આર્થિક ગેરવ્યવહાર અને ભ્રષ્ટાચારના કારણે લેવાયો નિર્ણય : નવી કમિટી બને ત્યાં સુધી અહિલ્યાનગરના જિલ્લાધિકારીને જવાબદારી સોંપાઈ
શનિ શિંગણાપુર
અહિલ્યાનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શનિ શિંગણાપુરના ટ્રસ્ટ બાબતે રાજ્ય સરકારે ગઈ કાલે મોટો નિર્ણય લઈ ટ્રસ્ટ બરખાસ્ત કરી દીધું હતું. ટ્રસ્ટ-મૅન્જમેન્ટ દ્વારા અનિયમિતતા, બનાવટી ઍપ અને આર્થિક વ્યવહાર કરી ભ્રષ્ટાચાર કરાયો હોવાથી ટ્રસ્ટ બરખાસ્ત કરી દેવાયું છે. હવે ટ્રસ્ટીઓની નવી કમિટી બનાવવાની પ્રોસેસ ચાલુ કરાઈ છે, પણ એ બનવામાં સમય લાગશે હાલ ટ્રસ્ટની જવાબદારી જિલ્લાધિકારીને સોંપવામાં આવી છે.
શનિ શિંગણાપુર ટ્રસ્ટમાં ગોટાળા ચાલી રહ્યા હોવાની રજૂઆત ત્યાંના સ્થાનિક વિધાનસભ્ય વિઠ્ઠલ લંઘેએ વિધાનસભામાં કરી હતી. ટ્રસ્ટીઓએ બનાવટી ઍપ બનાવી લાખો ભક્તો પાસેથી ડોનેશન અને પૂજાના નામે પૈસા સ્વીકાર્યા હતા. આવી તો ૩–૪ ઍપ હતી અને દરેક ઍપ પર ૩–૪ લાખ ભક્તોએ ડોનેશનની રકમ મોકલાવી હતી. એ સિવાય કર્મચારીઓની બનાવટી ભરતી દેખાડી એમાં પણ પૈસા ઓળવી લેવાતા હતા. કુલ ગોટાળો ૧૦૦ કરોડ રૂપિયાનો હોવાનું તેમણે વિધાનસભામાં કહ્યું હતું. જોકે ભારતીય જનતા પાર્ટીના સુરેશ ધસે આ ગોટાળો ૫૦૦ કરોડ રૂપિયાનો હોવાનો દાવો કરીને વધુમાં કહ્યું હતું કે દર અઠવાડિયે ટ્રસ્ટીઓ ૧૦–૧૦ કરોડ રૂપિયાની જમીન ખરીદી રહ્યા છે.
