Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મનસુખ હિરણને મેં ક્યારેય જોયો નથી: ધનંજય ગાવડે

મનસુખ હિરણને મેં ક્યારેય જોયો નથી: ધનંજય ગાવડે

10 March, 2021 08:43 AM IST | Mumbai
Preeti Khuman Thakur

મનસુખ હિરણને મેં ક્યારેય જોયો નથી: ધનંજય ગાવડે

ધનંજય ગાવડે

ધનંજય ગાવડે


મનસુખ હિરણના મોબાઇલનું લાસ્ટ લોકેશન વિરાર (ઇસ્ટ)માં માંડવીની નજીક હોવાનું બહાર આવ્યા બાદ વિરોધ પક્ષે એવો આરોપ કર્યો હતો કે સચિન વઝે અને વસઈ-વિરાર મહાનગરપાલિકાના ભૂતપૂર્વ નગરસેવક ધનંજય ગાવડેની સાંઠગાંઠ હોવાથી આ કેસમાં તેની પણ તપાસ થવી જોઇએ કારણ કે મનસુખના મોબાઇલનું લાસ્ટ લોકેશન તેના વિસ્તારમાંથી મળ્યું હતું અને એક સમયે તેમના બન્ને પર ખંડણીનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.

જોકે, આ બાબતે શિવસેનાના ૪૫ વર્ષના ભૂતપૂર્વ નગરસેવક ધનંજય ગાવડેએ પોતાના બચાવમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું આત્મહત્યા કરનાર મનસુખ હિરણ સાથે કોઈ પણ પ્રકારના સંપર્કમાં નહોતો કે તેમને ક્યારેય જોયા પણ નહોતા. એપીઆઇ સચિન વઝેને પણ હું વ્યક્તિગતરૂપે જાણતો નથી. પોલીસ અધિકારી તરીકે તે એક જાણીતી વ્યક્તિ છે. હું વઝે અથવા મનસુખ હિરણ સાથેની કોઈ પણ સંડોવણીનો ઇનકાર કરું છું.’



વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દરેકરે જણાવ્યું હતું કે ‘મનસુખ હિરણનું છેલ્લું મોબાઇલ લોકેશન વિરાર (ઈસ્ટ)ના માંડવીની નજીક હતું. આ સંદર્ભે ધનંજય ગાવડેએ કહ્યું હતું કે ‘મારું ફાર્મ એ સ્થળેથી ૧૧ કિલોમીટર દૂર છે અને હું સાઈ-વનમાં રહું છું. વસઈમાં વઝેને હું એકલો જ ઓળખતો હતો? મને પણ માહિતી મળી છે કે મનસુખ હિરણનું મોબાઇલ લોકેશન તુંગારેશ્વર પક્ષી અભયારણ્ય નજીક હતું. મેં બે વર્ષ પહેલાં જ તુલિંજ ખાતેની મારી જૂની ઑફિસ બંધ કરી દીધી છે. તો પછી પ્રવીણ દરેકરે કેવી રીતે આવું કહી દીધું કે એ લોકેશન મારી ઑફિસની નજીક છે? પ્રવીણ દરેકરે આરોપ લગાવ્યો છે કે મેં હિરણ મુદ્દે વઝેને મદદ કરી છે, પરંતુ તેઓ પુરાવા બતાવે અને મારું નામ બદનામ ન કરે. એવું લાગે છે કે નાલાસોપારા અને વસઈમાં કોઈ હત્યા થાય તો મારું નામ કોઈ પુરાવા લીધા વગર ખેંચી લેવાય છે. વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે બોલ્યા કે ધનંજય ગાવડેના એરિયામાં હત્યા થઈ છે. તો મારો એરિયા કયો છે અને મને એટલો એરિયા ક્યારે આપ્યો છે? વઝેને મેં ફક્ત એક જ વખત વસઈ કોર્ટમાં જોયો હતો, પણ વઝે સાથે મારા કોઈ સંબંધ નથી. મનસુખ હિરણને મેં ક્યારેય જોયો નથી. આ બધાં કારણોને લીધે મારા વૃદ્ધ પેરન્ટ્સ અને પરિવારજનો પણ માનસિક વેદના વેઠી રહ્યા છે.’


ધનંજય ગાવડે કોણ છે?

ધનંજય ગાવડે શિવસેનાના ભૂતપૂર્વ ડેપ્યુટી લીડર હતા. ૨૦૧૫માં તેમણે નાલાસોપારા (ઈસ્ટ)ના ગુજરાતી-જૈન વસ્તીની બહુમતી ધરાવતા પરિસરમાંથી શિવસેના તરફથી ઉમેદવારી નોંધાવી હતી અને નગરસેવક તરીકે ચૂંટાઈને આવ્યા હતા. ભૂતકાળમાં તેમની સામે પાલઘર જિલ્લા પોલીસે ફક્ત ૧૨ દિવસમાં વિરાર અને તુલિંજ પોલીસ-સ્ટેશનમાં ૧૦ એફઆઇઆર પણ નોંધ્યા હતા. ૨૦૧૬ની ૧૫ ડિસેમ્બરે આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની સંયુક્ત ડ્રાઇવમાં ધનંજય ગાવડેની કારમાંથી જૂની અને નવી બન્ને નોટો એમ ૧.૧૧ કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે આ કેસને ડિસ્ચાર્જ કરીને ધનંજય ગાવડેને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2021 08:43 AM IST | Mumbai | Preeti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK