એસડીબીના ચૅરમૅનની કંપની કિરણ જેમ્સની સિસ્ટર કન્સર્ન ડી. મિલને આપણે કંપની બંધ કરીએ છીએ એટલે આવતી કાલથી કામ પર નહીં આવતા એમ કહીને રાતોરાત ૮૦ કારીગરોને છૂટા કરી દીધા
કંપનીએ ભલે અમને રઝળતા કરી દીધા, અમે એની સામે રસ્તા પર નહીં ઊતરીએ
મુંબઈ : સુરત ડાયમન્ડ બુર્સની મુખ્ય કંપની ગણાતી કિરણ જેમ્સની સુરતમાં આવેલી સિસ્ટર કન્સર્ન ડી. મિલને એના ૮૧ કારીગરોને ૨૩ ડિસેમ્બરે સાંજે સાત વાગ્યે બોલાવીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે આપણે કંપની બંધ કરીએ છીએ એટલે આવતી કાલથી કામ પર નહીં આવતા. આમ અણધાર્યા જ છૂટા કરી દેવાતાં આ કારીગરોની હાલત કફોડી થઈ ગઈ છે. કંપનીએ ત્યાર બાદ એવી ઑફર આપી હતી કે તેમને બીજી કંપનીમાં ટ્રાન્સફર અપાશે. જોકે આ કંપનીમાં છેલ્લાં ૧૫-૧૭ વર્ષથી કામ કરતા કારીગરો દ્વારા તેમની ગ્રૅચ્યુઇટી માગવામાં આવી રહી છે જે બદલ કંપની મૅનેજમેન્ટ કશું કહેવા તૈયાર નથી. આમ નોકરી પણ ગઈ અને ગ્રૅચ્યુઇટી સામે પણ પ્રશ્નાર્થ છે. વળી નવી કંપનીમાં આ જે કારીગરો છે તેમના માટેનું કામ જ નથી એટલે થોડા વખતમાં એ કંપનીમાંથી પણ છૂટા કરી દેવાય એવો ડર છે. ત્યારે હવે આ માટે શું કરવું એવો સવાલ કારીગરોને સતાવી રહ્યો છે. જોકે આવી પરિસ્થિતિમાં પણ ખાનદાની જાળવીને કારીગરોનું કહેવું છે કે અમે કંપની સામે રસ્તા પર ઊતરીને આંદોલન નહી કરીએ, ભલે કંપનીએ અમને રસ્તે રઝળતા કરી દીધા.
છેલ્લા ત્રણ દિવસથી બધા કારીગરો ભેગા થાય છે અને તેમણે રજૂઆતો પણ કરી છે. તેમણે સુરત રત્નકલાકારોના યુનિયનને પણ આ બાબતે જાણ કરીને તેમનો પણ સપોર્ટ માગ્યો છે. કંપનીમાં કામ કરતા અને હવે છૂટા કરાયેલા એક કારીગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ડી. મિલનમાં છેલ્લાં ૧૫-૧૭ વર્ષથી કામ કરીએ છીએ. ડી. મિલન કિરણ જેમ્સનું પેટા ખાતું છે. ૨૩મીએ સાંજે સાત વાગ્યે અમને કહી દેવાયું કે આપણે આવતી કાલથી કારખાનું (કંપની) બંધ કરીએ છીએ એટલે કાલથી કામ પર ન આવતા, તમારે જો બીજા ખાતામાં બેસવું હોય તો તમને ટ્રાન્સફર આપીશું. હવે મૂળ વાત એ છે કે અમને બીજા ખાતામાં બેસવાનો વાંધો નથી, પણ આ કંપનીમાં જે ૧૫-૧૭ વર્ષ કામ કર્યું તો એની ગ્રૅચ્યુઇટીનું શું? એ બાબતે કંપની કંઈ પણ બોલવા તૈયાર નથી. બીજું, જે બીજા ખાતામાં અમને ટ્રાન્સફર આપવાની વાત કરાય છે એમાં અમારે લગતું કામ જ નથી. એનો અર્થ એ થયો કે થોડા વખતમાં એ પણ બંધ કરી દેવાશે. આમ કંપનીએ અમને એક જ રાતમાં રસ્તા પર રઝળતા કરી દીધા. અમને છૂટા કરાતા હોય તો અમારા હકની રકમ તો અમને મળવી જોઈએને? આમ રાતોરાત થોડા છૂટા કરાય? અમને અગાઉ જાણ તો કરવી હતીને.’
ADVERTISEMENT
તે કારીગરે વધુમાં કહ્યું હતું કે ‘હજી દિવાળી પછી દેશમાંથી આવીને ૧૫-૨૦ દિવસથી કામ ચાલુ કર્યું છે ત્યાં આવો ફટકો આવી પડ્યો. અમે પણ પરિવાર લઈને બેઠા છીએ અને બાલબચ્ચાં છે. ઘરનું ભાડું, રાશન-પાણી, સ્કૂલની ફી બધું અમારે તો અમને મળતા પગારમાંથી જ કાઢવાનું હોય છે. અમે કંપનીના નબળા સમયમાં કંપનીને બહુ સાથ આપ્યો છે. અમે જે મહેનત કરીએ છીએ એના થકી કંપની આગળ વધે છે. કોરોના વખતે પણ કંપનીએ અમને ખાસ મદદ નહોતી કરી. ત્યારે નબળો સમય જાણીને અમે પણ ચૂપ રહ્યા હતા. હવે કંપનીએ અમારી સાથે આવું નહોતું કરવું જોઈતું. અમે ત્રણ દિવસથી પરેશાન છીએ. અમે કંપનીને રજૂઆત કરીએ છીએ, પણ રસ્તા પર ન ઊતરતાં પાર્ટી-પ્લૉટ પાસે ભેગા થઈને રસ્તો કાઢવાનો પ્રયાસ કરીએ છીએ. જોકે કંપની પૉઝિટિવ પગલાં નથી લઈ રહી. કંપનીએ અમને રસ્તા પર રઝળતા કરી દીધા છે, પણ અમે એની સામે રસ્તા પર નહીં ઊતરીએ. સુરત ડાયમન્ડ બુર્સ બનાવવામાં તેમણે કરોડો રૂપિયા લગાવી દીધા છે તો શું અમે ૮૦ કારીગરો તેમને ભારે પડ્યા? આ લોકોના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે.’
ડાયમન્ડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડન્ટ ભાવેશ ટાંકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કારીગરોને રાતોરાત છૂટા કરાયા છે અને વર્ષોથી કામ કરતા કારીગરોને તેમની ગ્રૅચ્યુઇટી આપવામાં નથી આવી. આ સંદર્ભે મેં કંપની મૅનેજમેન્ટના વરુણ લાખાણી સાથે વાત કરી ત્યારે તેમણે પહેલાં તો બે-ત્રણ દિવસ રાહ જોવા કહ્યું અને ત્યાર બાદ સોમવારે તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તેમને (કારીગરોને) જો કેસ કરવો હોય તો કરે, અમારે કંપની ચાલુ નથી કરવાની થતી.’
આ સંદર્ભે ‘મિડ-ડે’એ વરુણ લાખાણીનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ તેમનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ આવતો હતો. કિરણ જેમ્સના વલ્લભભાઈ લાખાણીનો સંપર્ક કરવાની કોશિશ કરાઈ ત્યારે તેઓ મીટિંગમાં હોવાનું સ્ટાફે જણાવ્યું હતું અને પછી સંપર્ક કરશે એમ કહ્યું હતું. જોકે એ પછી તેમનો પણ સંપર્ક થઈ શક્યો નહોતો.
