Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે શિંદે ગ્રુપના વિધાનસભ્યે રાજ્યપાલ સામે મોરચો ખોલ્યો

હવે શિંદે ગ્રુપના વિધાનસભ્યે રાજ્યપાલ સામે મોરચો ખોલ્યો

22 November, 2022 12:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડે છત્રપતિ શિવાજી મહારાજ વિશે અનેક વખત બોલનારા ભગતસિંહ કોશ્યારીને રાજ્યમાં રહેવાનો અધિકાર ન હોવાનું કહ્યું

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના આરાધ્ય દેવ છત્રપતિ શિવાજી મહારાજ સાથે બીજેપીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીની તુલના કરવા બદલ વિરોધી પક્ષોએ બીજેપી અને એકનાથ શિંદે પર પસ્તાળ પાડી છે ત્યારે હવે એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યોએ પણ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજ્યમાંથી બહાર મોકલવાની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

એકનાથ શિંદે જૂથના બુલઢાણા મતદાર ક્ષેત્રના વિધાનસભ્ય સંજય ગાયકવાડે દાવો કર્યો હતો કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મરાઠા એમ્પાયરની સ્થાપના કરનારા છત્રપતિ શિવાજી મહારાજ સંબંધી અનેક વખત બફાટ કર્યો છે. સંજય ગાયકવાડે કહ્યું હતું કે ‘રાજ્યપાલે સમજવું જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજનો આદર્શ હંમેશાં કાયમ રહેશે. આથી દુનિયામાં કોઈ વ્યક્તિ સાથે તેમની સરખામણી ન થઈ શકે. બીજેપીની આગેવાનીની કેન્દ્ર સરકારને મારી વિનંતી છે કે રાજ્યના ઇતિહાસની જેમને માહિતી ન હોય તેમને અહીંથી બીજે મોકલી દો.’


મારું નામ ‘શિવસેના’


બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપવામાં આવેલી શિવસેનામાં અત્યારે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે સત્તાનો સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે બાળાસાહેબ ઠાકરેના એક કટ્ટર સમર્થકે તેની દીકરીનું નામ ‘શિવસેના’ રાખીને સૌને ચોંકાવી દીધા છે. કોંકણમાં મહાડ તાલુકાના કિયે-ગોઠવલી ખાતેના ભૂતપૂર્વ ઉપસરપંચ પાંડુરંગ વાડકરના ઘરમાં ૧૭ નવેમ્બરે દીકરીનો જન્મ થયો હતો. ૧૭ નવેમ્બર બાળાસાહેબ ઠાકરેનો સ્મૃતિદિવસ છે એટલે તેમના આ કટ્ટર સમર્થકે પોતાની દીકરીનું નામ ‘શિવસેના’ પાડ્યું છે. નામકરણના કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હોવાનું જાણવા મળ્યું હતું. પાંડુરંગ વાડકરે કહ્યું હતું કે ‘સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરે મારા સપનામાં આવ્યા હતા. તેમનો હું મોટો સમર્થક છું એટલે મેં દીકરીનું નામ ‘શિવસેના’ રાખ્યું છે.’ નામકરણ બાદ ટૂંક સમયમાં જ પાંડુરંગ દીકરીને લઈને માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેને મળે એવી શક્યતા છે.

બીજેપીને છત્રપતિ શિવાજી મહારાજનું નામ લેવાનો અધિકાર નથી


એનસીપીનાં બારામતીનાં સાંસદસભ્ય અને શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેએ ગઈ કાલે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરનારા રાજ્યપાલનો બચાવ કરનારી બીજેપીને છત્રપતિનું નામ લેવાનો અધિકાર નથી. પુણેમાં રાજ્યપાલના વિરોધ દરમ્યાન પત્રકાર સાથેની વાતચીતમાં સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે દુ:ખની વાત છે કે રાજ્યપાલ સતત ભારતના આદર્શ છત્રપતિ શિવાજી મહારાજ વિશે બોલી રહ્યા છે. બીજેપીના એક પ્રવક્તાનો વિડિયો સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે, જેમાં તેઓ છત્રપતિનું અપમાન કરી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ આ મામલે યોગ્ય કરે એવી અપેક્ષા હતી, પરંતુ તેમણે રાજ્યપાલે છત્રપતિ વિશે કંઈ અયોગ્ય ન કહ્યું હોવાનું બોલીને અપેક્ષા ભંગ કરી છે. મહારાષ્ટ્રના આરાધ્ય દેવ વિશે એલફેલ બોલનારાના કાન આમળવાને બદલે તેમને સમર્થન આપનારી બીજેપીને આથી છત્રપતિનું નામ લેવાનો અધિકાર નથી.’

પ્રભાદેવીમાં ફરી શિંદે-ઠાકરે જૂથ સામસામે આવ્યાં

પ્રભાદેવી રેલવે સ્ટેશન પરિસરમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના સમર્થકો ફરી એક વખત ગઈ કાલે સામસામે આવી ગયાં હતાં. વિકાસના કામનો શ્રેય લેવા બાબતે બન્ને જૂથમાં અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં એકનાથ શિંદે જૂથના ભૂતપૂર્વ નગરસેવક સમાધાન સરવણકરના હાથે ડેવલપમેન્ટ કામનું ઉદ્ઘાટન થવાનું હતું. જ્યારે બધા ઉદ્ઘાટન સ્થળે પહોંચ્યા હતા ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરો અહીં પહોંચી ગયા હતા અને તેમણે ઉદ્ઘાટનનો વિરોધ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આથી એકનાથ શિંદે જૂથના કાર્યકરો તેમની તરફ ધસી ગયા હતા. મુરલીધર સામંત માર્ગ અને ફિટવાલા રોડ પરની ફૂટપાથના નૂતનીકરણના મામલે આ જડપ થઈ હતી. જોકે પોલીસ અને બીજાઓએ મધ્યસ્થી કરતાં મામલો થાળે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગણેશવિસર્જન સમયે પણ પ્રભાદેવી વિસ્તારમાં બન્ને જૂથ વચ્ચે જોરદાર રાડા થયો હતો. વિધાનસભ્ય સદા સરવણકરે ગોળીબાર કરવાથી એ સમયે તંગદિલી ફેલાઈ હતી.

22 November, 2022 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK