હવે દરવાજા પર ઊભા રહેવાની બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવકને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દેવાયો
તૌસિફ શેખ
મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરો વચ્ચે નાની-મોટી બાબતોમાં થતા ઝઘડા હવે હિંસક સાબિત થઈ રહ્યા છે. મંગળવારે રાત્રે વિરાર જતી સ્લો લોકલ ટ્રેનમાં જનરલ ડબ્બાના દરવાજે ઊભા રહેવા બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ એક મુસાફરે નાલાસોપારાના ૨૪ વર્ષના તૌસિફ શેખને પાછળથી લાત મારીને ચાલુ ટ્રેને નીચે ફેંકી દીધો હતો. આ ભયાનક ઘટના બોરીવલી સ્ટેશન નજીક બની હતી. ટ્રેનમાંથી નીચે પાટા પર પટકાતાં તૌસિફના માથા, જમણા હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ આ મામલે ફરિયાદ નોંધીને હત્યાના પ્રયાસ બદલ ૩૦ વર્ષના આરોપી રાહુલ પાંડેની ધરપકડ કરી હતી.
બોરીવલી GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તૌસિફ અને તેનો સાથી હુસૈન અલી ગોરેગામ સ્ટેશનથી ટ્રેનમાં ચડ્યા હતા અને દરવાજા પાસે ઊભા હતા. કાંદિવલી સ્ટેશનથી આરોપી રાહુલ પાંડે ટ્રેનમાં ચડ્યો હતો. બોરીવલી સ્ટેશન આવતાં તૌસિફે રાહુલને ટ્રેનની અંદર જગ્યા હોવાથી અંદર સરકવા વિનંતી કરી જેથી અન્ય મુસાફરો ઊતરી શકે. આ સાંભળીને રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો અને બન્ને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. ટ્રેન બોરીવલી સ્ટેશનથી ઊપડી એટલે તરત જ રાહુલે તૌસિફને પીઠમાં લાત મારી હતી એટલે તૌસિફ ટ્રેનમાંથી નીચે પડ્યો હતો. આ ઘટના બાદ અન્ય મુસાફરોની મદદથી આરોપીને પકડીને બોરીવલી GRPને સોંપ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત તૌસિફને કાંદિવલીની બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.’
ADVERTISEMENT
આ વર્ષની ત્રીજી મોટી ઘટના
મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરો વચ્ચેની લડાઈમાં જીવ જવાનો કે ગંભીર ઈજા થવાનો આ પહેલો કિસ્સો નથી. આ વર્ષે આવી ત્રીજી મોટી ઘટના સામે આવી છે. આ જ ઑગસ્ટ મહિનામાં દિવ્યાંગ કોચમાં બેસવાની જગ્યા બાબતે થયેલા વિવાદમાં ૬૩ વર્ષની શારીરિક રીતે અક્ષમ વ્યક્તિને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેતાં તેનું મોત થયું હતું. આ સિવાય જૂનમાં વરસાદમાં ટ્રેનનો દરવાજો બંધ કરવા બાબતે થયેલા ઝઘડામાં ૨૧ વર્ષના મયંક લોહારની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સતત વધતી આવી હિંસક ઘટનાઓને પગલે લોકલ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા સામે ફરી એક વાર ગંભીર પ્રશ્નાર્થચિહન ઊભું થયું છે.
