બે મહિના જાહેર જીવનથી દૂર રહેશે એ જાણીને વડા પ્રધાને તેમની સ્પીડી રિકવરી માટે શુભકામના આપી
નરેન્દ્ર મોદીને ચિંતા થઈ સંજય રાઉતની નાદુરસ્ત તબિયતની
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે તેમની બીમારીના સમાચાર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા ત્યારે તેમને અનેક કાર્યકરો અને શુભેચ્છકોના મેસેજ મળ્યા હતા. એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા મેસેજે વિશેષ ધ્યાન ખેંચ્યું હતું : સ્પીડી રિકવરી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના, સંજય રાઉતજી.
વડા પ્રધાનની પોસ્ટનો જવાબ આપતાં સંજય રાઉતે લખ્યું હતું, ‘આદરણીય પ્રધાનમંત્રીજી, આભાર! મારો પરિવાર તમારો આભારી છે! જય હિન્દ, જય મહારાષ્ટ્ર!’
ADVERTISEMENT
શુક્રવારે બપોરે સંજય રાઉતે સમર્થકો અને કાર્યકરોને ઉદ્દેશીને સોશ્યલ મીડિયા પર પોતાના લેટરહેડમાં નાદુરસ્ત તબિયતના સમાચાર આપ્યા હતા. બીમારીને કારણે તેમને બે મહિના સુધી બહાર નીકળવાની અને વધુ લોકોને મળવાની મનાઈ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ પણ હતો. વિરોધી પક્ષના નેતાઓ સંજય રાઉત અને નરેન્દ્ર મોદી વચ્ચેની સૌહાર્દપૂર્ણ મેસેજની આપ-લેએ અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું તો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી પહેલાં સંજય રાઉતનું અચાનક જાહેર જીવનથી દૂર જવું શિવસેના (UBT) માટે એક મોટા આંચકા તરીકે જોવાઈ રહ્યું છે.
થોડા દિવસ પહેલાં સંજય રાઉતને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી, જેને કારણે તેમણે સક્રિય રાજકારણમાંથી વિરામ લેવાનો નિર્ણય લીધો હતો.


