કાશ્મીરમાં પ્રવાસ અર્થે ગયેલા ટૂરિસ્ટોનાં સગાંસંબંધીઓ ભારે ચિંતામાં છે, પણ ચિંતા ત્યારે વધારે વ્યગ્ર બની જાય જ્યારે ઘરના સિનિયર સિટિઝન એ જ એરિયાની નજીક હોય જ્યાં આતંકવાદી ઘટના બની હોય.
પ્રવીણ દેઢિયા અને લાયન્સ ક્લબ માંડવી
કાશ્મીરમાં પ્રવાસ અર્થે ગયેલા ટૂરિસ્ટોનાં સગાંસંબંધીઓ ભારે ચિંતામાં છે, પણ ચિંતા ત્યારે વધારે વ્યગ્ર બની જાય જ્યારે ઘરના સિનિયર સિટિઝન એ જ એરિયાની નજીક હોય જ્યાં આતંકવાદી ઘટના બની હોય. ભાયખલામાં રહેતા અને મસ્જિદ બંદરમાં અનાજની દુકાન ધરાવતા પ્રવીણચંદ્ર ઠાકરશી દેઢિયા લાયન્સ ક્લબ માંડવી ઈસ્ટના ૨૭ સભ્યો સાથે પહલગામમાં જ છે અને મોટા ભાગના તમામ લોકો સિનિયર સિટિઝન જ છે. સાવચેતીના ભાગરૂપે તેઓ પોતાની રૂમોમાં જ બેસી રહ્યા છે.
ઘરના લોકો ચિંતા કરે છે
પહલગામના ઘટનાસ્થળેથી પાંચ કિલોમીટર દૂર જ આવેલી એક હોટેલમાં રોકાયેલા પ્રવીણ દેઢિયા કહે છે, ‘અમે મંગળવાર બપોર પછીથી હોટેલમાં જ છીએ. રૂમની બહાર પણ નીકળ્યા નથી. અમે મોટા ભાગના સિનિયર સિટિઝનો હોવાથી ઘરના લોકો ખૂબ ચિંતા કરી રહ્યા છે. જોકે અત્યારે અહીં સ્થિતિ કન્ટ્રોલમાં છે. ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત છે અને અહીંના લોકલ લોકો પણ અમને ખૂબ સહકાર આપી રહ્યા છે. ગુરુવારે સવારે અમે અહીંથી નીકળવાના છીએ. એ માટે અમે પોલીસ-સુરક્ષા પણ માગવાના છીએ. બાકી અત્યારે તો અહીં બધું બંધ જ છે. માત્ર ટૂરિસ્ટ લોકોની એકલદોકલ ગાડીઓ આવતી-જતી જોવા મળે છે અને લોકલ લોકોના નાના-નાના મોરચા નીકળી રહ્યા છે. હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈના નારા લગાવી રહ્યા છે લોકો.’
મંગળવારે અમે પહલગામની એ જ જગ્યાએ જવાના હતા, પણ...
પ્રવીણ દેઢિયાએ જણાવ્યું હતું કે ‘અમે લાયન્સ ક્લબમાં પિકનિક દરમ્યાન વર્ષોથી એક સુંદર પરંપરાનું પાલન કરીએ છીએ. દરેક સ્થળે સવારે હોટેલમાંથી નીકળતાં પહેલાં પ્રથમ નવકાર મંત્રનું પઠન કરીએ છીએ. ત્યાર બાદ રાષ્ટ્રગીત ગાઈને અંતે માંગલિક સાંભળીએ છીએ. કદાચ એને લીધે જ અમે મંગળવારે બચી ગયા હતા. અમે એ જ વૅલીમાં જવાનો પ્લાન કર્યો હતો, પરંતુ અણીના સમયે અમે એને બદલે બીજી જગ્યાએ જવાનું નક્કી કર્યું અને અમે બચી ગયા. આ ઘટના બની ત્યારે અમે હોટેલમાંથી જમીને બહાર જ આવ્યા હતા ત્યારે અમે જોયું કે બધા ફટાફટ બધું બંધ કરી રહ્યા હતા. અમે પૂછ્યું શું થયું તો તેમણે કહ્યું કે સાહેબ, તમે લોકો જલદીથી તમારી હોટેલમાં જતા રહો, અહીં વીવીઆઇપી લોકો આવી રહ્યા છે એટલે બધું બંધ કરાવે છે. જોકે અમને થોડું અજુગતું લાગ્યું અને અમે હોટેલ જવા માટે રવાના થઈ ગયા. રસ્તામાં અફડાતફડીનો માહોલ હતો ત્યારે ખબર પડી કે અહીં નજીકમાં આતંકવાદી ઘટના બની છે. જોકે ભગવાનનો આભાર કે અમે બચી ગયા.’


