MNSનો મોરચો પાંચ જુલાઈએ ગિરગામથી આઝાદ મેદાન અને શિવસેના (UBT)નો ૭ જુલાઈએ હુતાત્મા ચોકથી આઝાદ મેદાન
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રની સ્કૂલોમાં થ્રી-લૅન્ગ્વેજ પૉલિસી લાગુ કરવાના સરકારના નિર્ણયના વિરોધમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ મોરચો કાઢવાની જાહેરાત કરી છે. તેમનું માનવું છે કે આ પૉલિસી પાછલા બારણેથી હિન્દીને ઘુસાડવાનો પ્રયાસ છે. આ મુદ્દે રાજ્યના શિક્ષણપ્રધાન દાદા ભુસે સાથે તેમણે બેઠક કરી હતી જેમાં રાજ ઠાકરેએ સવાલ કર્યો હતો કે ‘પાંચમા ધોરણથી હિન્દી ભણવાનો વિકલ્પ છે જ અને એવી રીતે ભણીને જ લાખો લોકો ડૉક્ટર અને એન્જિનિયર બન્યા છે તો પહેલા ધોરણથી હિન્દી ભણાવવાની શું જરૂર છે? મહારાષ્ટ્રની મરાઠી ભાષાને તાજેતરમાં જ ક્લાસિકલ ભાષાનું બિરુદ મળ્યું છે. હિન્દીને કારણે એનું મહત્ત્વ ઓછું નહીં થવા દઈએ.’
હિન્દી તો નહીં જ ચલાવી લઈએ એવા આક્રોશ સાથે પાંચમી જુલાઈએ ગિરગામથી આઝાદ મેદાન સુધી મોરચો કાઢવાનું એલાન રાજ ઠાકરેએ કર્યું છે. આ મોરચામાં કોઈ ઝંડો નહીં હોય એટલે કે બધા જ પક્ષો પોતાના અંગત ગજગ્રાહ બાજુએ મૂકીને મરાઠી ભાષા ખાતર આમાં જોડાય એવું આહવાન રાજ ઠાકરેએ કર્યું છે જેમાં તમામ લોકોને જોડાવાની અપીલ પણ તેમણે કરી છે.
ભાષાના મુદ્દે ‘બટેંગે તો કટેંગે’ નહીં, હવે તો ‘બાંટેંગે આણિ કાટેંગે’ મુખ્ય પ્રધાનનો નવો એજન્ડા : ઉદ્ધવ ઠાકરે
ADVERTISEMENT
બીજી બાજુ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ BJP પર ભાષાના મુદ્દે મહારાષ્ટ્રમાં કટોકટી લાદવાનો આક્ષેપ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘તેમની પાર્ટી હિન્દી ભાષાની વિરુદ્ધ નથી, પરંતુ મરાઠી ભાષા બોલતા રાજ્યમાં હિન્દી થોપવાની વિરુદ્ધ છે. હિન્દીને ફરજિયાત કરવાના મામલે ‘બટેંગે તો કટેંગે’ નહીં, હવે તો ‘બાંટેંગે આણિ કાટેંગે’ મુખ્ય પ્રધાનનો નવો એજન્ડા હોય એવું લાગે છે.’
હિન્દી ભાષા ભણાવવાના સરકારના નિર્ણય વિરુદ્ધ કો-ઑર્ડિનેશન કમિટી સાથે મળીને ૭ જુલાઈએ આંદોલન કરવાની ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે. કો-ઑર્ડિનેશન કમિટીમાં મરાઠી લેખકો, શિક્ષકો અને ભાષાશાસ્ત્રીઓ સામેલ છે. આ કમિટીએ ગુરુવારે ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી ખાતે બેઠક કરીને આંદોલનની તૈયારી દર્શાવી હતી. ૭ જુલાઈએ હુતાત્મા હનુમાન ચોકથી શરૂ કરીને આઝાદ મેદાન સુધી મોરચો લઈ જવાશે.
મહારાષ્ટ્રની સ્કૂલોમાં પહેલાથી પાંચમા ધોરણમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી ભણાવવાના મુદ્દે સરકારના નિર્ણયની અનેક નેતાઓ અને સંગઠનો ટીકા કરી રહ્યાં છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ પોતાનો મત જણાવતાં કહ્યું હતું કે ‘અમે કોઈ ભાષાનો વિરોધ નથી કરતા કે કોઈ ભાષાથી અમને નફરત નથી. એનો મતલબ એ પણ નથી કે અમે મહારાષ્ટ્રમાં કોઈ પણ ભાષાને ફરજિયાત લાદવામાં આવે એ ચલાવી લઈશું. BJP ભાષાના આધારે ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. આ BJPનો છૂપો એજન્ડા છે અને એ ભાષાના મુદ્દે રાજ્યમાં કટોકટી લાદી રહી છે એવું લાગે છે.’

