બીજેપીમાં મોટા ઓબીસી નેતા ન હોવાથી એનસીપીના આ કૅબિનેટ પ્રધાનને પક્ષમાં લેવા માટેના પ્રયાસ થઈ રહ્યા હોવાની ચર્ચા
ઓબીસી નેતા છગન ભુજબળ
મરાઠા આરક્ષણ બાબતે અવાજ ઉઠાવી રહેલા એનસીપીના કૅબિનેટ પ્રધાન અને ઓબીસી નેતા છગન ભુજબળ બીજેપીમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે. મહારાષ્ટ્ર બીજેપી ઓબીસી મતને સાધીને જ રાજ્યમાં એક નંબરનો રાજકીય પક્ષ બન્યો છે એટલે છગન ભુજબળને બીજેપીમાં સામેલ કરાવીને સ્થિતિ વધુ મજબૂત કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું કહેવાય છે. જોકે બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને ખુદ છગન ભુજબળે આ ચર્ચાને ફગાવી દીધી છે.
આ વર્ષે લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ૨૦૧૪ અને ૨૦૧૯ની જેમ બીજેપીએ ફરી એક વખત ઓબીસી મતને પોતાના તરફ કરવાની તૈયારી શરૂ કરી છે. માધવ ફૉર્મ્યુલા એટલે કે માળી, ધનગર અને વણઝારી જેવા ઓબીસી સમાજને પોતાની સાથે લાવવાના પ્રયાસ બીજેપીના સૌથી મોટા ઓબીસી નેતા ગોપીનાથ મુંડેએ ૨૦૧૨માં શરૂ કર્યા હતા, જેનો લાભ ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને થયો હતો અને રાજ્યમાં પહેલી વખત પોતાના મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસની સરકાર બની હતી.
ADVERTISEMENT
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ રાજ્ય સરકારે ઓબીસી સમાજને ફરી પોતાના તરફ રાખવા માટે અહમદનગરનું નામ અહિલ્યાનગર કરવામાં આવ્યું છે. અહિલ્યાબાઈ હોળકર ધનગર સમાજનાં સમાજસુધારક હતાં. આથી બીજેપી દ્વારા આ સમાજના મતદારોને ખુશ કરવા માટેના પ્રયાસ ફરીથી શરૂ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
મનોજ જરાંગે-પાટીલની મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ સમાજને કુણબી પ્રમાણપત્ર આપવાની શરૂઆત કરી છે એનાથી ઓબીસી સમાજમાં અસંતોષ ઊભો થયો છે. આ અંસતોષ આ જ સમાજના છગન ભુજબળ જાહેરમાં વ્યક્ત કરી રહ્યા છે. બીજેપી પાસે આજે ગોપીનાથ મુંડેની કક્ષાના કોઈ ઓબીસી નેતા નથી એટલે છગન ભુજબળને બીજેપીમાં પ્રવેશ કરાવવાનો તખતો તૈયાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
જોકે સામાજિક કાર્યકર અને છગન ભુજબળ પર ભ્રષ્ટાચાર સહિતના આરોપ કરનારી અંજલિ દમણિયાએ ‘છગન ભુજબળ બીજેપીના રસ્તે? એક સમયે ભુજબળના ભ્રષ્ટાચાર સામે જનહિતની અરજી કરનારી બીજેપી હવે તેમને મોટા ઓબીસી નેતા બનાવશે?’ એવી એક્સ પર પોસ્ટ કરીને પેપર ફોડી નાખ્યું હોવાનું કહેવાય છે.
બીજેપીના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અમારા પક્ષનો નિર્ણય અમે લઈએ છીએ, અંજલિ દમણિયા નથી લેતાં. નજીકના સમયમાં અંજલિ દમણિયા સુપ્રિયા સુળેના સંપર્કમાં વધુ રહે છે. આથી તે આવી પોસ્ટ કરતાં હશે, પણ છગન ભુજબળ તેમના પક્ષમાં અને અમે અમારા પક્ષમાં છીએ.’
અંજલિ દમણિયાની પોસ્ટ વિશે છગન ભુજબળે કહ્યું હતું કે ‘તેમને મારા વિશેની માહિતી કેવી રીતે મળી એ મને ખબર નથી. મને કોઈ પણ પદ મેળવવાની લાલચ નથી. છેલ્લાં અનેક વર્ષોથી હું ઓબીસી માટે કામ કરું છું. મને હવે નવું કે વધુ જોઈએ છે એવું નથી અને આવી કોઈ પ્રપોઝલ પણ મને આવી નથી. મારા વિરોધમાં અજિત પવાર સહિતના અમારા નેતાઓએ પણ કંઈ કહ્યું નથી. હું કૅબિનેટ પ્રધાન છું.’
કૉન્ગ્રેસના પિતા-પુત્ર એનસીપીમાં જોડાશે?
બાંદરા-પૂર્વના કૉન્ગ્રેસના વિધાનસભ્ય ઝિશાન સિદ્દીકી અને તેમના ભૂતપૂર્વ રાજ્યપ્રધાન બાબા સિદ્દીકીએ તાજેતરમાં નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારની મુલાકાત લેતાં તેઓ કૉન્ગ્રેસ છોડીને એનસીપીમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચા ગઈ કાલે શરૂ થઈ હતી.
મહારાષ્ટ્રના સૌથી નાની ૩૧ વર્ષની ઉંમરના વિધાનસભ્ય ઝિશાન સિદ્દીકીએ કહ્યું હતું કે ‘અમારા અજિત પવાર સાથે પારિવારિક સંબંધ છે એટલે અમે તેમને મળવા ગયા હતા. હું તેમના પુત્ર સમાન છું. હું અન્યાયનો સામનો કરી રહ્યો હતો ત્યારે તેમણે જ મને સહયોગ કર્યો હતો. તેઓ કાયમ મારા જેવા યુવાનોને સપોર્ટ કરે છે. મોડી રાત સુધી કામ કર્યા બાદ પણ તેઓ સવારના વહેલું કામકાજ શરૂ દે છે. અમારી મુલાકાતનો કોઈ રાજકીય અર્થ ન કાઢવો જોઈએ. હું કે મારા પિતા કૉન્ગ્રેસમાં જ છીએ અને કૉન્ગ્રેસમાં જ રહીશું.’
મુખ્ય પ્રધાનની આંખની સર્જરી કરવામાં આવી
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આંખની તકલીફ હોવાથી આંખના ડૉક્ટરે તેમનું નિદાન કર્યા બાદ સર્જરી કરાવવાની સલાહ આપી હતી. આથી ગઈ કાલે તેમની આંખની લેઝર સર્જરી કરવામાં આવી હતી. સવારના નવ વાગ્યે આ સર્જરી કરાયા બાદ ડૉક્ટરોએ તેમને ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી હતી એટલે તેમણે ઘરમાંથી કામકાજ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

