રાજ ઠાકરેએ ફતવો કાઢવાની ભૂમિકા લીધી એ યોગ્ય જ છે
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ શુક્રવારે પુણેની સભામાં ફતવો કાઢીને મહાયુતિના ઉમેદવારોને જ મતદાન કરવાનું કહ્યું હતું. આ વિશે પૂછવામાં આવતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પુણેમાં પ્રેસ-કૉન્ફરન્સમાં જવાબ આપતાં કહ્યું હતું કે ‘ચૂંટણી દરમ્યાન મહારાષ્ટ્રમાં પહેલી વખત મસ્જિદમાં ટીવી-સ્ક્રીન લગાવવામાં આવી છે જેમાં ફતવા કાઢીને કૉન્ગ્રેસ સહિતના પક્ષોને મતદાન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આવું મહારાષ્ટ્રમાં ક્યારેય થયું નથી. આથી રાજ ઠાકરેએ ફતવો કાઢવાની ભૂમિકા લીધી એ યોગ્ય જ છે. એક ધર્મના લોકો ચોક્કસ પક્ષને જ મત આપવાનો ફતવો કાઢે તો બીજા ધર્મના લોકોને પણ ફતવો કાઢવા સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. વિરોધીઓ અમારા પર બીજા પક્ષોને ખતમ કરવાનો આરોપ કરી રહ્યા છે. રાજકારણમાં કોઈ કોઈને ખતમ ન કરી શકે. કૉન્ગ્રેસે એનું નેતૃત્વ ૧૭ વખત લૉન્ચ કર્યું, પણ કંઈ થયું નહીં. કૉન્ગ્રેસ એનાં કર્મથી જ ખતમ થઈ રહી છે. વિરોધ પક્ષ ખતમ થઈ ગયો છે એવું અમને લાગતું નથી. ઊલટું મજબૂત વિરોધ પક્ષ હોવો જ જોઈએ. જોકે વિરોધ પક્ષ સકારાત્મક રીતે વિચારી નથી શકતો. વિરોધ પક્ષના નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે.’