મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગને ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે
મીરા-ભાઈંદરમાં એક કલાકમાં બે બિલ્ડિંગના ભાગ ધરાશાયી થયા હતા.
મીરા-ભાઈંદરમાં ગઈ કાલે સવારે એક કલાકમાં બે જગ્યાએ બિલ્ડિંગના ભાગ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા બચાવ-કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મીરા-ભાઈંદરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. બુધવારે સવારે સાડાદસ વાગ્યાની આસપાસ મીરા રોડના RNA બ્રૉડવેમાં આવેલા બિલ્ડિંગ-નંબર ૧૭ના પહેલા માળના હૉલનો ભાગ ફર્નિચર સાથે ગ્રાઉન્ડ ફ્લોર પરના ઘરમાં તૂટી પડ્યો હતો. જોકે એ વખતે નીચે કોઈ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. આ બનાવ વખતે બન્ને ઘરના લોકો કિચનમાં અને અંદરની રૂમમાં હતા. જોકે આ બનાવને કારણે અન્ય વસ્તુઓને ભારે નુકસાન થયું હતું. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ફાયર-બ્રિગેડે ઘટનાસ્થળે આવીને બચાવ-કામગીરી શરૂ કરી હતી. આ બિલ્ડિંગ વીસ વર્ષ જૂનું છે અને સ્ટ્રક્ચરલ ઑડિટનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે. બીજી ઘટના ભાઈંદરના બલરામ પાટીલ રોડ વિસ્તારમાં બની હતી. એમાં સત્તર વર્ષ પહેલાં બનેલા બે માળના બિલ્ડિંગમાં આવેલી કમર્શિયલ દુકાનનો બાજુનો ભાગ ગઈ કાલે સવારે અગિયાર વાગ્યાની આસપાસ રોડ પર તૂટી પડ્યો હતો. એમાં એક રિક્ષા-ડ્રાઇવર અને અન્ય વ્યક્તિ જખમી થયાં હતાં. આ વિશે ફાયર-ઑફિસર પ્રકાશ બોરાડેએ માહિતી આપી હતી કે બન્નેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગને ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


