Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > AI જનરેટેડ ઑડિયો-ક્લિપ પાછળ સંજય રાઉતનો હાથ, રાહુલ ગાંધીના ઇશારે કામ કરી રહ્યા છે : BJP

AI જનરેટેડ ઑડિયો-ક્લિપ પાછળ સંજય રાઉતનો હાથ, રાહુલ ગાંધીના ઇશારે કામ કરી રહ્યા છે : BJP

Published : 25 October, 2026 02:36 PM | Modified : 25 October, 2026 02:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJPએ શનિવારે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉત પર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ ઑડિયો-ક્લિપ બનાવવાનો આરોપ મૂક્યો છે. 

નવનાથ બન

નવનાથ બન


ભારતીય જનતા પાર્ટી (BJP)ને બદનામ કરવા માટે રાહુલ ગાંધીએ કૉન્ટ્રૅક્ટ આપ્યો હોવાનો આરોપ લગાવતાં BJPએ શનિવારે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉત પર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ ઑડિયો-ક્લિપ બનાવવાનો આરોપ મૂક્યો છે. 
BJPના મુખ્ય પ્રવક્તા નવનાથ બને માગણી કરી છે કે જો જરૂરી હોય તો સંજય રાઉત વિરુદ્ધ કેસ નોંધવામાં આવે અને તપાસ કરવામાં આવે કે શું શિવસેના (UBT)ના સંસદસભ્ય સંજય રાઉતને આ કથિત કામગીરીના સંબંધમાં રાહુલ ગાંધી તરફથી કોઈ ભંડોળ મળ્યું હતું કે કેમ?
સંજય રાઉતે નવી મુંબઈના વાશીમાં આવેલા એક વૉરરૂમમાંથી આ ષડયંત્ર રચ્યું હતું એમ જણાવીને નવનાથ બને પત્રકારોને કહ્યું હતું કે ‘BJPને બદનામ કરવાનો કૉન્ટ્રૅક્ટ સંજય રાઉતે રાહુલ ગાંધી પાસેથી લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી સંજય રાઉત સતત રાહુલ ગાંધીના એજન્ડાને આગળ વધારી રહ્યા છે. સંજય રાઉત લગભગ બે મહિનાથી આ ઑડિયો-ક્લિપ પર કામ કરી રહ્યા હતા. તેમણે યુટ્યુબ પર ઉપલબ્ધ અવાજના નમૂનાઓનો ઉપયોગ કરીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા આ ક્લિપ તૈયાર કરી છે.’

ફડણવીસ અને શિંદે વચ્ચે એવી કોલ્ડ વૉર ચાલી રહી છે કે બન્ને એકબીજાને ખતમ કરવા કોઈ પણ હદે જઈ શકે : સંજય રાઉત



મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પહેલાં કેસ નોંધાવવો જોઈએ અને ત્યાર બાદ ઑડિયો-ક્લિપની ફૉરેન્સિક તપાસ કરાવવી જોઈએ એમ કહીને સંજય રાઉતે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે જોકે આ તપાસમાંથી પણ કોઈ પરિણામ નહીં મળે.
સંજય રાઉતે કહ્યું હતું કે મૂળ પ્રશ્ન એ છે કે ઑડિયો-ક્લિપ કોણે લીક કરી? તેમણે કહ્યું હતું કે BJPની અંદર તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે અને આ લીક એનું જ પરિણામ છે. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્ય પ્રધાનનું રાજ્ય પરનું નિયંત્રણ સમાપ્ત થઈ ગયું છે. તેમણે દાવો કર્યો કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન તરીકે તેમ જ ગૃહપ્રધાન તરીકે નિષ્ફળ ગયા છે. સંજય રાઉતે કહ્યું હતું કે જો કોઈ આંતરિક ક્લિપ લીક થાય છે તો એનો અર્થ એ છે કે ગૃહવિભાગ તમારી (મુખ્ય પ્રધાનની) વિરુદ્ધ થઈ ગયો છે. તેમણે ઉમેર્યું કે BJP પોતે જ એક સ્ટિંગ ઑપરેશનનો ભોગ બની છે.
સંજય રાઉતે વધુમાં દાવો કર્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચેની કોલ્ડ વૉર ચરમસીમાએ પહોંચી ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજકીય રીતે એકબીજાને ખતમ કરવા માટે આ બન્ને કોઈ પણ હદ સુધી જઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2026 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK