ઇલેક્ટ્રિસિટીનું બિલ ઓછું આવે એ માટે ત્રણ વાર મહાવિતરણના મીટરમાં ચેડાં કર્યાં : ૨૨ મહિનામાં કરેલી વીજચોરીનું ૨,૨૭,૬૧૦ રૂપિયાનું બિલ તેને મોકલવામાં આવ્યું અને પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો

પાવર કંપનીને મૂરખ બનાવતો ‘પાવરફુલ’ ચીટર આખરે પકડાયો
મુંબઈ : મુલુંડના એક રહેવાસીએ ઓછું બિલ આવે એ માટે મહાવિતરણના મીટરમાં ત્રણ વાર ચેડાં કર્યાં હતાં. એની માહિતી મહાવિતરણના અધિકારીને મળતાં તેમણે મીટર જપ્ત કરીને એમાં થયેલાં ચેડાંની વિગતવાર માહિતીઓ કાઢી હતી અને રહેવાસીએ છેલ્લા ૨૨ મહિનામાં કરેલી વીજચોરીનું ૨,૨૭,૬૧૦ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું. મહાવિતરણના અધિકારીઓએ રહેવાસી સામે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મુલુંડના કેટલાક વિસ્તારોમાંથી વીજચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ભૂતકાળમાં મુલુંડ-ઈસ્ટના એક જ વિસ્તારમાંથી વીજચોરીના ત્રણ કેસ મળ્યા હતા. એ પછી કાર્યવાહી કરતાં મુલુંડ-વેસ્ટમાં વીજચોરીનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ એટલે કે એમએસઈબીમાં એન્જિનિયર તરીકે કામ કરતા પ્રશાંત ભાનુશાલીએ મુલુંડ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ અનુસાર તેઓ વીજચોરીના કેસોની તપાસ કરી રહ્યા હતા ત્યારે મુલુંડ-વેસ્ટમાં આરઆરટી રોડ પર હંસલક્ષ્મી અપાર્ટમેન્ટના રૂમ-નંબર ૧૭માં રહેતા મહેશ ગોહિલના મીટરનું સીલ તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. ત્યાર બાદ આ મીટરને વધુ તપાસ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યું હતું. આ મીટર દ્વારા ૩ એસી, ૩ ટીવી, ૨૦ એલઈડી, ૧ ઍર કૂલર, ૭ ટ્યુબ, ૧ ફ્રિજ, ૧ એક્ઝૉસ્ટ ફૅન, ૧ ગીઝર, ૧ વૉશિંગ મશીન વગેરેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળતાં મીટરને સીલ કરીને જપ્ત કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં તપાસ કરવામાં આવી રહી હતી એ દરમ્યાન ગ્રાહકને કોઈ પરેશાની ન થાય એ માટે બીજું મીટર ઉપયોગ માટે આપવામાં આવ્યું હતું. થોડા સમય બાદ પ્રશાંત અને તેની ટીમ ફરીથી આ બિલ્ડિંગમાં પહોંચી ત્યારે આ મીટરમાં પણ ચેડાં થયાં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વધુ તપાસ કરવામાં આવતાં મીટરની પાછળ એક કાણું હતું જેના દ્વારા વાયર નાખીને હાઈ વૉલ્ટેજના સ્પાર્કથી વીજચોરી કરવામાં આવી રહી હતી. વીજળીનો વપરાશ ઓછો કરવા માટે મહેશે મહાવિતરણ ઍપ પર નકલી મોબાઇલ-નંબર નાખીને નકલી રીડિંગ આપ્યું હતું. આંકડાઓ અનુસાર મહેશે અત્યાર સુધીમાં ૨,૨૭,૬૧૦ રૂપિયાની વીજચોરી કરી હતી. આ ચોરી બદલ મહેશ ગોહિલ વિરુદ્ધ વીજળી અધિનિયમ ૨૦૦૩ની કલમ ૧૩૫-એ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મહાવિતરણના મુલુંડ ડિવિઝનના અસિસ્ટન્ટ એન્જિનિયર પ્રશાંત ભાનુશાલીનો સંપર્ક કરતા તેમણે આ બાબતે ‘મિડ-ડે’ને કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે મુલુંડ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મહાવિતરણના અધિકારીની મળેલી ફરિયાદ પર અમે તપાસ હાથ ધરી છે. આ બાબતે ટેક્નિકલ માહિતી અમારી પાસે નથી.’