Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોદી-શાહની આશાએ બેઠેલા જૈનોના પડખે આવી શિવસેના

મોદી-શાહની આશાએ બેઠેલા જૈનોના પડખે આવી શિવસેના

Published : 04 June, 2021 07:58 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ગઈ કાલે ગોરેગામમાં અનોપ મંડળની ખિલાફ પ્રદર્શન કર્યું : બીજેપીના નેતાઓએ પણ વિરોધ - પ્રદર્શન કઈ રીતે કરવો એના માટે જૈન અગ્રણીઓ સાથે મીટિંગ બોલાવી

ગોરેગામમાં અનોપ મંડળનો ‌વિરોધ કરી રહેલા ‌શિવસેનાના ગોરેગામના અને જૈન સમાજના કાર્યકરો.

ગોરેગામમાં અનોપ મંડળનો ‌વિરોધ કરી રહેલા ‌શિવસેનાના ગોરેગામના અને જૈન સમાજના કાર્યકરો.


દેશ અને ‌વિશ્વમાં કોરાના જેવા અનેક રોગોના મૂળમાં જૈન સમાજ અને વાણિયાઓ છે એવો પ્રચાર કરી રહેલા ૧૦૦ વર્ષથી વધુ જૂના અનુપદાસ સ્વામી દ્વારા સ્થાપિત રાજસ્થાનના અનોપ મંડળ સામે દેશભરના જૈન સમાજો વિરોધ કરી રહ્યા છે. જોકે આજ સુધી એક પણ રાજકીય પક્ષ આ મંડળના વિરોધમાં રોડ પર ઊતર્યો નહોતો. જોકે ગઈ કાલે ગોરેગામના જવાહરનગરમાં જૈન સમાજના સમર્થનમાં શિવસેનાના સંસદસભ્ય અને ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈના માર્ગદર્શન હેઠળ અનોપ મંડળનો વિરોધ કરવા અને આ મંડળ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે શિવસેના ગોરેગામ મેદાનમાં ઊતરી હતી. એમાં ‌શિવસેનાના કાર્યકરોની સાથે સ્થાનિક જૈન સમાજના લોકો અને વ્યાપારી સંગઠનના કાર્યકરો જોડાયા હતા.


અનોપ મંડળ છેલ્લાં ઘણાં વર્ષોથી જૈન સમાજના વિરોધમાં એલફેલ બયાનબાજી કરીને જૈનો સિવાયના સમાજોને જૈન સમાજની વિરુદ્ધમાં ઉશ્કેરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ અનોપ મંડળ દ્વારા દેશભરમાં ‘કોરોના કો જૈન-બનિયોને લાયા હૈ’ એવો પ્રચાર શરૂ કર્યો છે. એને પરિણામે સમગ્ર દેશના જૈન સમાજોમાં અનોપ મંડળ સામે ભયંકર રોષ ફેલાયો છે. મુંબઈ, થાણે, ભાઈંદર જેવાં અનેક સ્થળો પર જૈનો અનોપ મંડળ સામે તેમનો રોષ વ્યક્ત કરવા રોડ પર ઊતરી આવ્યા છે. અનોપ મંડળના આ પ્રચાર સામે જૈનોમાં ભયંકર આક્રોશ ફેલાયો છે. જૈન સમાજને સતત બદનામ કરીને આ સમાજ સામે નફરત ફેલાવવા અને સેંકડો જૈન સાધુ-સાધ્વીઓની સુનિયોજિત હત્યા કરવાનો આક્ષેપ કરીને દેશભરનાં જૈન સંગઠનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહને પત્ર લખીને અનોપ મંડળ સામે સીબીઆઇ તપાસ કરવાની અને આ મંડળને બૅન કરવાની જોરદાર માગણી કરી છે. 



