વિદ્યાર્થીઓના આ આક્રોષના પડઘા મુંબઈના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં પડ્યા હતા, જ્યાર બાદ મુંબઈ ડિવિઝનના ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત નિયામકે એક પત્ર લખી મુંબઈની તમામ સ્વાયત્ત કૉલેજોને અંતિમ વર્ષની પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવા જણાવ્યું છે
પ્રોટેસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓ
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થયા બાદ મુંબઈની કેટલીક સ્વાયત્ત કૉલેજોએ અંતિમ વર્ષની પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવાનો નિર્ણય લીધો હતો. જોકે, વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો આકારો વિરોધ કર્યો હતો. દરમિયાન મુંબઈ યુનિવર્સિટીએ અંતિમ વર્ષની પરીક્ષાઓ ઓનલાઈન લેવાનો નિર્ણય જાહેર કરતાં હવે આ વિરોધ વકર્યો છે. વિવિધ કૉલેજના વિદ્યાર્થીઓ એક મંચ પર આવી કૉલેજના આ નિર્ણય વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓના આ આક્રોષના પડઘા મુંબઈના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં પડ્યા હતા, જ્યાર બાદ મુંબઈ ડિવિઝનના ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત નિયામકે એક પત્ર લખી મુંબઈની તમામ સ્વાયત્ત કૉલેજોને અંતિમ વર્ષની પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવા જણાવ્યું છે, પરંતુ કાયદાકીય રીતે સ્વાયત્ત કૉલેજો પાસે વિદ્યાર્થીઓના પ્રદર્શનના આધારે મૂલ્યાંકન કરવા, પરીક્ષાઓ લેવા અને પરીક્ષાઓના પરિણામો જાહેર કરવાની પરવાનગી છે. તેથી મીઠીબાઈ અને એનએમ જેવી શહેરની જાણીતી કૉલેજો પોતાના ઓફલાઇન પરીક્ષા લેવાના નિર્ણય પર અડગ છે.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓના મુદ્દાને સમજવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. એનએમ કૉલેજમાં બીકોમના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી પાર્થ લાખાણીએ જણાવ્યું કે “કૉલેજ અમારી તુલના દસમા અને બારમા ધોરણના વિદ્યાથીઓ સાથે કરી રહી છે, જેઓ હાલમાં ઓફલાઇન પરીક્ષાઓ આપી રહ્યા છે, પરંતુ અમારી પરિસ્થિતિ એકદમ જુદી છે. અમારા મોટા ભાગના લેક્ચર્સ ઓનલાઈન થયા છે. ઉપરાંત ઓફલાઇન પરીક્ષા કૉલેજ સબ્જેકટિવ લેવા જઈ રહી છે, જે વિદ્યાર્થીઓ માટે વધુ ગંભીર મુદ્દો છે કારણ કે કોરોનાકાળ દરમિયાન અમે ઓબ્જેકટિવ ફોર્મેટમાં જ પરીક્ષા આપી છે.”
અન્ય એક એનએમ કૉલેજની વિદ્યાર્થિનીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે “અન્ય કૉલેજો અને યુનિવર્સિટી જ્યારે ઓનલાઇન પરીક્ષા લઈ રહી છે. તેવામાં જો અમારી પરીક્ષા ઓફલાઇન લેવામાં આવશે તો તેની અસર ચોક્કસપણે વિદ્યાર્થીઓના પરિણામ પર પડશે અને પોસ્ટ ગ્રેજ્યુએશનના એડમિશન સમયે અમને આનું મોટું નુકસાન થશે. ઉપરાંત બહારગામ રહેતા વિદ્યાર્થીઓને આટલા ટૂંકાગાળા માટે રહેવાની જગ્યા શોધવામાં મુશ્કેલી પડી રહી છે.”
વિદ્યાર્થીઓનો મૂળ મુદ્દામાંનો એક રાઇટિંગ પ્રેક્ટિસનો પણ છે કારણ કે હાલ જે વિદ્યાર્થીઓ છટ્ઠા સેમિસ્ટરમાં છે તેમણે સેમિસ્ટર 3, 4 અને 5ની પરીક્ષાઓ ઓનલાઈન MCQ ફોર્મેટમાં આપી છે, જ્યારે કોરોનાની પહેલી લહેર અને તેને કારણે થયેલા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન બીજા સેમિસ્ટરની પરીક્ષા લેવામાં આવી ન હતી. વિદ્યાર્થીઓને પહેલા સેમિસ્ટરના માર્કસને આધારે બીજા સેમિસ્ટરના માર્કસ આપવામાં આવ્યા હતા. એટલે કે પહેલા સેમિસ્ટર સિવાય આ બેચના વિદ્યાર્થીઓએ ઓફલાઇન સબ્જેકટિવ પરીક્ષા આપી નથી.
આ મુદ્દે કૉલેજ મેનેજમેન્ટનો પક્ષ જાણવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સ્વાયત્ત કૉલેજોના પ્રિન્સિપાલનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ આ મુદ્દે તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રવાદી વિદ્યાર્થી કોંગ્રેસ (RVC)એ આજે સ્વાયત્ત કૉલેજોના વિદ્યાર્થીઓ સાથે આઝાદ મેદાન પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે આ વિદ્યાર્થીઓ સાથે પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પ્રોટેસ્ટ દરમિયાન તેઓ જવાબ આપી શક્યા ન હતા.


