વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જાણીતા પ્રોડ્યુસર-ડિરેક્ટર અને ઍક્ટર જે. ડી. મજીઠિયાએ તેમને પત્ર લખીને એવી વાત કહી જે સૌકોઈની આંખો ભીંજવી દેવાનું સામર્થ્ય ધરાવે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બા સાથેની ફાઇલ તસવીર (ડાબે), જે. ડી. મજીઠિયા
અમારા વહાલસોયા નરેન્દ્રને,
આવું લખવા કરતાં લખવું જોઈએ કે મારા વહાલા નરેન્દ્રને. આ જ સંબોધનથી આ પત્રની શરૂઆત કરવાનું મન છે, પણ ભારતના સર્વશ્રેષ્ઠ વડા પ્રધાનને આવા વહાલભર્યા તુંકારાથી સંબોધન ન કરાય એટલે શરૂઆત વાંચજો, અમારા વહાલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી...
તમને તમારા જન્મદિવસની ખૂબ-ખૂબ વધાઈ. સદાય ખુશી રહો, સુખી રહો અને દેશની સેવામાં સદાય પ્રવૃત્ત રહો એવા આપણા ભારતની દરેક માતા તરફથી આપને અઢળક આશીર્વાદ.
શા માટે આ પત્ર અને એ પણ ભારતની દરેક માતા વતી?
કારણ કે આ પહેલો જન્મદિવસ છે જે તમે તમારી માતાની પ્રત્યક્ષ હાજરી વિના પસાર કરશો, ઊજવશો; પણ એ વાતો થોડી વાર પછી. માતાની પ્રત્યક્ષ હાજરી વિનાનો એટલે કહ્યો, કારણ કે પરોક્ષ રીતે તો તે તમારી સાથે છે અને હંમેશાં રહેશે જ. જન્મદિવસે તમે જે રીતે તમારાં માતુશ્રીને મળતા અને તેમનાં ચરણોમાં બેસીને જે રીતે તેમની સાથે વાર્તાલાપ કરતા, તેમના આશીર્વાદ લેતા એ તમામ તસવીરો જેટલી તમારા હૈયામાં છે એટલી જ આખા દેશના તમારા ચાહકોના હૃદયમાં અને દેશની દરેક માતાના હૃદયમાં છે. તમારાં ઘણાં કાર્યોએ જુવાનિયાઓ અને ધંધાદારીઓથી માંડીને દેશવિદેશના નેતાઓને ઘણી દિશામાં પ્રેરિત કર્યા છે અને એના વિશે ગ્રંથ લખી શકાય. જોકે તમારા એક અભિગમને ભારતની, જગતની માતાઓએ ખૂબ વધાવ્યો છે અને એની નોંધ લઈને ખોબલા ભરી-ભરીને તમને આશીર્વાદ આપ્યા છે.
બાળકો અને યુવાનો માતાને વહાલથી તુંકારે બોલાવતાં-બોલાવતાં ક્યારે માના માનનું ભાન ભૂલી જાય એ બહુ સાહજિક છે. પછી મોટા થઈને પરણે અને પછી પોતાના ઘરે બાળકો પણ આવી જાય ત્યારે માતા સાથે અમુક બાબોતમાં કેટલાંક સંબોધન ખાસ થઈ જાય. ખાસ પણ અને સામાન્ય પણ.
‘મા, તને નહીં સમજાય...’
‘મા, તને ભાન ન પડે, તું રહેવા દે...’
ઘર-ઘરમાં બહુ જ સામાન્ય રીતે વપરાતાં આ વાક્યો છે, પણ માતા તરફના તમારા પ્રેમ અને આદરને લીધે ભલભલા લોકોના જીવનમાં એક બદલાવ આવ્યો અને એ બદલાવ સાથે જ લોકોને પૂછવું છે કે જીવનના સૌથી મહત્ત્વના દિવસે ભારતની સૌથી વ્યસ્ત વ્યક્તિ જો સમય કાઢીને માના આશીર્વાદ લેવા પહોંચી શકે, તેમની પાસે નિરાંતે બેસી શકે તો દેશની અન્ય માનાં સંતાનો વિડિયોકૉલથી તો આશીર્વાદ લઈ જ શકેને?
આ ઉદાહરણ ફક્ત મા તરફના પ્રેમ અને સ્નેહ સુધી જ મર્યાદિત નથી; પણ આવડી મોટી, દુનિયાભરમાં ફરેલી વ્યક્તિ, વિદ્વાનોની સંગતમાં રોજબરોજ ચર્ચાઓથી ઘેરાયેલી વ્યક્તિ જો મા સાથે બહુ સહજતા સાથે વાત કરી શકે, રહી શકે તો બાકીનાં સંતાનો શા માટે નહીં?
