:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK