Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: બેફામ કારે બે જણના જીવ લીધા

ન્યૂઝ શોર્ટમાં: બેફામ કારે બે જણના જીવ લીધા

Published : 08 July, 2026 07:33 AM | Modified : 08 July, 2026 09:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બેથી ત્રણ વાહનોને ટક્કર મારીને ૧૦ જણને કચડ્યા. જખમી થયેલા લોકોને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું

અકસ્માતમાં નુકસાન પામેલાં વાહનો.

અકસ્માતમાં નુકસાન પામેલાં વાહનો.


નવી મુંબઈના તળોજા સેક્ટર દસમાં પૂરઝડપે આવેલી એક કારે અકસ્માત કરીને ૧૦ જણને અડફેટે લીધા હતા. એમાંથી ૮ જણ ગંભીર રીતે જખમી થયા હતા, જ્યારે બે જણનાં આ ઘટનામાં મૃત્યુ થયાં હતાં. જખમી થયેલા લોકોને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું. તળોજામાં સોમવારે કારના ડ્રાઇવરે કાબૂ ગુમાવીને રિક્ષા સહિત બેથી ૩ વાહનોને ટક્કર મારી હતી, જેમાં ૮ જણને ઈજા થઈ હતી અને બે જણ મૃત્યુ પામ્યા હતા. રહેવાસીઓની મદદથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. જોકે કારનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હોવાનું અને તેની વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધીને તેને શોધવાના પ્રયત્નો શરૂ હોવાનું પોલીસે જણાવ્યું હતું. સાક્ષીઓએ જણાવ્યા અનુસાર હૉસ્પિટલમાં દાખલ કરાયેલા ઈજાગ્રસ્તોમાંથી અમુકની સ્થિતિ ગંભીર છે, જ્યારે અમુક લોકોને નજીવી ઈજા પહોંચી હોવાથી તેમને થોડા સમયમાં રજા આપી હતી. જોકે હજી સુધી પોલીસ અકસ્માત કરનારા ડ્રાઇવરનો પત્તો મેળવી શકી નથી.

કૅચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ બાદ વિહાર જળાશય ઓવરફ્લો



જુલાઈ મહિનો શરૂ થતાં જ સતત પડી રહેલા વરસાદને પગલે ગઈ કાલે વિહાર જળાશય ઓવરફ્લો થઈ ગયું હતું. કૅચમેન્ટ વિસ્તારમાં છેલ્લા ૪૮ કલાકથી પડેલા ભારે વરસાદને પગલે વિહાર એની ક્ષમતાના ૧૦૦ ટકા ભરાઈ જતાં મંગળવારે રાતે ૯ વાગ્યે ઓવરફ્લો થયું હતું. જોકે ગયા વર્ષ કરતાં આ વર્ષે વિહાર ઘણું વહેલું ઓવરફ્લો થયું છે. ૨૦૨૫માં ૧૮ ઑગસ્ટે એ ઓવરફ્લો થયું હતું. વિહાર જળાશય ૨૭,૬૯૮ મિલ્યન લીટરની ઉપયોગી પાણીના સંગ્રહની ક્ષમતા ધરાવે છે. મુંબઈને પાણી પૂરું પાડતા સૌથી નાનાં જળાશયોમાંનું એક હોવા છતાં એ શહેરની પાણી વિતરણવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિહાર મુંબઈને દરરોજ સરેરાશ ૯૦ મિલ્યન લીટર પીવાનું પાણી પૂરું પાડે છે. BMCના હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ દ્વારા અપાયેલી માહિતી મુજબ 
મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં ગઈ કાલે સવાર સુધીમાં ૨૮.૯૨ ટકા પાણીપુરવઠો ઉપલબ્ધ હતો.


અમરનાથ ગુફામાં કુદરતી બરફનું શિવલિંગ યાત્રાના પાંચમા જ દિવસે લગભગ આખું પીગળી ગયું

અમરનાથ ગુફામાં કુદરતી રીતે તૈયાર થતું બરફનું શિવલિંગ યાત્રા શરૂ થયાના માત્ર પાંચમા દિવસે જ લગભગ સંપૂર્ણપણે પીગળી ગયું છે. ૫૭ દિવસની અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થઈ હતી. યાત્રાના પહેલા ૪ દિવસમાં આશરે ૮૬,૦૦૦ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાનાં દર્શન કર્યાં હતાં. ગઈ કાલે આ સંખ્યા ૧,૦૦,૦૦૦ને પાર થઈ હતી. આ વર્ષે ૪,૦૦,૦૦૦ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આમ હજી ૩,૦૦,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ હજી દર્શન કરવાનાં બાકી છે. ૨૩ મેએ બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનોએ જે તસવીર જાહેર કરી હતી એમાં શિવલિંગ ૭ ફુટનું જોવા મળ્યું હતું. ૨૯ જૂને પહેલી પૂજા કરવામાં આવી ત્યારે શિવલિંગની ઊંચાઈ પાંચ ફુટથી વધારે હતી, પણ હવે શિવલિંગ પીગળી ગયું છે. અમરનાથ યાત્રા ૨૮ ઑગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂરી થશે.