મા સાથેના સ્નેહનાં તો તમારાં કેટકેટલાં ઉદાહરણો છે જેમણે ભારતભરની કેટલી બધી માતાઓના જીવનમાં ક્યાંક પ્રેમ અને માના હિસ્સામાં માનનો વધારો કર્યો છે. અનેક પરિવારોમાં સંતાનોને આપમેળે સમજાયું છે તો ક્યાંક માતાઓએ તમારા અને તમારાં માતુશ્રીના લેખ અને ફોટોગ્રાફ્સ દેખાડીને પોતાનાં સંતાનોને સુધાર્યાં છે. આ આખી પ્રક્રિયા કુદરતી રીતે થઈ છે અને એ માટે બધી માતાઓએ તમને તમારા આ જન્મદિવસ નિમિત્તે અંતરથી આશીર્વાદ આપ્યા છે.
કદાચ આ પત્ર દેશ આખો નહીં વાંચે, કારણ કે એ મારી-તમારી માતૃભાષામાં છે; પણ આ ભાવના અને આ લાગણી તો આખા દેશની છે. સંતાન જ્યારે ગર્વ થાય એવું કામ કરે ત્યારે સૌપ્રથમ તે પોતાનાં માતા-પિતાને યાદ કરે અને આપશ્રી તો અવિરત આવું કાર્ય કરો છો તો ભારતની દરેક માતાને માન અને ગર્વ થાય. આપની માતાની જગ્યા ક્યારેય કોઈ લઈ જ ન શકે, પણ ભારતમાતા એક એવી બીજી મા છે જેના માટે આપણી માએ આપણને નાનપણથી શીખવ્યું છે કે ભારતમાતાને પહેલી માતા માનીએ અને જીવન જીવીએ. તમારાં માતુશ્રીએ આપેલી આ શિખામણને તમે ક્ષણેક્ષણ જીવો છો.
મા સાથે ગાળેલા બાળપણથી લઈને તેમની સાથે ગાળેલી છેલ્લી ક્ષણોની યાદ સાથે આજે તમારો આખો દિવસ પસાર થશે. ભારતભરના ખૂણેખૂણામાં કોઈ ને કોઈ ક્ષણે એ સ્મૃતિ અન્ય દ્વારા પણ જીવાતી હશે. એ પ્રત્યે ક્ષણ જે કોઈની આંખ સામે આવશે ત્યારે તમારાં માતુશ્રી તમને મનથી આશીર્વાદ આપશે.
બધા ઇચ્છતા હોય કે માતા સાથે પોતાનો સારો સમય પસાર કરે અને એ ખૂબ જ સ્વાભાવિક છે, પણ કેટલા ઓછા એ કરી શકે છે એ વધારે સ્વાભાવિક લાગતી વાત થઈ ગઈ છે. માતા સાથે બેસીને પોતાના જન્મદિવસે તેમનાં ચરણ ધોવાની વાત આ દેશના કરોડો લોકો માટે ઇતિહાસ છે. તમે એ આચરણ દ્વારા વધુ એક વાર ઐતિહાસિક કાર્ય કર્યું હતું. વિશ્વના આટલા મોટા ગજાના નેતા આવું કરે એ કેટલું પ્રેરણાદાયી કાર્ય છે એની તમને કદાચ કલ્પના નથી, પણ બહારથી આ ચિત્ર જોતા લોકોને શ્રવણકુમારની વાર્તાની યાદ અપાવી છે. તમે જ્યાં હશો ત્યાં આપનાં માતા સ્વર્ગવાસી અખંડ સૌભાગ્યવતી શ્રીમતી હીરાબહેન તમને નિહાળતાં હશે, આશીર્વાદ આપતાં હશે એટલે આજે દરેક ક્ષણ ઉજવણીમાં પસાર કરશો, કારણ કે એ જોઈને તેમને અંતરથી ખુશી થશે. પાછી તમારી ઉજવણી હશે સેવાની. એટલા વધુ લોકોની સેવા થશે અને એ લોકોનું જીવન સુખમય બનશે એટલે ઉજવણી ન ચૂકશો.
આ પત્ર કોઈ આલંકારિક ભાષા, આડંબર ભરેલા શબ્દો કે વાતો પર ભાર મૂક્યા વિના લખ્યો છે; કારણ કે તમે જેવા છો એવા જ શબ્દોમાં તમારા માટે લખવું યોગ્ય કહેવાય. એમ છતાં ક્યાંય કોઈ ભૂલ થઈ હોય તો છોરું સમજીને માફ કરી દેજો.
આપની તબિયત સાચવજો.
પ્રણામ
એ જ લિખિંતગ,
તમને ખૂબ પ્રેમ કરતો તમારો વહાલો
જેડી