મેડિકલ રૂમ બ્લૉક હતો અને ઍમ્બ્યુલન્સ પણ હાજર નહોતી
મુંબ્રા સ્ટેશનનો મેડિકલ રૂમ બંધ પડ્યો હતો. તસવીર : રાજેન્દ્ર બી. અકલેકર
મુંબ્રા સ્ટેશન પર અકસ્માત સર્જાયો ત્યારે મેડિકલ રૂમ-કમ-દવાની દુકાનનાં શટર બંધ હતાં તેમ જ કચરાના ઢગલાને કારણે અંદર જવાનો રસ્તો જ નહોતો. સ્ટેશન પર ઍમ્બ્યુલન્સ સેવા માટે અપાયેલી જગ્યા પર ઍમ્બ્યુલન્સ નહોતી, આ જગ્યાનો ઉપયોગ અમૃત ભારતના કામકાજ માટે થઈ રહ્યો હતો. સોમવારે સવારે જ્યારે આ ઘટના ઘટી ત્યારે ઈજાગ્રસ્ત મુસાફરો માટે કોઈ જ જાતની ઇમર્જન્સી મેડિકલ સુવિધા ઉપલબ્ધ નહોતી.
નોંધનીય છે કે ૨૦૧૪ની ૨૮ ફેબ્રુઆરીએ બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારને આપેલા હુકમને પગલે દરેક સબર્બન રેલવે-સ્ટેશનની બહાર ઍમ્બ્યુલન્સ ઊભી રાખવી ફરજિયાત કરવામાં આવી હતી. પુણેની BVG ઇન્ડિયા લિમિટેડને સમગ્ર મહારાષ્ટ્રમાં ‘૧૦૮’ ઇમર્જન્સી સર્વિસ ચાલુ કરવાનું જણાવવામાં આવ્યું હતું. દરેક રેલવે-સ્ટેશન પર બધાં જ સાધનો ધરાવતી અને ડૉક્ટર હાજર હોય એવી ઍમ્બ્યુલન્સ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. મુંબ્રા સ્ટેશન પર આ ઍમ્બ્યુલન્સ ઉપલબ્ધ કેમ નહોતી?
ADVERTISEMENT
BVG ઇન્ડિયા લિમિટેડની ‘૧૦૮’ ઍમ્બ્યુલન્સ સર્વિસના ચીફ ઑપરેટિંગ ઑફિસર ડૉ. જ્ઞાનેશ્વર શેળકે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબ્રા સ્ટેશન પર ઍમ્બ્યુલન્સ હતી જ નહીં. અમારી લૉગ બુકમાં પણ અમે તપાસ્યું, અમને ત્યાંથી મદદ માટે કોઈ કૉલ આવ્યો નથી.’
સામાજિક કાર્યકર નઝીમ અન્સારીએ જણાવ્યું હતું કે ‘મુંબ્રામાં હૉસ્પિટલ હોવા છતાં ઈજાગ્રસ્તોને કલવા અને થાણેની હૉસ્પિટલોમાં લઈ જવાયા હતા. ઈજાગ્રસ્તોને લઈ જવા માટે શહેરની બીજી ઍમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી.’
લોકલ ટ્રેનના કાયમી મુસાફરે જણાવ્યું હતું કે ‘ઈજાગ્રસ્તોને દૂરની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, એને લીધે જ આપણે તેમનું જીવન બચાવવાના ગોલ્ડન અવરને ગુમાવ્યો. હાઈ કોર્ટનો ઑર્ડર હોવા છતાં મુંબ્રા સ્ટેશન પર મેડિકલ રૂમ કે ઍમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહોતી.’
ગઈ કાલની ઘટનામાં ઘાયલ થયેલો એક યુવાન કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં.
સામાજિક કાર્યકર સમીર ઝવેરીએ જણાવ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવેનાં બધાં જ સ્ટેશનો પર ઍમ્બ્યુલન્સ અને મેડિકલ રૂમ ઉપલબ્ધ છે, જ્યારે સેન્ટ્રલ રેલવેનાં ૧૦થી ૧૫ સ્ટેશનો પર જ આ સેવા ઉપલબ્ધ છે. થાણે, કલવા કે મુંબ્રા સ્ટેશન પર ઍમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે જ નહીં.’
અકસ્માતની તપાસ શરૂ
મુંબ્રામાં અકસ્માત થયા બાદ રેલવે-પોલીસે એની તપાસ શરૂ કરી હતી. પોલીસ-કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચીને એનું નિરીક્ષણ કર્યું હતું અને બે પાટા વચ્ચેનું અંતર માપીને એની નોંધ કરી હતી. તસવીર : સમીર સૈયદ અબેદી
ચીફ પબ્લિક રિલેશન ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાએ કહ્યું હતું કે ‘સવારે ૯ વાગ્યાની આસપાસ ઘટના બની હતી અને પ્રથમ ઈજાગ્રસ્તને સાડાનવ વાગ્યે હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. છેલ્લા ઈજાગ્રસ્ત ૯.૫૦ વાગ્યે હૉસ્પિટલ પહોંચી ગયા હતા. તેમને હૉસ્પિટલ પહોંચાડવામાં મોડું નહોતું થયું.’
તેમણે ઉમેર્યું હતું કે સેન્ટ્રલ રેલવેએ અક્સ્માતગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે નજીકની હૉસ્પિટલો સાથે ટાઇ-અપ કરેલું છે.

