મેરઠથી મુંબઈમાં 115 પોપટની દાણચોરી કરવા બદલ એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. થાણે વન વિભાગે પક્ષીઓને જપ્ત કર્યા છે.
થાણેના ફૉરેસ્ટ વિભાગ સાથે આરોપીઓ અને જપ્ત કરેલા પૅરટ.
મેરઠથી મુંબઈ આવતી ટ્રેનના એક ડબ્બામાં પોપટનો કિલકિલાટ સાંભળ્યા બાદ એક પ્રવાસીએ વાઇલ્ડલાઇફ વેલ્ફેર અસોસિએશન (WWA)ની હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવતાં થાણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે એક યુવાનની બાંદરા રેલવે-સ્ટેશન પરથી સોમવારે ધરપકડ કરી હતી. તેની પાસેથી માહિતી લીધા બાદ ક્રૉફર્ડ માર્કેટમાં છટકું ગોઠવી વધુ બે જણની ધરપકડ કરીને તસ્કરી માટે મુંબઈ લાવવામાં આવેલા ૧૧૫ ઇન્ડિયન પૅરટ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓ મેરઠના ફૉરેસ્ટ વિસ્તારમાંથી પોપટને પકડી તસ્કરી કરી એને મુંબઈ લાવીને બેથી ત્રણ હજાર રૂપિયામાં વેચતા હોવાની પ્રાથમિક માહિતી પ્રકાશમાં આવી છે.
આરોપીઓ થોડા પૈસા માટે વન્યપક્ષીઓના જીવ સાથે રમત રમતા હોય છે એમ જણાવતાં થાણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટનાં અસિસ્ટન્ટ કન્ઝર્વેટર ફૉરેસ્ટ ઑફિસર સોનલ વાલવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘WWAના હેલ્પલાઇન નંબર પર એક જાગૃત પ્રવાસીએ ફોન કરીને ટ્રેનમાં પૅરટની તસ્કરી કરવામાં આવતી હોવાની માહિતી આપી હતી. એ પછી અમારી ટીમ તાત્કાલિક બાંદરા રેલવે-સ્ટેશન પર પહોંચી હતી અને એક પ્રવાસી દ્વારા બંધ ડબ્બામાં મેરઠથી મુંબઈ લાવવામાં આવેલા ૪૦ પૅરટ જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી. તે મુંબઈમાં કોની પાસે જવાનો હતો એની માહિતી મેળવીને અમે ક્રૉફર્ડ માર્કેટ પહોંચ્યા હતા. ત્યાં આરોપીની મદદથી બીજા બે લોકો સુધી અમે પહોંચ્યા હતા. તેમની પાસેથી વધુ ૭૫ પૅરટ જપ્ત કર્યા હતા. આ તમામ ઇન્ડિયન પૅરટ હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. એમને તબીબી સારવાર માટે થાણેની કમ્યુનિટી ફૉર ધ પ્રોટેક્શન ઍન્ડ કૅર ઑફ ઍનિમલ (CPCA)ને સોંપવામાં આવ્યા હતા.’
ADVERTISEMENT
ઘરમાં પૅરટ પાળવા બદલ ત્રણ વર્ષની જેલ થઈ શકે છે
ઘરમાં પૅરટ પાળવો ગુનો છે જેના માટે તમને ત્રણ વર્ષની જેલ થઈ શકે છે અને આ એક નૉન-બેલેબલ ઑફેન્સ છે એમ જણાવતાં સોનલ વાલવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૩થી કાયદામાં મોટા ચેન્જ કરવામાં આવ્યા છે. પહેલાં જો કોઈ વ્યક્તિના ઘરમાંથી પાળેલો પૅરટ મળી આવે તો તેને ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો ફાઇન થતો હતો. જોકે હવે કાયદો બદલાયો છે. જો કોઈ વ્યક્તિ પૅરટ પાળતી મળી આવે તો તેની સામે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના કાયદા અનુસાર ફરિયાદ નોંધીને તાત્કાલિક અમે તેની ધરપકડ કરીએ છીએ એટલું જ નહીં, તેને નજીકની કોર્ટમાં રજૂ કરીને બીજા કેસોની જેમ કસ્ટડી પણ મેળવીએ છે.’
જો તમારી આસપાસમાં ગેરકાયદે વન્યપ્રાણી કે પક્ષીની તસ્કરી કરવામાં આવી રહી હોય તો તમે મહારાષ્ટ્ર વનવિભાગની ૧૯૨૬ નંબરની હેલ્પલાઇન પર સંપર્ક કરીને જાણ કરી શકો છો અથવા વાઇલ્ડલાઇફ વેલ્ફેર અસોસિએશનના ૯૭૫૭૩ ૨૨૯૦૧/૦૨ નંબર પર પણ સંપર્ક કરી શકો છો.