મુંબ્રાના ઍક્સિડન્ટ પછી પ્રવાસી સંગઠનોની માગણી
થાણે પશ્ચિમમાં મેટ્રો ગ્રીન લાઇન. (તસવીરો- સાહિલ પેડણેકર)
લોકલ ટ્રેનનું નેટવર્ક થાણે પછી બહુ મર્યાદિત છે એટલે લોકો વધુ સારી રીતે અને ઝડપથી મુસાફરી કરી શકે એ માટે વહેલી તકે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં મેટ્રો શરૂ કરવામાં આવે એેટલું જ નહીં, એનું જાળું પણ વિસ્તારવામાં આવે એવી માગણી હવે મુંબ્રા અકસ્માત બાદ પ્રવાસી સંગઠનો કરી રહ્યાં છે.
એક પ્રવાસી રાજેશ મીઠવાલાએ કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે મેટ્રોનું જાળું બદલાપુર, અંબરનાથ, આસનગાંવને પણ આવરી લે એવી રીતે વિસ્તારવું જોઈએ. જો મુંબઈ આવવા ત્યાંના લોકોને પણ મેટ્રોની કનેક્ટિવિટી મળે તો જ લોકલ પરનું પ્રેશર ઘટે અને અકસ્માત પણ ઘટે.’
ADVERTISEMENT
અન્ય એક પ્રવાસી રાજેશ વાઘેલાએ કહ્યું હતું કે મુંબઈ અને એની બહાર વિસ્તરેલાં પરાંઓને એક જ યુનિટ તરીકે ગણતરીમાં લઈને એમને વધુ સારી રીતે કનેક્ટ કરવાં જોઈએ.
દિલ્હીમાં જે રીતે દૂરના વિસ્તારોને સાંકળી લેતી રૅપિડ રેલ સિસ્ટમ મેટ્રો છે એ જ રીતે મુંબઈમાં પણ મેટ્રો દોડાવવી જોઈએ એમ જણાવીને અન્ય એક પ્રવાસી અર્પણ મિત્રાએ કહ્યું હતું કે ‘ખરેખર તો જે રીતે લોકલનો કૉરિડોર છે એને જ પૅરૅલલ મેટ્રોનો કૉરિડોર બનાવવો જોઈએ. કફ પરેડ કે પછી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી લઈને કલ્યાણ-ટિટવાલા, કર્જત-પનવેલ અને તળોજા-ભિવંડીને પણ સાંકળી લેવાં જોઈએ. બીજી બાજુ કફ પરેડ-ચર્ચગેટથી લઈને વિરાર-દહાણુ સુધી મેટ્રો લંબાવવી જોઈએ.’
MMRમાં આકાર લઈ રહેલી મેટ્રોનું હાલનું સ્ટેટસ
લાઇન 4 : ૧૦ કિલોમીટર - થાણેથી કાસારવડવલી, ૧૦ સ્ટેશન રહેશે. એનું કામ હવે પૂરું થવાની તૈયારીમાં છે.
લાઇન 4A : ૨.૭ કિલોમીટર - કાસારવડવલીથી ગાયમુખ. કામ પૂરું થવામાં છે. ઑગસ્ટથી ટ્રાયલ-રન શરૂ થશે.
લાઇન 5 : ૨૪.૯ કિલોમીટર - થાણે-ભિવંડી-કલ્યાણ, ૧૫ સ્ટેશન. પહેલા તબક્કામાં થાણેથી ભિવંડીના ૧૧.૯ કિલોમીટરના તબક્કામાં ૬ સ્ટેશન હશે. આ તબક્કો ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂરો થઈ જશે, જ્યારે ભિવંડીથી કલ્યાણનો તબક્કો જૂન ૨૦૨૯ સુધીમાં પૂરો થઈ શકશે.
લાઇન 9 : ૯.૧ કિલોમીટર - દહિસરથી મીરા-ભાઈંદર. પહેલા તબક્કામાં દહિસરથી કાશીગાંવના પહેલા ૪.૫ કિલોમીટરનો ૪ સ્ટેશન સમાવતો સ્ટ્રેચ આ વર્ષના અંત સુધીમાં ચાલુ થઈ જશે, જ્યારે કાશીગાંવથી ભાઈંદર ૪.૬ કિલોમીટરનો તબક્કો ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂરો કરવામાં આવશે.
લાઇન 10 : ગાયમુખથી શિવાજી ચોક, મીરા રોડ. ટેન્ડર બહાર પાડવાની પ્રોસેસ ચાલી રહી છે.
લાઇન 12 : કલ્યાણને તળોજા સાથે જોડતી આ લાઇન પર કામ શરૂ થવાનું બાકી છે.

