પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શિવસેના (UBT) અને MNS દ્વારા મૂક આંદોલન કરવામાં આવ્યું
પ્રોટેસ્ટમાં ભાગ લેવા અનેક મહિલા કાર્યકરો મોં પર કાળી પટ્ટી બાંધીને શિવાજી પાર્ક આવી પહોંચી હતી.
આદિત્ય ઠાકરે તથા અમિત ઠાકરેએ મળીને યુવાસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેના (MNVS)ની સાથે-સાથે શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા ગઈ કાલે પણ દાદરના શિવાજી પાર્કમાં ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે તથા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના વિરોધમાં સેંકડોની સંખ્યામાં સમર્થકો સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં જેન-ઝી પણ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે તથા MNSના પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેના નેતૃત્વ હેઠળ બધા જ આંદોલન માટે શિવાજી પાર્ક પર શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનાં પત્ની મીનાતાઈ ઠાકરેની પ્રતિમા નજીક એકઠા થયા હતા. આ દરમ્યાન આદિત્ય ઠાકરેના નાના ભાઈ તેજસ ઠાકરે ઉપરાંત શિવસેના (UBT)ના અનિલ દેસાઈ અને સુનીલ પ્રભુ સહિતના સંસદસભ્યો તથા અન્ય નેતાઓ પણ હાજર હતા.
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સમર્થનમાં કરવામાં આવેલા આ આંદોલનમાં લોકો માથા પર તથા હાથ પર કાળી પટ્ટી બાંધીને હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે શિવાજી પાર્કના એન્ટ્રી તથા એક્ઝિટ પૉઇન્ટ પર પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દિલ્હીની જેમ મુંબઈમાં પરિસ્થિતિ ન વણસે એ માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. મહિલા પોલીસકર્મીઓ સહિત સેંકડો પોલીસકર્મીઓ આંદોલન દરમ્યાન ફરજ પર તહેનાત હતાં અને અસામાજિક તત્ત્વો આંદોલનને ડહોળે નહીં એ માટે બાજનજર રાખી રહ્યાં હતાં. જોકે આ મૂક આંદોલન દરમ્યાન અમુક લોકોએ નારાબાજી કરતાં તેમની અટક કરવામાં આવી હતી, જ્યારે બીજી બાજુ MNSએ પાંચ માગણીઓ મૂકીને સિગ્નેચર કૅમ્પેન પણ શરૂ કર્યું હતું.
આદિત્ય ઠાકરે અને અમિત ઠાકરે સહિત પચીસ જણ વિરુદ્ધ ગુનો દાખલ
ADVERTISEMENT
રવિવારે શિવાજી પાર્કમાં અને એની નજીક આંદોલન કરવાના પ્રયત્ન બદલ, ગેરકાયદે આંદોલન કરવાનો પ્રયત્ન કરનારાઓને છોડાવવા માટે પોલીસ સાથે માથાઝીક કરવા બદલ અને તેમની ફરજ કરતા અટકાવવા બદલ આદિત્ય ઠાકરે તથા અમિત ઠાકરે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમના સહિત કુલ પચીસ લોકો વિરુદ્ધ રવિવારની ઘટના બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે MNSનું સિગ્નેચર અભિયાન
ઇલેક્શન કમિશન દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં થયેલી અનિયમિતતાઓને લઈ ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને બૅલટ-પેપરથી મતદાન સહિત પાંચ માગણીઓ સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ રાજ્યભરમાં ગઈ કાલથી સિગ્નેચર કૅમ્પેન ચાલુ કર્યું છે. ગઈ કાલે શિવાજી પાર્ક પર રાજ ઠાકરે પોતે એ માટે સહપરિવાર પહોંચી ગયા હતા અને અભિયાન અંતર્ગત સહી કરી એમાં ભાગ લીધો હતો.

સિગ્નેચર કૅમ્પેનમાં ભાગ લેવા રાજ ઠાકરે પરિવાર સાથે શિવાજી પાર્ક આવી પહોંચ્યા હતા અને તેમણે સાઇન કરીને પોતાનો ભાગ ભજવ્યો હતો. તેઓ સાઇન કરી રહ્યા હતા ત્યારે તેમનાં પત્ની શર્મિલા ઠાકરે પણ હાજર હતાં. તસવીર: સૈયદ સમીર અબેદી
સાકીનાકા ચાંદિવલીના MNS ના નેતા મહેન્દ્ર ભાનુશાલીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અમે SIRમાં થયેલા ભ્રષ્ટચારને લઈને ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સિગ્નેચર કૅમ્પેન ચલાવી રહ્યા છીએ. મેં મારી રાજકીય કારકિર્દીમાં પહેલી વાર જોયું કે સાકીનાકા પોલીસે અમને કૅમ્પેન કરતા અટકાવી દીધા હતા. અમારાં બેનર ફાડી નાખ્યાં, અમને પકડી-પકડીને પોલીસના ડબ્બા (વૅન)માં નાખવામાં આવ્યા. આવું કેમ થયું, કોના દબાવને કારણે થયું એ કાંઈ સમજાઈ નથી રહ્યું. આખા મુંબઈમાં સિગ્નેચર કૅમ્પેન ચાલુ છે, ફક્ત ચાંદિવલી વિધાનસભા ક્ષેત્રમાં આ કાર્યક્રમ થવા નથી દીધો, કારણ કે ચાંદિવલીમાં જે રીતે વોટની ઘાલમેલ કરાઈ હતી કે જેનાથી સત્તાધારીઓને ફાયદો થાય એના પોલ ખૂલવાની જ રાહ છે. એથી સત્તાધારીઓ પ્રેશર લાવ્યા હશે અને એથી જ પોલીસે અમને અમારું આ સિગ્નેચર કૅમ્પેન કરવા ન દીધું.’
ધર્મેન્દ્ર પ્રધાનને ન બચાવ્યા, જ્ઞાનેશ કુમારે વોટ ચોર્યા એટલે સંરક્ષણ : આદિત્ય ઠાકરે
આંદોલન દરમ્યાન આદિત્ય ઠાકરેએ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરતાં કહ્યું હતું કે સરકારે કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને બચાવ્યા નહીં, પરંતુ જ્ઞાનેશ કુમારે વોટચોરી કરીને તેમની સરકાર બનાવી હોવાથી તેમને રક્ષણ આપવામાં આવી રહ્યું છે. આદિત્ય ઠાકરેએ આવા શબ્દોમાં જ્ઞાનેશ કુમારને સંરક્ષણ આપવામાં આવી રહ્યું હોવાનો આરોપ મૂક્યો હતો. પોતે તથા પોતાની પાર્ટી વોટચોરી વિરુદ્ધ લડનારા બધાની સાથે હંમેશાં ઊભી રહેશે એમ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું.

આદિત્ય ઠાકરેએ ગઈ કાલે પ્રોટેસ્ટ કરી રહેલા યુવાનોને સંબોધતાં કહ્યું હતું કે ‘અમે બધા લોકશાહીના જતન માટે, વોટચોરીની વિરુદ્ધમાં અને જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે મોં પર કાળી પટ્ટી બાંધીને પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ. અમે તમારી સાથે અહીં જ છીએ. સાંજના ૭ વાગ્યા સુધી પ્રોટેસ્ટ કરો; તમને કોઈ નહીં રોકે, કોઈ ટચ નહીં કરે.’
