પુષ્પગુચ્છ સાથે કાર્ડ પર વિદ્યાર્થીઓએ પોતાની તકલીફો પણ લખી
ટ્રસ્ટીના ઘરની બહાર પુષ્પગુચ્છ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઘટતા મુંબઈમાં કેટલીક સ્વાયત્ત કૉલેજોએ ઓફલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે, પરંતુ મુંબઈ યુનિવર્સિટીએ અંતિમ વર્ષની પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય કરતાં વિદ્યાર્થીઓ સ્વાયત્ત કૉલેજના આ નિર્ણયનો પ્રખર વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ સમાન પદ્ધતિથી પરીક્ષા લેવાની માગણી કરી રહ્યા છે.
જોકે, મીઠીબાઈ (Mithibai College) અને એનએમ (NM College) જેવી જાણીતી કૉલેજોએ પોતાનો નિર્ણય મક્કમ રાખતા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા અને આઝાદ મેદાનમાં પ્રદર્શન કર્યું હતું. હવે આ મામલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની યુવા પાંખ પણ વિદ્યાર્થીઓની પડખે આવી છે. આજે વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓએ મનસે સાથે મળી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સેંકડો પુષ્પગુચ્છ કૉલેજના ટ્રસ્ટી અમ્રિશ પટેલના ઘરે મોકલ્યા હતા. પુષ્પગુચ્છ સાથે કાર્ડ પર વિદ્યાર્થીઓએ પોતાની તકલીફો પણ લખી હતી અને “#GetWellSoon” લખ્યું હતું.
ADVERTISEMENT
આ સંદર્ભે વાત કરતાં મનસેના યુવા પાંખના ઉપાધ્યક્ષ અખિલ ચિત્રે (Akhil Chitre)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “અમે અગાઉ કૉલેજ મેનેજમેન્ટ સાથે પત્ર વ્યવહાર કર્યો હતો અને મળવાનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે અમને વાતચીત માટે સમય આપ્યો ન હતો. વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક આવી રહી છે. તેથી અમે આજનો રજાનો દિવસ વેડફવા માગતા ન હતા, માટે અમે આ ગાંધીજીનો માર્ગ અપનાવ્યો હતો અને તેમને ૫૦૦ જેટલા પુષ્પગુચ્છ મોકલ્યા હતા. જોકે, તેમણે થોડાક જ પુષ્પગુચ્છ સ્વીકાર્યા હતા, તેથી અમે બાકીના પુષ્પગુચ્છ નીચે મૂક્યા હતા.”
તેમણે ઉમેર્યું કે “કૉલેજોને શિક્ષણનું સ્તર વધારવા માટે તેમને સ્વાયત્તા આપવા આવે છે, પરંતુ કૉલેજો હવે જીદ કરી રહી છે. શિક્ષણના કેન્દ્રમાં વિદ્યાથીઓ હોવા જોઈએ અને મેનેજમેન્ટે વિદ્યાર્થીઓનો પક્ષ એક વખત સાંભળી અને ત્યાર બાદ આખરી નિર્ણય લેવો જોઈએ. અહીં સ્થિતિ એવી છે કે મેનેજમેન્ટ વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે વાતચીત માટે પણ તૈયાર નથી.”
તેમણે કહ્યું કે “અમે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ ઘરે જ રહી અને પરીક્ષા માટે અભ્યાસ કરે તેમના માટે અમે લડીશું. વિદ્યાર્થીઓએ ઓનલાઈન એપ્સ દ્વારા જ પુષ્પગુચ્છ મોકલ્યા હતા.”
દરમિયાન વિદ્યાર્થીઓ તરફથી પક્ષ મૂકતા શોભિત મિશ્રાએ જણાવ્યું કે “મુંબઈના લગભગ ૯૦ ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષાઓ આપવાના છે, જ્યારે ૧૦ ટકા વિદ્યાર્થીઓ જ ઓફલાઇન સબ્જેકટિવ પરીક્ષા આપશે. તેનાથી પરિણામ પર અસર થશે અને પોસ્ટ ગ્રેજ્યુએશન સમયે સારી સંસ્થાઓમાં એડમિશન મેળવવું આ વિદ્યાથીઓ માટે મુશ્કેલ બની જશે. અમારી માગણી માત્ર એટલી છે કે પરીક્ષા પદ્ધતિ દરેક વિદ્યાર્થી માટે સમાન હોવી જોઈએ.”
શોભિતે ઉમેર્યું કે “ઘણા વિદ્યાર્થીઓનું તો હજી પોર્શન પણ પૂરું થયું નથી અને પરીક્ષાઓ નજીક છે. ઉપરાંત બહાર ગામ રહેતા વિદ્યાર્થીઓ માટે આટલા ઓછા સમય માટે રહેવાની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ છે. અમે તેથી જ આ તમામ તકલીફો પુષ્પગુચ્છ સાથે અમારા મેનેજમેન્ટ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.”
આ પણ વાંચો: Offline Exam: કૉલેજ ઝુકેગા નહીં, સ્ટુડન્ટ પ્રોટેસ્ટ રુકેગા નહીં


