Palghar Crime: પાલઘરના એક બંધ ફ્લેટમાં 30 વર્ષીય મહિલા મૃત હાલતમાં મળી આવી હતી; મહિલાનો પતિ ફરાર હોવાથી તેના પર પોલીસને શંકા; અકસ્માતે મોતનો ગુનો નોંધીને પોલીસ તપાસ ચાલુ; હજી પોલીસ પોસ્ટમોર્ટમના તારણોની રાહ જોઈ રહી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પાલઘર (Palghar)માં એક બંધ મકાનની અંદરથી ૩૦ વર્ષીય મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલા સાથે વારંવાર સંપર્ક કરવાના નિષ્ફળ પ્રયાસો બાદ પરિવારજનોની ચિંતા વધતાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો (Palghar Crime) હતો. ઘટના બાદથી જ મૃતક મહિલાનો પતિ ગુમ છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
પાલઘર શહેરના ઘોડેલા ગાર્ડન (Ghodela Garden) ખાતે આવેલા એક ભાડાના એપાર્ટમેન્ટમાંથી ૩૦ વર્ષીય મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મહિલાના ભાઈ દ્વારા કરવામાં આવેલા ઈમરજન્સી કોલ બાદ પોલીસે (Mumbai Police) ફ્લેટનો મુખ્ય દરવાજો તોડીને મૃતદેહ કબ્જે કર્યો હતો. સત્તાવાળાઓને શંકા છે કે હાલ ફરાર રહેલા પતિએ જ મહિલાની હત્યા કરી છે.
ADVERTISEMENT
મહિલાએ ફોન ન ઉપાડતાં આઘટના પ્રકાશમાં આવી
મૃતક મહિલાની ઓળખ પૂજા મિશ્રા તરીકે થઈ છે, જે એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી અને છેલ્લા બે વર્ષથી તેના પતિ ચંદન મિશ્રા સાથે આ ભાડાના મકાનમાં રહેતી હતી. તેના ભાઈ પ્રદીપ કુમાર મિશ્રાના જણાવ્યા અનુસાર, તે ૨૨ ઓગસ્ટના રોજ રાત્રે આશરે ૮:૦૦ વાગ્યાથી તેની બહેનને મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. શરૂઆતના પ્રયાસો બાદ તેનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો.
બે દિવસ સુધી સતત કોઈ સંપર્ક ન થતાં કંઈક અણબનાવ બન્યો હોવાની શંકા જતાં પ્રદીપ ૨૪ ઓગસ્ટે સુરતથી પાલઘર આવ્યો હતો. બહેનના ઘરે પહોંચતાં જ તેણે મુખ્ય દરવાજો બહારથી બંધ જોયો અને ઘરની અંદરથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાનું અનુભવ્યું હતું. પરિસ્થિતિ શંકાસ્પદ જણાતાં તેણે તાત્કાલિક ઈમરજન્સી રિસ્પોન્સ નંબર ૧૧૨ પર કૉલ કરીને સત્તાવાળાઓને જાણ કરી હતી.
પોલીસે દરવાજો તોડી ઘટનાસ્થળની તપાસ કરી
ઈમરજન્સી કોલનો પ્રતિસાદ આપતાં પોલીસ કર્મચારી પ્રવીણ પાટીલ અને રાજેશ વાયઝાડે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને એપાર્ટમેન્ટમાં પ્રવેશવા માટે તાળું તોડી નાખ્યું હતું. બેડરૂમની અંદર અધિકારીઓને ચાદરથી ઢાંકેલા પલંગ પર પૂજાનો અત્યંત કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાથમિક પોલીસ નોંધ અનુસાર, મહિલા પીળા રંગના પંજાબી સૂટમાં હતી. તપાસમાં તેના નાક અને મોંમાંથી રક્તસ્રાવ થવાના ચિહ્નો તેમજ ચહેરા અને હાથ પર વિકૃતિ જોવા મળી હતી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પાલઘર રૂરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ભાઈએ ફરાર પતિ સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો
મૃતકના ભાઈ પ્રદીપ કુમાર મિશ્રાએ ગંભીર શંકા વ્યક્ત કરી છે કે ઘરેલુ અણબનાવ બાદ તેની બહેનની તેના પતિ દ્વારા જ હત્યા કરવામાં આવી છે. તેણે અધિકારીઓને જણાવ્યું હતું કે દંપતીના લગ્નને છ વર્ષ થયા હતા અને એવો આરોપ લગાવ્યો હતો કે ચંદન દારૂનો આદુ ર્હતો અને અવારનવાર પૂજા સાથે શારીરિક મારપીટ કરતો હતો.
પાલઘર પોલીસે પ્રાથમિક વહીવટી રેકોર્ડ માટે અકસ્માતે મોતનો ગુનો (ADR) નોંધીને મૃત્યુના સંજોગોની સક્રિય તપાસ શરૂ કરી છે. કાયદા અમલીકરણ અધિકારીઓએ ઘટનાસ્થળનું પંચનામું પૂર્ણ કરી સગા-સંબંધીઓના નિવેદનો નોંધ્યા છે. તપાસકર્તાઓ સત્તાવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે ત્યારે ફરાર ચંદન મિશ્રાને શોધી કાઢવા માટે ચક્રગતિમાન કર્યા છે.
