ભિવંડીની આંચકાજનક ઘટના : કૂતરા અને પ્રાણીઓએ બાળકીનો જીવ લઈ લીધો
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીના ભરોડી ગામમાં કચરાના ઢગલામાં રવિવારે વહેલી સવારે એક નવજાત બાળકીને જીવતી ફેંકી દેવામાં આવતાં તેને કૂતરાં અને બીજાં પ્રાણીઓએ ફાડી ખાતાં તેનું મૃત્યુ થયું હતું. મામલાની જાણ રવિવારે સાંજે નારપોલી પોલીસ-સ્ટેશનને કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની પાંચ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં એ જ ગામમાં રહેતી એક મહિલાએ રવિવારે વહેલી સવારે ત્રીજી દીકરી જન્મતાં તેને જીવતી કચરાના ઢગલામાં ફેંકી દીધી હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી હતી. આ મામલે પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.
નવજાત બાળકીનો એક હાથ જાનવર ખાઈ ગયાં હતાં અને તેનું પેટ ફાડી નાખતાં તેનાં આંતરડાં બહાર પડ્યાં હતાં. માથાનો પણ અમુક ભાગ ચવાઈ ગયો હતો.
ADVERTISEMENT
બાળકીની માતાને ૨૪ કલાકની અંદર શોધી કાઢવામાં અમને સફળતા મળી હતી એમ જણાવતાં નારપોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત કામતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે વહેલી સવારે મહિલાની ડિલિવરી ઘરમાં જ થઈ હતી. એ સમયે તેણે જોયું કે તેણે દીકરીને જન્મ આપ્યો છે. તેને પહેલાંથી બે દીકરી છે અને ત્રીજી પણ દીકરી આવતાં તેણે સવારે ચૂપચાપ ઘરેથી બહાર આવી જીવતી છોકરીને કચરામાં ફેંકી દીધી હોવાનું અમને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે અમે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ કરી રહ્યા છીએ.’


