Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કચરાપેટીમાં કૂતરાઓ વચ્ચે ઘેરાયેલી ૭ દિવસની નવજાત બાળકી માટે દેવદૂત બનીને આવી શિક્ષિકા

કચરાપેટીમાં કૂતરાઓ વચ્ચે ઘેરાયેલી ૭ દિવસની નવજાત બાળકી માટે દેવદૂત બનીને આવી શિક્ષિકા

Published : 14 June, 2026 08:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલ્યાણની હૃદયદ્રાવક ઘટના : બાળકીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી

હૉસ્પિટલમાં બાળકીને ડૉક્ટરે સારવાર આપી હતી.

હૉસ્પિટલમાં બાળકીને ડૉક્ટરે સારવાર આપી હતી.


દેશભરમાં ‘બેટી બચાઓ’ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું હોવા છતાં સમાજમાં હજી પણ દીકરીઓ પ્રત્યેની માનસિકતા સંપૂર્ણપણે બદલાઈ નથી. જનજાગૃતિ ફેલાવ્યા છતાં દીકરીઓને જન્મતાંની સાથે જ તરછોડી દેવાની કે મારી નાખવાની ચોંકાવનારી ઘટના અવારનવાર બનતી રહે છે. આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો શુક્રવારે સવારે કલ્યાણમાં બન્યો હતો. કલ્યાણ-ઈસ્ટના ચિકનીપાડામાં માત્ર સાતેક દિવસની નવજાત બાળકીને પ્લાસ્ટિકની કોથળીમાં વીંટાળીને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવી હતી. આ મામલે કલ્યાણના કોળસેવાડી પોલીસે નવજાત બાળકીને આ રીતે ફેંકનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ માસૂમ બાળકી કચરાના ઢગલામાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી હતી અને તેની આસપાસ રખડતા કૂતરા ભેગા થઈ ગયા હતા જેને કારણે બાળકીનો જીવ જોખમમાં હતો. જોકે નજીક રહેતી એક મહિલાએ તેને ઉગારી લેતાં તેનો જીવ બચી ગયો છે.

મહિલાએ કઈ રીતે ઉગારી બાળકીને?
કોળસેવાડી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલ્યાણ-ઈસ્ટના ચિકનીપાડામાં રહેતાં અને સ્થાનિક સ્કૂલમાં કાર્યરત શિક્ષક પૂજા લાવેકર શુક્રવારે સવારે પીપળાના ઝાડ પાસેની કચરાપેટીમાં કચરો નાખવા ગયાં ત્યારે તેમની નજર એક પ્લાસ્ટિકની કોથળી પર પડી હતી. કચરાપેટીની આસપાસ કૂતરા ભેગા થઈ રહ્યા હતા અને હુમલો કરવાની તૈયારીમાં હતા. એ સમયે કોથળીમાંથી બાળકીનું માથું બહાર આવ્યું ત્યારે પૂજાએ ક્ષણનોય વિલંબ કર્યા વિના હિંમત દાખવીને કૂતરાઓને ત્યાંથી ભગાડ્યા અને નવજાત બાળકીને કૂતરાનો શિકાર થતાં બચાવી લીધી હતી. તેઓ એ પછી બાળકીને પોતાના ઘરે લઈ ગયાં અને પરિવાર તથા આસપાસના લોકોને જાણ કરી હતી. આ ઘટના વિશે સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક અમને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચીને અધિકારીઓએ બાળકીને કબજામાં લીધી અને સારવાર માટે રુક્મિણીબાઈ હૉસ્પિટલમાં દાખલ કરી હતી. હૉસ્પિટલનાં ડૉ. સુલોચના ત્રિભુવને જણાવ્યા અનુસાર બાળકીની નાળ જોતાં તે આશરે સાતેક દિવસની છે. હાલમાં બાળકીની તબિયત સારી છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેને થોડા સમય માટે ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. બીજી તરફ આ અમાનવીય કૃત્ય બદલ અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આસપાસના વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસીને બાળકીને કચરાપેટીમાં ફેંકી જનાર વ્યક્તિને શોધવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2026 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK