૩૪ ટકા બસોમાં બ્રેક અને સ્ટીઅરિંગ વ્હીલમાં પ્રોબ્લેમ, છતાં દોડે છે રસ્તાઓ પર
BEST બસ
હાલમાં જ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસોના વારંવારના અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી હોવાની વચ્ચે એક ચિંતાજનક અહેવાલ બહાર આવ્યો છે. BESTની વેટ લીઝની એટલે કે કૉન્ટ્રૅક્ટ પરની ૩૪ ટકા બસોમાં બ્રેક અને સ્ટીઅરિંગ વ્હીલમાં ખામીઓ હોવાનું જણાયું હતું. હાલ ૩૦ ટકા બસોને જ રિપેરિંગમાં મોકલાવીને અેને ફરી સર્વિસમાં સામેલ કરાઈ છે, જ્યારે બાકીની ૪ ટકા બસોને હજી ચકાસવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલા BESTના રિપોર્ટમાં જણાવાયા અનુસાર એપ્રિલથી જુલાઈ મહિનામાં કુલ ૨૫૫૩ વેટ લીઝ બસોમાં બ્રેક અને સ્ટીઅરિંગની ચકાસણી કરાઈ હતી જેમાંથી ૧૬૮૪ બસોમાં કોઈ પણ પ્રકારની ખામી જણાઈ નહોતી. જોકે ગંભીર પ્રકારની ગણાય એવી ખામીઓ ૮૬૮ બસોમાં જણાઈ હતી. જોકે આમાંથી હવે ૯૪ બસોનું રિપેરિંગ બાકી હોવાનું BESTના રિપોર્ટમાં જણાવાયું હતું.
કૉન્ટ્રૅક્ટ પરની નહીં, પોતાની જ બસો દોડાવવાની BESTની તૈયારી ઃ ૬૫૦૦ કરોડ રૂપિયાના ભંડોળની આશા
BEST દ્વારા હવે વેટ લીઝ બસો પર આધાર રાખવાને બદલે પોતાની જ ૫૦૦૦ ઇલેક્ટ્રિક બસોનો કાફલો ઊભો કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. અેમાં પણ મોટા ભાગે ઇલેક્ટ્રિક બસોને સામેલ કરવાની તૈયારી થઈ રહી છે. મુંબઈની વધતી જતી વસ્તીને જોતાં બેથી ત્રણ વર્ષમાં BESTના કાફલામાં ઇલેક્ટ્રિક બસો સહિત કુલ ૧૦,૦૦૦ જેટલી બસોનો વધારો કરવાની યોજના છે. જોકે એ માટે કુલ ૬૫૦૦ કરોડ રૂપિયાના ભંડોળની જરૂર પડશે. BESTની આગામી મીટિંગમાં આ પ્રોજેક્ટ વિશે વાતચીત કરાશે. સરકારી સહાયતાથી આ પ્રોજેક્ટ શક્ય બની શકે એમ છે. જોકે છતાં પોતે પણ BEST દ્વારા પોતાના સ્ત્રોત ઊભા કરી ભંડોળ ભેગું કરવાના પ્રયત્નો કરાશે.
૨૦૧૯થી BESTમાં ડ્રાઇવરોની ભરતી પણ બંધ છે. નવી બસો માટે પોતાના જ ડ્રાઇવરોની નવી ભરતી કરવાની વિચારણા પણ BEST પ્રશાસન દ્વારા કરવામાં આવશે.
બોક્સ: તાજેતરના અકસ્માતો માટે ડ્રાઇવરો જ જવાબદાર હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ
મંગળવારે BEST કમિટીની યોજાયેલી બેઠકમાં માનખુર્દ, દાદર અને અંધેરીમાં BESTની બસો દ્વારા થયેલા અકસ્માતની ઘટના વિશે કરવામાં આવેલી ચર્ચા દરમ્યાન જણાવાયું હતું કે પ્રાથમિક તપાસમાં બધી જ ઘટનાઓમાં ડ્રાઇવરોની ભૂલ હોવાનું જણાયું હતું. બસમાં કોઈ પણ પ્રકારની ખામી ન હોવાનું આંતરિક તપાસમાં જાણવા મળ્યું હતું.
સોમવારે માનખુર્દમાં થયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં બસમાં કોઈ ટેક્નિકલ ખામી ન હોવાનું BESTએ જણાવ્યું હતું.
