જામીન પર છૂટેલા મર્ડરરનો આતંક
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પનવેલમાં કોઈ થ્રિલર ફિલ્મને પણ પાછળ છોડી દે એવી ચકચારી ઘટના બની હતી. ૩૫ વર્ષના પુરુષે દાંતરડા અને કુહાડીની ધાકે પોતાના પરિવારજનોને ૮ કલાક સુધી બાનમાં રાખ્યા હતા. તેનાં મમ્મી-પપ્પા, ભાઈ અને બાળકોને કલાકો સુધી બાનમાં રાખ્યા બાદ તેને પકડવા આવેલી પોલીસના ચાર જવાનો પર પણ તેણે હુમલો કર્યો હતો. આખરે ૮ કલાક બાદ આ વિકૃત મગજના આરોપીને પોલીસે પકડીને તેના પરિવારજનોને છોડાવ્યા હતા.
પનવેલમાં મંગળા નિવાસમાં રહેતો સોબન માહતો નામનો હત્યાનો અપરાધી જામીન પર છૂટીને ઘરે આવ્યો હતો. બુધવારે રાતે ૮.૩૦ વાગ્યે તે ઘરનો દરવાજો તોડીને અંદર ઘૂસ્યો હતો. ત્યાર બાદ તેણે પોતાનાં મમ્મી-પપ્પા, ભાઈ, બે ભત્રીજા અને ભત્રીજીને રૂમમાં પૂરી દીધાં હતાં. ભત્રીજીના ગાલ પર દાંતરડું રાખીને પરિવારજનોને રૂમમાં ધકેલી દીધાં હતાં. પ્રૉપર્ટીના ઝઘડાને કારણે આરોપીએ આખા પરિવારને બાનમાં લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ જ્યારે પરિવારજનોને છોડાવવા આવી ત્યારે ઝપાઝપીમાં આરોપીએ દાંતરડાથી ચાર પોલીસ-કર્મચારીઓ પર હુમલો કરીને તેમને લોહીલુહાણ કરી દીધા હતા. છેવટે પોલીસે આરોપીને પકડી લેતાં આખા ડ્રામાનો અંત આવ્યો હતો.