દાદર સ્ટેશનના રેલવે-ટ્રૅક પર મહિલાની નિર્દયતાથી મારપીટ, લોકો પ્રેક્ષક બનીને જોતા રહ્યા

દાદર રેલવે-સ્ટેશનનો ચોંકાવનારો અને કંપારી છૂટી જાય એવો વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ વિડિયોમાં એક માણસ રેલવે-ટ્રૅક પર એક અસહાય મહિલાને જાહેરમાં નિર્દયતાથી લાતો અને મુક્કા મારીને ઢસડી રહ્યો હોવાનું દેખાય છે. સૌથી શરમજનક બાબત એ છે કે આ હિંસક ઘટના દરમ્યાન પ્લૅટફૉર્મ પર હાજર અનેક મુસાફરો મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતા રહ્યા હતા, પરંતુ કોઈ પણ મહિલાની મદદે આવ્યું નહોતું. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયા બાદ મુંબઈ પોલીસે ઍક્શનમાં આવીને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને આ મામલે તપાસ કરવાનો અને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

APMC મસાલા માર્કેટમાં લાગી ભીષણ આગ, લાખોની કિંમતનો ડ્રાયફ્રૂટ્સનો જથ્થો બળીને ખાખ

નવી મુંબઈમાં આવેલી APMC મસાલા માર્કેટના એક ડ્રાયફ્રૂટ્સ વેચતી કંપનીના ગાળામાં સોમવારની મધરાતે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. શૉર્ટ-સર્કિટના કારણે લાગેલી આ આગમાં લાખો રૂપિયાની કિંમતનો ડ્રાયફ્રૂટ્સનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૩ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને અંદાજે ૪ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

રિક્ષામાં ૧૦ લાખ રૂપિયા ભરેલી બૅગ ભૂલી ગયેલા પ્રવાસીને પોલીસે બે જ કલાકમાં પાછી અપાવી

ચોથી જુલાઈએ મુશળધાર વરસાદ પડતો હતો ત્યારે બોરીવલી-ઈસ્ટમાં રહેતો પ્રવીણ જાવળે તેની કંપનીના ૧૦ લાખ રૂપિયા લઈને દહિસરથી રિક્ષા પકડીને અંધેરી જઈ રહ્યો હતો. ત્યારે તેને અચાનક ટૉઇલેટ લાગતાં તે રિક્ષા થોભાવીને પબ્લિક ટૉઇલેટમાં ગયો હતો. જોકે એ વખતે પોતાની ૧૦ લાખ રૂપિયા ભરેલી બૅગ તે રિક્ષામાં જ ભૂલી ગયો હતો. ભારે વરસાદની પળોજણમાં તે બૅગ રિક્ષામાં ભૂલી ગયો હોવાનું તેણે જણાવ્યું હતું. જોકે પોતે બૅગ ભૂલી ગયો હોવાનું ભાન થતાં પ્રવીણ જાવળેએ દહિસર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રવીણ જાવળેને રિક્ષાની નંબરપ્લેટ કે કંઈ જ યાદ ન હોવાથી પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી અને ફક્ત બે જ કલાકમાં જ રિક્ષા-ડ્રાઇવરનો શોધી કાઢ્યો હતો. તેની રિક્ષાની સીટ પરથી જ પૈસા ભરેલી બૅગ મળી આવી હતી. પોલીસે જણાવ્યા અનુસાર રિક્ષા-ડ્રાઇવરને તેની રિક્ષામાં પૈસા ભરેલી બૅગ હોવાની કોઈ જાણ નહોતી.

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે ડૉમિસાઇલ સર્ટિફિકેટ પણ ફરજિયાત 

મહારાષ્ટ્ર સરકારે પહેલી ઑગસ્ટથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ડૉમિસાઇલ સર્ટિફિકેટ પણ દાખલ કરવું ફરજિયાત બનાવ્યું છે. મંગળવારે વિધાનસભામાં રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે લાઇસન્સ મેળવવા માટે મહારાષ્ટ્રમાં કાયમી રહેતા હોવાના પુરાવારૂપ ડૉમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત બનાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
આ માટેનો પ્રસ્તાવ લૉ ઍન્ડ જુડિશ્યરી ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમની મંજૂરી મળતાં જ પહેલી ઑગસ્ટથી આ કાયદો અમલમાં આવી જશે. ગેરકાયદે બાઇક ટૅક્સી-સર્વિસ ચલાવાતી હોવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતી વખતે પ્રતાપ સરનાઈકે આ માહિતી આપી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2026 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK