૨૬ સાર્વજનિક મંડળોએ મળીને પરંપરાગત રીતે દહીહંડી ઊજવી, હજારો લોકો ઊમટ્યા
લાલ મહલ ચોકની દહીહંડીમાં ઢોલના તાલે ગોવિંદા આલા રે.
છેલ્લાં ઘણાં વર્ષોથી જન્માષ્ટમી અને ગણેશોત્સવમાં ડિસ્ક જૉકી (DJ)ની બોલબાલા વધી છે ત્યારે પુણેનાં સાર્વજનિક દહીહંડી મંડળોએ નવતર પ્રયોગ કર્યો હતો. ૨૬ મંડળોએ મળીને ઢોલ, તાશા અને પારંપરિક વાદ્યોથી દહીહંડીના કાર્યક્રમમાં રંગત જમાવી હતી. લાલ મહલ ચોકમાં આયોજિત આ કાર્યક્રમમાં હાજર હજારો લોકો આ DJમુક્ત સંગીતમાં ઝૂમી ઉઠ્યા હતા.
પુનિત બાલન ગ્રુપ સાથે મળીને ૨૬ સાર્વજનિક મંડળોએ તહેવારોની ઉજવણી પારંપરિક રીતે થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું. મહારાષ્ટ્રની પહેલી DJમુક્ત દહીહંડીમાં રાધે કૃષ્ણ મંડળે સાત થરનો પિરામિડ બનાવીને હંડી ફોડતા લોકોએ તેમને વધાવી લીધા હતા એમ કાર્યક્રમના આયોજક પુનિત બાલને કહ્યું હતું.
ADVERTISEMENT
પુનિત બાલને વધુમાં કહ્યુ હતું કે ‘પુણેકરોએ આ પહેલને જોરદાર પ્રતિસાદ આપીને આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો. પરંપરાગત વાદ્યોના ઉપયોગને લીધે ધ્વનિપ્રદૂષણ કાબૂમાં રાખી શકાય છે અને આવાં વાદ્યો વગાડનાર સંગીતકારો માટે સારી તક ઊભી કરી શકાય છે.’
આ કાર્યક્રમમાં મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓએ હાજરી આપી હતી.


