કોઈ અંગત લાભ લેવા માટે આ પગલું ભર્યું કે કેમ એ ચકાસવામાં આવશે
૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિર
વિલે પાર્લે-ઈસ્ટમાં કાંબળીવાડીમાં આવેલા ૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૧૬ એપ્રિલે તોડી પાડ્યું હતું. જૈન મંદિર કાયદેસરનું હોવા છતાં એ તોડી પાડવામાં આવ્યું હોવાથી જૈનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેમણે ગયા શનિવારે પ્રચંડ રૅલી કાઢીને જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. જૈન મંદિરના ટ્રસ્ટીઓએ BMCની કાર્યવાહી સામે મહારાષ્ટ્ર માઇનૉરિટી કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી. જૈન મંદિરની બાજુમાં આવેલી હોટેલમાં ગેરકાયદે બાંધકામ અને પ્રવૃત્તિ સામે અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ અને આ જ હોટેલના માલિક સાથે BMCના અધિકારીએ સાઠગાંઠ કરીને મંદિર પર કાર્યવાહી કરી એવો આરોપ ટ્રસ્ટીઓએ કર્યો હતો.
જૈન મંદિરના ટ્રસ્ટીઓની વાત સાંભળ્યા બાદ માઇનૉરિટી કમિશને મહારાષ્ટ્ર પોલીસના ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)ને તપાસ કરવાનો ગુરુવારે થયેલી સુનાવણીમાં આદેશ આપ્યો હતો. આ વિશે ૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરના ટ્રસ્ટી અનિલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ પણ કાર્યવાહી કરતાં પહેલાં સંબંધિતોને નોટિસ મોકલવામાં આવે છે, પ્રોટેક્શન માટે પોલીસને લેખિતમાં જાણ કરવામાં આવે છે. અમારા કેસમાં સવારના સાડાઆઠ વાગ્યે BMCની ટીમ અચાનક તોડકામ કરવા આવી પહોંચી હતી. આથી કાર્યવાહીનો આદેશ આપનારા અધિકારીએ કોઈ અંગત લાભ મેળવવા માટે આ પગલું ભર્યું હોવાની શંકા જાય છે. આથી અમે આ મામલાની ACB દ્વારા તપાસ કરવાની માગણી કરી હતી, જે માન્ય રાખવામાં આવી છે.’

