વાહનચાલકો માટે જોખમી બનેલા ઘોડબંદર રોડ પર વિસર્જનને લીધે પ્રશાસને શરૂ કરવું પડ્યું પૅચવર્ક, છતાં એ છે ડેન્જરસ : વરસાદમાં ખાડામાંથી કપચી અને ડામર ઊખડી જવાથી રોડની હાલત વધારે ખરાબ થવાથી બાઇકરની નાનકડી ભૂલ તેના જીવ માટે જોખમી બની જાય છે
થાણેના ભાઈંદરપાડા ગૌમુખ વિસ્તારનો ખાડાવાળો અને જોખમી ઘોડબંદર રોડ
થાણેનો ઘોડબંદર રોડ વાહનો અને એમાં બેઠેલા લોકો માટે અત્યંત જોખમી બની ગયો છે. આ રોડની દુર્દશા પછી પણ પ્રશાસન આ રોડ પરના ખાડાનું કાયમી નિરાકરણ લાવવાને બદલે આજે વિસર્જન હોવાથી ગઈ કાલે થીગડાં મારતા જોવા મળ્યું હતું. સૌથી નવાઈની વાત તો એ છે કે આ રોડની બિસમાર હાલત માટે મીરા રોડના ગુજરાતી સેલ્સ રિપ્રેઝન્ટેટિવે રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીને ૧૬ સપ્ટેમ્બરે ઈ-મેઇલ કરીને જાણકારી આપવામાં આવી હતી.
આ બાબતની માહિતી આપતાં મીરા રોડથી થાણે-કલ્યાણ રેગ્યુલર બાઇક પર ટ્રાવેલિંગ કરી રહેલા પીનલ વશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘોડબંદર રોડની દશા એટલી ખરાબ છે કે અહીં ટ્રક, બસ, કાર, બાઇક બધાં જ વાહનોના વાહનચાલકોને ભયંકર તકલીફ પડે છે. બાઇક/સ્કૂટરવાળાને તો જોખમ વધારે છે. બોરીવલી, મીરા રોડ, ભાઈંદર અને વિરારથી બસ-સર્વિસ થાણે માટે છે. ખાડાવાળા રોડને કારણે થતા ટ્રાફિકને લીધે મુસાફરીમાં એક કલાકના અઢી-ત્રણ કલાક થાય છે. બસની ૩૫થી ૫૦ સીટ પર ૮૦-૯૦ લોકો બેસીને મુસાફરી કરતા હોય છે. બાકીના મુસાફરોએ કલાકો ઊભા-ઊભા મુસાફરી કરવી પડે છે જેમાં મહિલાઓ, સિનિયર સિટિઝનો અને બાળકો પણ હોય છે. ખાડાવાળા રોડને કારણે વાહનો ઊછળતાં હોવાથી અંદર બેઠેલા મુસાફરોની હાલત કફોડી થઈ જતી હોય છે. અમુક સમયે મુસાફરો કમરના દુખાવાનો ભોગ બની જાય છે.’
ADVERTISEMENT
ચોમાસામાં અને ચોમાસા પહેલાં આવા મહત્ત્વના રોડના ખાડા મામૂલી કોલ્ડમિક્સથી ભરી દેવામાં આવે છે, જે સમય જતાં વરસાદના પાણીમાં કે વાહનોને કારણે ઊખડી જાય છે એમ જણાવીને પીનલ વશીએ કહ્યું હતું કે ‘ખાડામાંથી કપચી અને ડામર ઊખડી જવાથી રોડની હાલત વધારે ખરાબ થઈ જાય છે. બાઇકરો આવા રોડ પર સ્લિપ થતા હોય છે. બાઇકરની નાનકડી ભૂલ ક્યારેક તેના જીવ માટે જોખમી બને છે. લોકો અને પોલીસ આવા અકસ્માત સમયે બાઇકરને દોષ દેતા હોય છે; જ્યારે હકીકતમાં બિસમાર, કથળેલા અને કપચીથી સ્લિપી બની ગયેલો રોડ આના માટે જવાબદાર હોય છે. લાખો રૂપિયા ખર્ચ કરીને નબળું કામ કરે છે તેઓ આના માટે દોષી હોવા છતાં પ્રશાસન દ્વારા તેના પર કોઈ કાયદાકીય પગલાં લેવાતાં નથી.’
