સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેની તુલના રામ સાથે કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ સાથે સરખાવ્યા છે ત્યારે બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણેએ સવાલ કર્યો
પીએમ મોદી, સંજય રાઉત અને નીતેશ રાણે
મુંબઈ : ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા નાશિકમાં ચાલી રહેલા રાજ્યવ્યાપી કાર્યક્રમમાં ગઈ કાલે સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેને રામ સાથે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ સાથે સરખાવ્યા હતા. બીજેપીના કણકવલીના વિધાનસભ્ય નીતેશ રાણેએ આનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘પ્રભુ રામચંદ્રનું અપમાન કરીને હિન્દુત્વ ત્યજી દેનારામાંથી કોણ રામ છે અને કોણ રાવણ છે એ સૌ જાણે છે. પિતાની જેમ ભગવા વસ્ત્ર પહેરવાથી તેમનો વારસો નથી મળતો. તમે હિન્દુત્વનો સાથ ન છોડ્યો હોત તો અયોધ્યામાં રામનાં દર્શન કરવામાંથી મોઢું છુપાવવું ન પડત.’
નાશિકમાં ચાલી રહેલા શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યક્રમમાં ગઈ કાલે જૂથના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેને પ્રભુ કહ્યા હતા અને તેમની સરખામણી ભગવાન રામ સાથે કરી હતી. શ્રીરામે સિંહાસન પર બેસવા માટે ૧૪ વર્ષ સંયમ રાખ્યો હતો એવી જ રીતે આપણે સંયમ રાખીશું તો એક દિવસ જરૂર સિંહાસન મળશે. સંજય રાઉતે આ સમયે એમ પણ કહ્યું હતું કે ‘આજનો રાવણ અપરાજિત નથી. આજે દિલ્હીથી લઈને નાશિક સહિત બધી જગ્યાએ રામની સાથે રાવણ પણ ફરી રહ્યો છે. આ રાવણને હરાવવો મુશ્કેલ પહેલાં પણ નહોતો અને આજે પણ નથી.’
ADVERTISEMENT
બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણેએ સંજય રાઉતને જવાબ આપતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘પિતાની જેમ માત્ર ભગવા વસ્ત્ર ધારણ કરવાથી વારસો નથી મળતો. પિતા જેવું નેતૃત્વ, કર્તૃત્વ, વિચારધારા હોવી જોઈએ અને એને આગળ લઈ જવાની ક્ષમતા હોવી જોઈએ. અધવચ્ચેથી જ હિન્દુત્વ છોડી ન દીધું હોત તો આજે અયોધ્યામાં શ્રીરામનાં દર્શન કરવા માટે મોઢું છુપાવવું ન પડત. જેમણે પ્રભુ રામચંદ્રનું અપમાન કરીને હિન્દુત્વવાદી ભૂમિકા છોડી દીધી છે તે રામ કે રાવણ? સંજય રાઉતની ભૂમિકા રામાયણની કપટી શૂર્પણખા જેવી છે. તેમણે અગાઉ પણ અનેક વખત નાક કપાવ્યું છે તો પણ તેમનો અહંકાર ગયો નથી. આજે નાશિકમાં પણ તેમણે ફરી અહંકારભરી ભાષા વાપરી છે. સંજય રાઉતને યાદ રહે શૂર્પણખાનું નાક લક્ષ્મણે કાપ્યું હતું. આગામી ચૂંટણીમાં જનતા તમારા અહંકારનું નાક કાપશે. આ લોકો પાસે પક્ષ નથી અને ચૂંટણીચિહન પણ નથી તો કયા મોઢે જનતા સામે જશે?’


