બીજેપીના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને પત્ર લખીને ઈડીએ કરેલા દાવાની તપાસ કરવાની માગણી કરી

શરદ પવાર, અતુળ ભાતખળકર
મુંબઈ ઃ ગોરેગામની પત્રા ચાલના કથિત ૧૦૩૪ કરોડ રૂપિયાના મામલામાં શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મની લૉન્ડરિંગના આરોપમાં ધરપકડ કરાયા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ કરેલી તપાસમાં જબરદસ્ત વળાંક આવ્યો છે. ઈડીએ કોર્ટમાં દાખલ કરેલા આરોપનામામાં જણાવ્યા મુજબ પત્રા ચાલ સંબંધે ૨૦૦૬-’૦૭માં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ અને તત્કાલીન કેન્દ્રીય કૃષિપ્રધાન શરદ પવાર વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક બાદ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન કંપનીના માધ્યમથી રાકેશ વાધવાનને પત્રા ચાલના રીડેવલપમેન્ટનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો. ઈડીના આ દાવાથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
ઈડીએ નામ લીધા વિના ૨૦૦૬-’૦૭માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને એ સમયે જ કેન્દ્રના કૃષિપ્રધાને બેઠક યોજ્યા બાદ ગોરેગામની પત્રા ચાલનો કૉન્ટ્રૅક્ટ ફાળવવામાં આવ્યો હોવાનો દાવો કોર્ટમાં દાખલ કરેલા આરોપનામામાં કર્યા બાદ ગઈ કાલે બીજેપીના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે આ મામલે તપાસ કરવાની માગણી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને કરી હતી.
અતુળ ભાતખળકરે કહ્યું હતું કે મરાઠી માણસોને બેઘર કરવાના પત્રા ચાલના ભ્રષ્ટાચાર મામલામાં તત્કાલીન મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ અને કેન્દ્રીય કૃષિપ્રધાન શરદ પવારે રીડેવલપમેન્ટ માટે મ્હાડા પર બહારથી ખૂબ દબાણ લાવવામાં આવ્યું હતું એટલે આ મામલે તપાસ થવી જોઈએ. ઈડીની તપાસમાં આ ૧૦૩૪ કરોડ રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના મામલામાં માસ્ટરમાઇન્ડ સંજય રાઉત હોવાનું જણાઈ આવ્યું છે.
દશેરાસભા ઃ શિવસેનાના નેતાઓ બીએમસીના અધિકારીને મળ્યા
શિવાજી પાર્કમાં દશેરાસભાનું આયોજન કરવા માટે ઉદ્ધવ ઠાકરે જૂથે માગેલી પરવાનગી બાબતે મુંબઈ બીએમસી કોઈ નિર્ણય લેતી ન હોવાથી ગઈ કાલે શિવસેનાનનું એક પ્રતિનિધિમંડળ બીએમસીના અધિકારીને મળ્યું હતું. શિવસેનાના નેતા મિલિંદ વૈદ્યે ગઈ કાલે પત્રકારોને આ વિશે માહિતી આપી હતી કે ‘અમે આજે જી-ઉત્તર વૉર્ડના અધિકારીને મળ્યા હતા અને શિવતીર્થ પર દશેરાસભા યોજવા માટે અમે કરેલી અરજી બાબતે કેમ કોઈ નિર્ણય લેવાતો નથી એ પૂછ્યું હતું. સામાન્ય રીતે અરજીના બે જ દિવસમાં પરવાનગી અપાતી હતી, પરંતુ અમે ૨૨ ઑગસ્ટે અરજી કરી છે જેને એક મહિનો થવા આવ્યો હોવા છતાં કેમ એ અટકાવી દેવાઈ છે? એવો સવાલ કર્યો હતો.’
પૃથ્વીરાજ ચવાણે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે અત્યારે ચાલી રહેલી કૉન્ગ્રેસ અધ્યક્ષ માટેની ચૂંટણીમાં રાહુલ ગાંધીને બિનવિરોધ ચૂંટવાનો વિરોધ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. કૉન્ગ્રેસના અધ્યક્ષપદની રેસમાં અત્યારે શશી થરૂર અને અશોક ગેહલોત હોવાનું મનાય છે.