ખાડાવાળા રોડને લીધે વાહનોની સ્પીડમાં અપ-ડાઉન થતું હોય છે એમ જણાવીને પીનલ વશીએ કહ્યું હતું કે ‘ખાડાવાળા અને બિસમાર રોડને કારણે નૅશનલ હાઇવે પર ટોલ ભરીને જે પેટ્રોલ અને સમય બચાવ્યાં હોય છે એનાથી દસગણો વધારે સમય અને પેટ્રોલ-ડીઝલનો બગાડ થાય છે.’
થાણેના ઘોડબંદર રોડ પરના રહેવાસી અજિત વાઘમારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘોડબંદર રોડની જાળવણીની જવાબદારી પીડબ્લ્યુડીની છે, જેણે દાવો કર્યો હતો કે રસ્તાના નૂતનીકરણ માટે મસ્ટિક ડામર એક એવી સામગ્રી જે ઝડપથી સેટ કરે છે અને ખાતરી આપી હતી કે ગણપતિ ઉત્સવ પછી બ્લૉક્સને સિમેન્ટથી બદલવામાં આવશે. પીડબ્લ્યુડીનાં પોકળ વચનોથી રહેવાસીઓ અને મુસાફરો નારાજ છે. અમારી અનેક ફરિયાદો અને બિસમાર રોડને લીધે અનેક અકસ્માત થયા હોવા છતાં સમસ્યા લાંબા સમયથી અસ્તિત્વમાં છે. આના પર લક્ષ આપવામાં આવતું નથી.’
થાણેના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેના કાપુરબાવડીથી કાશીમીરાના ઘોડબંદર ગામ સુધીના સમગ્ર પંથકમાં ખાડાઓ છે, જેને કારણે અનેક જીવલેણ અકસ્માત પણ આ રોડ પર થયા છે. ખાડા પૂર્યા પછી પણ રોડ થોડા જ સમયમાં ખાડાવાળો બની જાય છે. પીડબ્લ્યુડીએ નેવું ટકા ખાડા ભરી દીધા હોવાનો દાવો સદંતર પાયાવિહોણો છે.’
જોકે ગઈ કાલે પીડબ્લ્યુડીના સબ-ડિવિઝન ઑફિસર શ્રીકાંત યેવળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘોડબંદર રોડનું રિપેરિંગ જોરમાં ચાલી રહ્યું છે. અમે ખાડા થતાં વેંત જ ભરી દઈએ છીએ. બાકીના અમારા જાળવણી કાર્યમાં મેટ્રોના ચાલી રહેલા કામને લીધે પણ સમસ્યા આવે છે. આ સિવાય આખો રસ્તો ટાર, સિમેન્ટ અને બ્લૉક્સ એમ અલગ-અલગ રીતે બન્યો હોવાથી પણ જાળવણી કાર્યમાં અડચણ આવે છે.’
કાપુરબાવડી પોલીસ-સ્ટેશનના એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ રોડ પર રોજના ઓછામાં ઓછા ત્રણ અકસ્માત થાય છે. કેટલીક વાર ગણતરી પાંચ સુધી પહોંચી જાય છે. આ અકસ્માતો પાછળનું પ્રાથમિક કારણ એ છે કે ડ્રાઇવરોને અચાનક મોટા ખાડાનો સામનો કરવો પડે છે. આ અકસ્માતો જીવલેણ બની શકે છે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘અનેક ગણપતિ સરઘસો આજે કોલશેત ઘાટ, બાલકુંભ ખાડી અને કશેલી ખાડીમાં કૃત્રિમ વિસર્જન તળાવ સુધી પહોંચવા માટે આ રસ્તાનો ઉપયોગ કરશે. આથી આ રોડની જાળવણી સ્પીડમાં થવી અત્યંત જરૂરી છે.’