જૈન સમાજ અને જૈન સાધુઓએ વિશ્વભરમાં કોરાના મહામારી ફેલાવી છે એવો સતત ગેરપ્રચાર અનોપ મંડળ તરફથી કરવામાં આવી રહ્યો છે. જૈન સમાજે અનોપ મંડળ સામે કરેલા આક્ષેપોમાં વડા પ્રધાન અને હોમ મિનિસ્ટરને જણાવ્યું છે કે ‘આ મંડળનું કહેવું છે કે જૈન લોકો, જૈન સાધુઓ, જૈનોના ભગવાન કાળા જાદુ કરીને દેશમાં દુકાળ લાવે છે, પૂર લાવે છે, બીમારી ફેલાવે છે. સ્વાઇન ફ્લુ, એઇડ્સ, મલેરિયા, લકવા અને ટાઇફૉઇડ જેવી બીમારીઓ રોગો જૈનોની ઉત્પત્તિ છે. હવે આ મંડળ એવો દાવો કરી રહ્યું છે કે કોરાના વિષાણુ જેવી વૈશ્વિક મહામારી પણ જૈનો જ લઈને આવ્યા છે.’


જોકે, વડા પ્રધાન અને ગૃહ પ્રધાન તરફથી હજી સુધી આ બાબતે જૈનો માટે કંઈ કરવામાં નથી આવ્યું, પણ શિવસેનાને આ મુદ્દામાં રસ પડતાં તેમણે ગઈ કાલે અનોપ મંડળનો વિરોધ કર્યો હતો. શિવસેનાના વ્યાપારી સંગઠનના અધ્યક્ષ બીરેન લિમ્બચિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિવસેના હંમેશાં જૈન સમાજના પડખે ઊભી રહી છે અને ભવિષ્યમાં પણ ઊભી રહેશે. મુંબઈમાં શિવસેના એક જ એવો રાજકીય પક્ષ છે જે જૈનોની સાથે હંમેશાં ઊભો રહ્યો છે. અમે અનોપ મંડળના ગેરપ્રચારનો ‌નિષેધ કરીએ છીએ. મુંબઈ, મહારાષ્ટ્ર કે દેશના કોઈ પણ ખૂણામાં જ્યારે-જ્યારે કુદરતી આફતો આવી છે એવા સમયે જૈન સમાજ તન, મન અને ધનથી માનવતા માટે આગળ રહે છે. આવા શાંત સમાજ સામે અનોપ મંડળ જેવી સંસ્થા આંગળી ચીંધે તો શિવસેના એને સાંખી લેશે નહીં. ગોરેગામમાંથી શરૂ થયેલી અનોપ મંડળ સામેના વિરોધની ચિનગારી આખા દેશમાં ફેલાશે જેને પરિણામે કેન્દ્ર સરકારે અનોપ મંડળ પર ચોક્કસ પ્રતિબંધ લાવવો પડશે.’ 

મલાડમાં રવિવારે થનારા આંદોલનની રૂપરેખા ઘડવા આવતી કાલે રાતે મીટિંગ
અનોપ મંડળ સામેના વિરોધમાં આ રવિવારે મલાડમાં જૈન સાધુ-સંતોની હાજરીમાં સવારના ૮થી ૧૦ વાગ્યા સુધી સરકારી નિર્દેશને ધ્યાનમાં રાખીને ભારતીય સંસ્કૃતિ હિન્દુ અને જૈન ધર્મના વિરોધી અનોપ મંડળના વિરોધમાં આંદોલન કરવામાં આવશે. આ બાબતની માહિતી આપતાં મલાડમાં રહેતા સ્નેહલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટી તરફથી જૈન સમાજની સાથે રહીને અગાઉ થાણે અને ભાઈંદરમાં અનોપ મંડળના જૈન સમાજ માટે થઈ રહેલા ગેરપ્રચાર સામે સખત વિરોધ કરવામાં આવ્યો હતો. દેશભરના જૈન સમાજોએ અનોપ મંડળ પર પ્રતિબંધ મૂકવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહ સમક્ષ માગણી કરી છે. એ અંતર્ગત આવતી કાલે રાતના નવ વાગ્યે મલાડ (ઈસ્ટ)ના શ્રી દેવચંદનગર જૈન સંઘમાં રવિવારના આંદોલનની રૂપરેખા નક્કી કરવા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય અતુલ ભાતખળકર દ્વારા આ મુદ્દે જૈન સમાજને પૂરતો સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી છે.’


ઉત્તર મુંબઈના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ પણ અનોપ મંડળનો વિરોધ કરવાની રૂપરેખા ઘડવા માટે આજે જૈન સમાજના અગ્રણીઓ સાથે એક મીટિંગ રાખી છે.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2021 07:58 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK