LPG, CNG, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સાઇડ-ઇફેક્ટ વર્તાવા લાગી, સ્ટૉલ પરનાં વડાપાંઉ-ઇડલીથી લઈને રેસ્ટોરાંની વાનગીઓ થઈ મોંઘી
સ્વસ્તિક ફાસ્ટ ફૂડમાં પણ ફ્રૅન્કી સહિતની વાનગીઓમાં પાંચથી ૧૦ રૂપિયાનો વધારો થઈ ગયો છે.
હોર્મુઝ સ્ટ્રેટની મોકાણ અને યુદ્ધને કારણે વધેલા ક્રૂડ ઑઇલના ભાવની અસર આખરે ભારતમાં દેખાઈ રહી છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG), કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) તેમ જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે શાકભાજી-દૂધના ભાવમાં વધારા બાદ હવે રેસ્ટોરાં અને સ્ટૉલ્સમાં મળતી વાનગીઓ પણ મોંઘી થઈ છે.
શહેરના અનેક સ્ટૉલ્સ પર મળતી ફ્રૅન્કી, ઇડલી-મેદુવડાં-સાંભાર, વડાપાંઉ, દાબેલી જેવી વસ્તુઓના ભાવ પાંચથી ૧૦ રૂપિયા વધારી દેવામાં આવ્યા છે, જ્યારે કસ્ટમર્સ ગુમાવવાના ડરે હજી અમુક ફૂડ-જૉઇન્ટ્સ ભાવ વધારવાનું ટાળી રહ્યાં છે.
ADVERTISEMENT
રેસ્ટોરાં દ્વારા પણ જૂનું મેનું બદલીને વધારેલા ભાવ દર્શાવતાં મેનુ મૂકવામાં આવી રહ્યાં છે. બોરીવલી-વેસ્ટમાં આવેલી મહાલક્ષ્મી રેસ્ટોરાંએ પણ શનિવારે કસ્ટમર્સ માટે નવું મેનુ અમલમાં મૂકી દીધું છે. એટલે હવે ફૂડ-લવર મુંબઈગરાઓએ પોતાની મનપસંદ વાનગીઓ આરોગવા માટે ખિસ્સાં થોડાં વધુ હળવાં કરવાં પડશે.

પહેલાં અને અત્યારે
નુકસાન ન થાય એનો ભય
ભાવવધારાનું કારણ જણાવતાં મહાલક્ષ્મી રેસ્ટોરાંના ઓનરના પુત્ર વિશ્વાસ શેટ્ટીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે જથ્થાબંધ શાકભાજી, લોટ અને અન્ય સામગ્રી લાવીએ છીએ એમાંની મોટા ભાગની વસ્તુઓના ભાવ વધી ગયા છે. કમર્શિયલ ગૅસ જે અમે વહેલી સવારથી રાત્રે દોઢ વાગ્યે રેસ્ટોરાં બંધ થાય ત્યાં સુધી ઉપયોગમાં લઈએ છીએ એ પણ મોંઘો થઈ ગયો છે. આ બધી વસ્તુઓ ઉપરાંત સ્ટાફના ખર્ચા પણ વધી ગયા છે. પ્રૉફિટ ઓછો થાય એ પરવડે, પણ નુકસાન થાય એ કેવી રીતે પોસાય?’
ઘણી રાહ જોયા પછી ભાવ વધાર્યો
કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલી આલોક પ્રતાપ સિંહની સ્વસ્તિક ફાસ્ટ ફૂડમાં પણ ફ્રૅન્કી અને સૅન્ડવિચ સહિતની વસ્તુઓના ભાવ વધારી દેવામાં આવ્યા છે અને નવું મેનુ પણ રવિવારે ટેબલ પર મૂકવાનું શરૂ થયું છે. તેમના સ્ટાફ ગુડ્ડુ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે LPGના ભાવ ઘટે એની ઘણી રાહ જોઈ, પરંતુ હવે તો બીજી બધી જ વસ્તુઓના ભાવ વધ્યા છે ત્યારે ભાવ ઘટે એવી શક્યતા ન હોવાથી મિનિમમ ભાવવધારો કર્યો છે. ચીઝ-પનીરના ભાવ વધતાં અમારે આમ કરવું જરૂરી બની ગયું હતું. રેગ્યુલર કસ્ટમર્સ અમને રવિવાર સાંજથી ભાવ ક્યોં બઢાયા એમ પૂછી રહ્યા છે.
