રેગ્યુલર લોકલ કૅન્સલ થવાથી AC ટ્રેનમાં ચડી ગયા : સખત ગિરદીને કારણે AC ટ્રેનના દરવાજા બંધ ન થયા એટલે RPFના જવાનોએ આવવું પડ્યું
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મુંબ્રા સ્ટેશન પર સોમવારે થયેલા ગોઝારા અકસ્માત બાદ ગઈ કાલે ડોમ્બિવલી સ્ટેશન પર સવાર-સવારમાં હંગામો થયો હતો. પીક અવર્સમાં પ્લૅટફૉર્મ પર પ્રવાસીઓ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ડોમ્બિવલી લોકલ કૅન્સલ કરવામાં આવી હતી. એ પછી AC લોકલ આવી હતી એટલે જે લોકો ઑલરેડી ડોમ્બિવલી લોકલ પકડવા ઊભા હતા તેઓ ઑફિસ જવામાં મોડું થતું હોવાથી AC લોકલનો પાસ કે ટિકિટ ન હોવા છતાં AC લોકલમાં ચડી ગયા હતા. આમ એકસાથે ધસારો થવાથી AC લોકલ સામાન્ય લોકલ જેટલી જ પૅક થઈ ગઈ હતી અને પરિસ્થિતિ એ હતી કે લોકો દરવાજાની બહાર લટકીને અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેને કારણે AC લોકલના દરવાજા બંધ નહોતા થયા અને ટ્રેન ત્યાં જ અટકી ગઈ હતી. એ પછી રેલવે પ્રોટેક્શન ફૉર્સ (RPF)ના જવાનો પ્લૅટફૉર્મ પર પહોંચી ગયા હતા અને તેમણે લોકોને રિક્વેસ્ટ કરીને નીચે ઊતરવા કહ્યું હતું, પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું. આખરે જવાનોએ તેમને ધક્કા મારી-મારીને અંદર ધકેલ્યા બાદ દરવાજા બંધ થઈ શક્યા હતા અને એ પછી ટ્રેન ત્યાંથી ઊપડી શકી હતી. લોકોના કહેવા મુજબ એ AC લોકલ ૮-૧૦ મિનિટ ડોમ્બિવલી પર અટકી હતી, જ્યારે સેન્ટ્રલ રેલવેનું કહેવું હતું કે ટ્રેન ૩-૪ મિનિટ મોડી ઊપડી હતી. જોકે એને કારણે પાછળ આવી રહેલી અન્ય લોકલ ટ્રેનો પણ મોડી પડી હતી.
લોકો એવો સવાલ કરી રહ્યા હતા કે ‘મુંબ્રાના અકસ્માત બાદ રેલવેનું કહેવું છે કે નૉન-AC લોકલમાં પણ ઑટોમૅટિક બંધ થાય એેવા દરવાજા બેસાડવામાં આવશે. જો આવી જ ગિરદી રહી તો નૉન-AC લોકલના દરવાજા પણ બંધ નહીં થાય અને દરેક લોકલ પીક અવર્સમાં મોડી જ પડશે. રેલવે એના કરતાં નૉર્મલ લોકલની સંખ્યા વધારે કે પછી ૧૨ ડબ્બાની જગ્યાએ ૧૫ ડબ્બાની લોકલ કરે એ વધુ પ્રૅક્ટિકલ સૉલ્યુશન રહેશે.’
ADVERTISEMENT
હવે રેલવે બોર્ડ આના પર શું ઍક્શન લે છે એ જોવું રહ્યું.
હાર્બર લાઇનમાં નેરુળ ખાતે ટેક્નિકલ ફૉલ્ટને કારણે ટ્રેનો મોડી પડી
હાર્બર લાઇનમાં ગઈ કાલે સવારે ૮.૦૩ વાગ્યે પીક અવર્સમાં નેરુળ પાસે ટ્રૅક ચેન્જ પૉઇન્ટમાં ટેક્નિકલ ખામી આવતાં પોણો કલાક સુધી ટ્રેનો અટકી પડી હતી. તરત જ મેઇન્ટેનન્સ સ્ટાફને અલર્ટ કરાયો હતો અને તેમણે સ્પૉટ પર જઈ ફૉલ્ટ શોધી કાઢીને એનું સમારકામ કર્યું હતું, જે લગભગ પોણો કલાક ચાલ્યું હતું. એ પછી રાબેતા મુજબ ટ્રેનો દોડી શકી હતી. જોકે આ દરમ્યાન ટ્રેનો મોડી પડતાં હજારો લોકોએ હાડમારી ભોગવવી પડી હતી.

