મુંબઈ-અમદાવાદ હાઇવે પર ડિવાઇડર સાથે અથડાઈને કાર પલટી ગઈ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર પાલઘર નજીક બુધવારે મધરાતે મુંબઈથી ગુજરાત તરફ જઈ રહેલી એક કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. થોડી વાર પછી કારમાં અચાનક ભડકો થયો હતો અને આગ લાગી હતી. સદ્ભાગ્યે કારમાં બેઠેલી ત્રણેય વ્યક્તિ આગમાં સપડાય એ પહેલાં જ હેમખેમ બહાર કાઢી લેવામાં આવતાં જાનહાનિ ટળી હતી.
પોલીસે આપેલી માહિતી મુજબ મંગળવારે રાતે ૧૨ વાગ્યે કાર-ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. અકસ્માતને કારણે કારના દરવાજા લૉક થઈ ગયા હતા અને પ્રવાસીઓ અંદર ફસાઈ ગયા હતા. હાઇવે પર ઊભેલા બે ટ્રક-ડ્રાઇવરોની મદદથી પોલીસે કારમાં ફસાયેલા ત્રણેય મુસાફરોને બહાર કાઢ્યા હતા. જે ક્ષણે મુસાફરો બહાર નીકળ્યા એની ગણતરીની મિનિટોમાં જ એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને જોતજોતાંમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી.
ADVERTISEMENT
ફાયર-ફાઇટરોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી ભીષણ હતી કે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
આ ઘટનાને કારણે મુંબઈ-અમદાવાદ હાઇવે પર એક કલાકથી વધુ સમય સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો, જેને બાદમાં પોલીસે સામાન્ય કરાવ્યો હતો.
