સરકારે કાંદા પર લાદેલી ૪૦ ટકા એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં નાશિક માર્કેટ બંધ હોવાથી એક્સપોર્ટરોએ મુંબઈની માર્કેટમાંથી કાંદાની ખરીદી શરૂ કરી હોવાથી વાશીની કાંદાબજારમાં ભાવમાં ઉછાળો આવ્યો છે એટલે રીટેલમાં ભાવ વધવાની શક્યતા છે
ફાઇલ તસવીર
નાશિકની ૧૫ એપીએમસી માર્કેટે સરકારે કાંદા પર લાદેલી ૪૦ ટકા એક્સાઇઝ ડ્યુટી પાછી ન ખેંચાય ત્યાં સુધી બધી જ માર્કેટ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય પણ આ માર્કેટના વેપારીઓની અનેક માગણી છે, જેના માટે તેમણે મંગળવારે મુંબઈમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારની અધ્યક્ષતા હેઠળ અને ત્યાર પછી દિલ્હીમાં વ્યાપાર અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ સાથે મીટિંગ કરી હતી. જોકે આ મીટિંગમાં કોઈ સકારાત્મક નિર્ણય આવ્યો નહોતો. આથી ના શિકની બધી જ માર્કેટો આવતી કાલ સુધી બંધ રહેવાની છે. આવતી કાલે વેપારીઓ ફરીથી મિનિસ્ટરો સાથે મીટિંગ કરવાના છે. ત્યાર પછી આગળનો નિર્ણય આ વેપારીઓ સોમવારે લેશે. આ દરમ્યાન નાશિક માર્કેટ બંધ હોવાથી જે એક્સપોર્ટરો હજી પણ કાંદાની નિકાસ કરી રહ્યા છે તેમણે મુંબઈની માર્કેટમાંથી કાંદાની ખરીદી શરૂ કરી છે, જેને કારણે નવી મુંબઈમાં વાશીની કાંદાબજારમાં ભાવમાં ઉછાળો આવ્યો છે. એની સાથે રીટેલમાં પણ ભાવમાં ભડકો થવાની પૂરી સંભાવના રહેલી છે.
વાશીની કાંદાબજારના કાંદાના વેપારીઓએ આ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા શુક્રવાર સુધી હોલસેલમાં કાંદાના ભાવ ૧૮થી ૨૦ રૂપિયે કિલો હતા. જોકે નાશિકમાં માર્કેટો બંધ થતાં મુંબઈમાં ખરીદીમાં વધારો થયો છે. અત્યારે મુંબઈમાં હોલસેલમાં કાંદાના ભાવ ૨૨થી ૨૭ રૂપિયા ચાલી રહ્યા છે, જે હજી વધવાની શક્યતા રહેલી છે. રીટેલમાં કાંદાના ભાવ કિલોના ૩૫થી ૪૦ રૂપિયા થવાની પૂરી શક્યતા છે. મુંબઈમાં કાંદા નાશિક અને લાસલગાંવથી ઓછા આવે છે. અહીં વધારે માલ અહમદનગર, સંગમનેર અને પુણેથી આવે છે. નાશિક અને લાસલગાંવથી માલ અન્ય રાજ્યોમાં જાય છે. ના શિક અને લાસલગાંવમાં માર્કેટ બંધ હોવાથી પહેલાં જે નિકાસકારો આ બન્ને જગ્યાએથી માલની ખરીદી કરતા હતા તેઓ હવે નવી મુંબઈમાં માલ ખરીદવા આવી રહ્યા છે. આથી મુંબઈની બજારોમાં ભાવમાં ઉછાળો આવ્યો છે, જેની અસર મુંબઈના રીટેલ ગ્રાહકો પર પણ પડશે. જો સરકાર કોઈ કારણસર પીછેહઠ કરીને ડ્યુટીમાં રાહત આપશે તો એની અસર પણ કાંદાના ભાવ પર થશે.’


