ચેઇન ચમકાવી આપતા હોવાનું કહી ચાલાકીપૂર્વક કઢાવીને કાગળ પર લીધી; કાગળ પાછો તેમના પર્સમાં મૂક્યો, પણ ચેઇન સેરવીને નાસી છૂટ્યા
પ્રતીકાત્મક તસવીર
વિલે પાર્લે-વેસ્ટના બાપુભાઈ વશી રોડ પર રહેતા ૬૨ વર્ષના નિખિલ મણિયાર સાથે શનિવારે નેહરુ રોડ પર છેતરપિંડી થઈ હતી. રસ્તામાં મળેલા બે લોકોએ તેમની પાસેથી આશરે ૩ તોલાની સોનાની ચેઇન પડાવી લીધી હતી. તેમણે વિલે પાર્લે પોલીસ-સ્ટેશનમાં રવિવારે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે નજીકના વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
વિલે પાર્લે પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર આ કામ બોલબચ્ચન ગૅન્ગનું હોય એવું સામે આવ્યું છે. આરોપીઓની ઓળખ કરવા માટે નજીકના વિસ્તારોમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં આરોપીઓ રિક્ષામાં આવ્યા અને ગયા હોવાની માહિતી અમને મળી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’
ADVERTISEMENT
કેવી રીતે થઈ છેતરપિંડી?
વિલે પાર્લે-વેસ્ટમાં મેડિકલ દુકાન ધરાવતા નિખિલ મણિયારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા નજીકના પરિવારમાં એક મૃત્યુ થયું હોવાથી છેલ્લા કેટલાક દિવસથી હું એમાં વ્યસ્ત હતો. આ દરમ્યાન શનિવારે સવારે મને થોડો સમય મળતાં નેહરુ રોડ પર આવેલી એક પ્રાઇવેટ બૅન્કમાં ચેક ભરવા ગયો હતો. એ દરમ્યાન રસ્તામાં મળેલા બે લોકોએ મને વાતોમાં ભોળવી દીધો હતો. મેં ગળામાં પહેરેલી ૩ તોલાની ચેઇનને તેમણે ચમકાવવાની વાત કરી હતી. એ વાત કરીને ચેઇનને પોતાના હાથમાં લઈને એક કાગળમાં રાખી હતી. એ કાગળ મારા પર્સમાં રાખતા હોવાનો તેમણે ઢોંગ કર્યો હતો. પછી તે લોકો ત્યાંથી પસાર થઈ ગયા હતા. થોડા આગળ જઈને પર્સ તપાસતાં મને કાગળ મળી આવ્યો હતો, પણ અંદરથી ચેઇન મળી નહોતી. અંતે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં મેં આ ઘટનાની ફરિયાદ વિલે પાર્લે પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’


